ભાંગી પડવાના આરે ઉભેલા નાટોને ટેરિફનું તણખલું તારશે કે ડૂબાડશે
- ટ્રમ્પના ટેરિફના ગાણાની પીપૂડી વગાડી નાટો એક સાથે બે લક્ષ્યનો શિકાર કરી રહ્યું છે
- સોવિયેત સંઘના કલ્પિત ડરથી યુરોપને બચાવવા માટે રચાયેલું નાટો હવે રશિયા સામે મેદાનમાં ઉતર્યું છે. આર્થિક, રાજદ્વારી અને સૈન્ય શક્તિમાં નબળા પડી રહેલા યુરોપ માટે આ મહત્વની તક છે. બીજી તરફ, ટ્રમ્પ નાટોમાંથી અમેરિકાને મુક્ત કરવા તૈયાર હતા તે ફરીથી નાટો સાથે જોડાઈ, યુક્રેનના ખભે પિસ્તોલ રાખી પુતિન સામે નિશાન તાંકી રહ્યા છે. નાટોના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની સુવર્ણ તકમાં હવે ભારત અને ચીન સામે લક્ષ્ય સાધવામાં આવ્યું છે. આ બન્ને દેશ રશિયા પાસેથી ક્રૂડ, ગેસ, કોલસો ખરીદી રહ્યા છે એટલે મોસ્કોની યુદ્ધ કરવાની આર્થિક શક્તિ નબળી પડતી નથી એવી દલીલ છે. પરંતુ, યુરોપ પણ પોતાની ઉર્જા માટે રશિયા ઉપર નિર્ભર છે. યુરોપે રશિયા પાસેથી જેટલી ખરીદી કરી છે તેના કરતા ઓછી મદદ યુક્રેનને કરી હોવાનું આંકડા સૂચવે છે! નાટોએ પોતાને બચાવવા માટે પકડેલું તણખલું યુરોપના પગ ઉપર કુહાડો સાબિત થઇ શકે!
લગભગ મૃતપાય બનેલા લશ્કરી સંગઠન નાટોને જીવંત થવાની સુવર્ણ તક મળી છે. નેધરલેન્ડના પૂર્વ વડાપ્રધાન અને નાટોના વર્તમાન વડા વડા માર્ક રૂટેએ આ તક બન્ને હાથ ઝડપી લીધી છે. યુક્રેન ઉપર યુદ્ધે ચડેલા રશિયાને શાંતિ માટે, શસ્ત્રવિરામ માટે સમજાવવા ભારત, ચીન અને બ્રાઝિલને તાકીદ કરી છે. જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માને નહીં તો આ ત્રણેય દેશો ઉપર, મોસ્કો સાથે વ્યાપારી અને રાજદ્વારી સંબંધો રાખવા માટે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. સ્વાર્થના આ સોદાથી દુનિયા સામે નવો પડકાર આવી ઉભો છે. પુતિને નાટોની વાત એક કાને સાંભળી, બીજા કાને કાઢી નાખી છે!
નાટો, અમેરિકા અને યુરોપની ટેરિફ લાદવાની દલીલ પાછળ રશિયાની ઉર્જા નિકાસની ભારત અને ચીન દ્વારા થઇ રહેલી સતત, વધુને વધુ ખરીદી છે. યુરોપ રશિયા ઉપર નિર્ભર ઘટાડવા માટે પ્રયત્નશીલ છે પણ તે હજી અટક્યું નથી. સંપૂર્ણ અટકી શકે કે કેમ તે અંગે આંતરિક વિવાદ પણ છે. ટેરિફની ધમકી કે ઊંચા ટેક્સ લાદી નાટો અને અમેરિકા પોતાના પગ ઉપર જ કુહાડો મારે એવી શક્યતા પણ નકારી શકાય નહીં.
નાટો માટે આ સુવર્ણ તક છે એ સમજવા માટે આ સંગઠનની રચના અને તેના ઉદ્દેશ વિષે જાણકારી જરૂરી છે. બીજા વિશ્વયુદ્ધ ફરી લંબાય નહીં અને સોવિયેત યુનિયન પશ્ચિમ યુરોપીયન દેશો ઉપર હુમલો કરે નહીં તેના માટે સહિયારા સુરક્ષાના પ્રયાસ રૂપે તા. ૪ એપ્રિલ ૧૯૪૯ના દિવસે નોર્થ એટલાન્ટીક સંધિના ભાગરૂપે નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(નાટો)નો જન્મ થયો. અમેરિકાની આગેવાની હેઠળ કેનેડા અને યુરોપના ૧૦ દેશો મળી કુલ ૧૨ રાષ્ટ્રોની આ સંગઠન અત્યારે ૩૨ સભ્યો ધરાવે છે. નાટોની સ્થાપના સામે રશિયાએ ૧૯૯૫માં વોર્સો સંધિ કરી હતી અને પૂર્વ -મધ્ય યુરોપના સાત દેશોને તેના સભ્યો બનાવેલા. રશિયાએ નાટોને જવાબ આપવા માટે આ સભ્ય દેશોમાં પોતાના લશ્કરી થાણા ઉભા કર્યા અને સહિયારા પ્રયાસથી લશ્કર પણ. નાટોનો એક જ ઉદ્દેશ હતો કે સામ્યવાદી રશિયાનું સામ્રાજ્ય યુરોપમાં ફેલાય નહીં. શીત યુદ્ધ વખતે નાટોની લશ્કરી તાકાતનો ક્યારેય ઉપયોગ થયો નથી અને એ પછી યુક્રેન યુદ્ધમાં તેનો ઉપયોગ શરૂ થયો છે. રશિયાને પશ્ચિમના દેશોના નાટોની આડમાં પોતાના છુટા પડેલા (એક સમયે સોવિયેત યુનિયનનો ભાગ હતા એવા) રાષ્ટ્રોમાં હસ્તક્ષેપ સામે વાંધો છે, યુક્રેનમાં સામ્યવાદીના બદલે લોકશાહીથી ચાલતી સરકાર સામે તેને વાંધો છે. યુક્રેન નાટોનો સભ્યો બનવા માટે તૈયાર છે અને સત્તાવાર અરજી પણ કરી છે. રશિયા એવું માને છે કે નાટોની મદદથી અમેરિકા અને યુરોપના મિત્રો રોમાનિયા, પોલેન્ડ જેવા દેશોમાં લશ્કરી થાણા સ્થાપી રહ્યા છે. પુતિન માટે યુક્રેનનું યુદ્ધનું આ પાયાનું કારણ છે.
બીજી તરફ, રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણીના ઉમેદવાર તરીકે અને સત્તા ઉપર આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા હતા કે અમેરિકાએ નાટો સંગઠનમાંથી નીકળી જવું જોઈએ. 'નાટોના લશ્કરી ખર્ચનો બધો ભાર જો અમેરિકાએ જ ઉપાડવાનો હોય, નાટોના સભ્ય કોઈ ખર્ચ કરવા તૈયાર ન હોય તો અમેરિકાએ નાટોનું સભ્યપદ છોડી દેવું જોઈએ,' ટ્રમ્પની આ વિચારધારા હતી. હવે, તા. ૧૪ જુલાઈએ અચાનક જ ટ્રમ્પના સૂર બદલાયા અને તેના સંગીતથી નાટો ઝૂમી ઉઠયું! અમેરિકાની સૌથી શક્તિશાળી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પેટ્રોઈટ માટે નાટો ખર્ચ ભોગવશે એવી સંધિ ટ્રમ્પ અને રૂટે કરી અને સ્થિતિ બદલાઈ છે. અમેરિકા મદદ કરવા તૈયાર છે અને નાટો પડી ભાંગશે નહીં એવી સ્થિતિ ઉભી થઇ રહી છે એટલે રૂટે પણ ટ્રમ્પના ટેરિફના ગાણા ગાવા શરૂ કર્યા છે. નાટો માટે એક કાંકરે બે પક્ષી મરે છે - એક, અમેરિકા સભ્ય રહેશે તો અસ્તિત્વ ટકી રહેશે અને બીજું એકમાત્ર દુશ્મન રશિયા (એટલે કે સોવિયેતને નાથવા)નું લક્ષ્ય પાર પડશે.
જોકે, સ્વાર્થની આ લડાઈમાં નાટોએ પુતિનના બદલે નિશાન ચીન, ભારત અને બ્રાઝિલ સામે તાંકયું છે. જોકે આ નિશાનથી વધારે તકલીફ યુરોપને પડી શકે. યુરોપીયન સંઘના ૨૭ દેશો સભ્ય છે અને તેમાંથી ૨૩ દેશો એવા છે કે જે નાટોના પણ સભ્ય છે. આ ૨૩ દેશોમાં બ્રિટન, તુર્કી અને અલ્બેનિયા એવા દેશો છે જે સંઘના સભ્ય નથી પણ બ્રિટન નાટોમાં જોડાયેલું છે. આ બધા દેશો સાથે વ્યાપારની દ્રષ્ટિએ સૌથી મહત્વના ભાગીદારોમાં ચીન, રશિયા અને ભારતનો સમાવેશ થાય છે. ટેરિફ લાદવાથી નાટો રાષ્ટ્રોને પણ ફટકો પડવાનો છે, તે જે ચીજોની આયાત કરે છે તે મોંઘી થશે અને ત્યાંની પ્રજાએ મોંઘવારી સહન કરવી પડશે.
સૌથી ચોંકાવનારી વાત છે કે યુરોપે યુક્રેનમાં જે લશ્કરી સહાય માટે નાણા આપ્યા છે તેનાથી વધારે નાણા મજબૂરી, લાચારી તરીકે રશિયાને ચૂકવ્યા છે. નાટો અત્યારે રશિયાને નાથવા મહેનત કરી રહ્યું છે પણ યુરોપના દેશોને રશિયાની ઉર્જા વગર જીવવું અત્યારે તો શક્ય નથી.
યુક્રેન ઉપર યુદ્ધ શરૂ કર્યું એની સજાના ભાગરૂપે અમેરિકા, તેના સાથી દેશો, યુરોપ અને અન્ય રાષ્ટ્રોએ રશિયા ઉપર ૨૧,૦૦૦ કરતા વધારે આર્થિક, રાજદ્વારી, નાણાકીય અને વ્યક્તિગત પ્રતિબંધ જાહેર કરેલા છે. ઉદ્દેશ એટલે જ કે રશિયાની આર્થિક કમ્મર તૂટી જાય એ યુદ્ધનો ખર્ચ ઉઠાવી શકે નહીં. પરંતુ, રશિયાનું અર્થતંત્ર નબળું પડયું છે પણ અમેરિકા - નાટોની અપેક્ષાએ તૂટી ગયું નથી. આ સ્થિતિ અકળાવી રહી છે. એટલે હવે રશિયાની સાથે મિત્રતા ધરાવતા દેશોને ધમકીઓ આપવામાં આવી રહી છે. પહેલી ધમકી બ્રિકસ રાષ્ટ્રો થકી ટ્રમ્પે આપી અને હવે નાટો એમાં જોડાયું છે. નાટોની દલીલ છે કે ભારત અને ચીન રશિયા સાથે વ્યાપારી સંબંધો રાખે છે અને તેનાથી રશિયાની આર્થિક શક્તિ વિસ્તરી રહી છે.
યુરોપિયન દેશો ફિનલેન્ડની રાજધાની હેલસિંકી સ્થિત સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (ક્રીઆ)ના આંકડા અનુસાર ભારતે રશિયા પાસેથી યુદ્ધ શરૂ થયા પછી ૪૯ અબજ યુરો (રૂ.૧.૫૦ લાખ કરોડ)નું ક્રૂડ ખરીદ્યું છે. ચીન રોજનું ૧૩ કરોડ ડોલરનું ૨૦ લાખ બેરલ ક્રૂડ ખરીદી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી દુનિયાભરના દેશો ભારતને ચીન પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદવા માટે સલાહ આપી રહ્યા છે, દબાણ કરી રહ્યા છે પણ ભારતે સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવું બંધ નથી કર્યું. આવી જ રીતે ચીન પણ મિત્ર રશિયા સાથે ખભેખભા મિલાવી ઉભું છે. ક્રૂડ ઉપરાંત, ભારત, ચીન, દક્ષિણ કોરિયા અને તુર્કી રશિયા પાસેથી કોલસો પણ ખરીદે છે એટલે દુનિયાની પેટમાં તેલ રેડાયું છે. જોકે, નાટો, યુરોપ અને અમેરિકા ત્રણેયના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે!
વર્ષ ૨૦૨૨થી યુરોપીયન સંઘે પોતાની જરૂરીયાતના ૫૧ ટકા લિક્વિડ નેચરલ ગેસની ખરીદી રશિયા પાસેથી કરી છે. પાઈપ મારફત યુરોપ આવતો ૩૭ ટકા ગેસ રશિયા પૂરો પાડે છે. ક્રીઆના જ આંકડા અનુસાર વર્ષ ૨૦૨૪માં રશિયા પાસેથી યુરોપિયન સંઘે ૨૫.૪ અબજ ડોલરના ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી કરી હતી અને એ વર્ષમાં ૨૧.૬૯ અબજ ડોલરની સહાય યુક્રેનને કરી હતી.
યુક્રેન યુદ્ધ શરુ થયા પછી યુરોપિયન સંઘના દેશોએ ૨૧૫ થી ૨૩૫ અબજ ડોલરના ક્રૂડ, ગેસ અને કોલસો રશિયા પાસેથી ખરીદ્યા છે તેની સામે યુક્રેનને ૨૦૦ અબજ ડોલરની સહાય કરી છે. આમ, યુક્રેનને કરેલી સહાય કરતા રશિયાએ વધારે નાણા ચૂકવ્યા છે!
નાટોનો એક જ દુશ્મન - રશિયા અને એક જ શક્તિ - અમેરિકા
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ દુનિયાને પોતાની આંગળી ઉપર નચાવવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી.
યુદ્ધમાં તારાજ થયેલા દેશોને અઢળક નાણા આપી ત્યાં લશ્કરી થાણા સ્થાપ્યા. એવા દેશો જ્યાં સામ્યવાદ કે સમાજવાદ ન હતો ત્યાં લશ્કરી મદદ ઉભી કરી. પશ્ચિમ યુરોપના દેશોની પણ યુદ્ધ પછી આવી જ હાલત હતી. જર્મની અને જાપાનને પરાસ્ત કરવા એક થયેલા અમેરિકા, સોવિયેત સંઘ અને ચીન હવે છુટા પડી ગયા હતા. પણ, અમેરિકાને દુનિયા ઉપર રાજ કરવું હતું એટલે નાટોનો જન્મ થયો.
સોવિયેત સંઘ તેની લશ્કરી તાકાતથી યુરોપ ઉપર રાજ કરશે એવો દર બતાવી ૧૯૪૯માં નાટોની રચના થઇ. આ સંગઠનનો એક જ દુશ્મન હતો સોવિયેત સંઘ, એક જ ઉદ્દેશ હતો કે સોવિયેત સંઘનો પ્રસાર યુરોપમાં અટકાવવો. છુટા પડેલા સોવિયેત સંઘ અને અમેરિકા વચ્ચે દુનિયા ઉપર કબજો જમાવવા જે હોડ ચાલી તેમાં અમેરિકાએ યુરોપમાં પોતાનું રાજ જળવાઈ રહે એ મે બધી જ શક્તિનું - લશ્કરી, નાણાકીય અને રાજદ્વારી - નાટોમાં રોકાણ કર્યું હતું.