શ્રધ્ધાની ક્રૂર હત્યા પર રાજકારણ, નફ્ફટાઈની ચરમસીમા


- બલયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, શ્રધ્ધાના લિવિંગ પાર્ટનરની અટક પૂનાવાલા હોવાથી શેહજાદ પૂનાવાલા સાથે કોઈ સંબંધ છે કે નહીં એવો સવાલ કર્યો હતો

- શ્રધ્ધાની હત્યાની વિગતો પથ્થર હૃદયના માણસને પણ હચમચાવી મૂકે એવી છે. આ ઘટનાનો શોક મનાવવાના બદલે બલયાને શેહઝાદ પૂનાવાલાને ઢસડવાની હીન હરકત કરી એ અત્યંત શરમજનક કહેવાય. પૂનાવાલાને આ આક્ષેપો બદલ બદનક્ષીનો દાવો કરવાનો અધિકાર છે પણ તેમણે પણ વળતા બીજા આક્ષેપો કરીને મોતનો મલાજો ના જાળવ્યો. 

ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ કોઈ પણ મુદ્દાનો રાજકીય ફાયદા માટે કઈ રીતે ઉપયોગ કરી શકાય તેની ફિરાકમાં હોય છે. એ માટે સૌજન્ય ચૂકી જવામાં કે સંવેદનહીનતાનું પ્રદર્શન કરવામાં પણ તેમને શરમ નથી આવતી. અત્યારે આખો દેશ જેના કારણે ખળભળી ગયો છે એ દિલ્હીના શ્રધ્ધા વોકર હત્યા કેસમાં પણ રાજકારણીઓ આ માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે.

મૂળ મુંબઈની શ્રધ્ધાની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ સાયકો કિલરની જેમ હત્યા કરી નાંખી તેની વિગતો જાણીને લોકો હચમચી ગયાં છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા નરેશ બલયાને આ મુદ્દાને વેરની વસૂલાતનો મુદ્દો બનાવી દેતા રાજકીય જંગ છેડાઈ ગયો છે.

નરેશ બલયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. શ્રધ્ધાના લિવ-ઈન પાર્ટનરની અટક પૂનાવાલા હોવાથી બલયાને સવાલ કરેલો કે, આફતાબ પૂનાવાલાને શહેઝાદ પૂનાવાલા સાથે કોઈ સંબંધ છે કે નહીં ? શહેઝાદને આફતાબ સાથે કોઈ સંબંધ ના હોય તો શહેઝાદ પૂનાવાલા કેમ ભાગી રહ્યા છે ?

આ આક્ષેપથી ભડકેલા શહઝાદ પૂનાવાલાએ ચીમકી આપી છે કે, આમ આદમી પાર્ટી અને નરેશ બલયાન ૨૪ કલાકમાં આફતાબ મારો સગો છે એવું સાબિત નહીં કરે તો હું તેમની સામે બદનક્ષીનો દાવો માંડી દઈશ. પૂનાવાલાએ બલયાન સામે કેટલાક આક્ષેપો પણ કર્યા છે. આ ચીમકી સામે બલયાને ફૂંફાડો માર્યો કે, શ્રધ્ધા બેટીના હત્યારા આફતાબના સમર્થનમાં ઉતરેલા શહઝાદ પૂનાવાલા શ્રધ્ધા માટે અવાજ ઉઠાવવા બદલ મારી સામે કેસ કરવાની ધમકી આપી રહ્યા છે પણ હું તમારા કેસથી ડરવાનો નથી. મેં લોકો માટે અવાજ ઉઠાવ્યો છે અને શ્રધ્ધા દીકરીના ન્યાય માટે અવાજ ઉઠાવતો રહીશ.  

શહેઝાદ પૂનાવાલાએ પલયાનના ફૂંફાડા સામે બદનક્ષીનો કેસ કરવાની નોટિસ ફટકારી દીધી છે. શહઝાદે વકીલ નમિતા સક્સેના મારફતે બલયાન અને ટ્વિટર બંનેને બદનક્ષીનો કેસ કરવાની કાનૂની નોટિસ ફટકારી છે. શહઝાદે સોશિયલ મીડિયા પર ૮ મિનિટનો લાંબો વીડિયો મૂકીને આમ આદમી પાર્ટી અને બલયાન સામે આક્ષેપોનો મારો પણ ચલાવ્યો છે. શહઝાદ નોટિસ ફટકારીને સંતોષ માને છે કે પછી બદનક્ષીનો કેસ પણ કરે છે એ જોવાનું રહે છે પણ આ ઘટનાક્રમ આપણ રાજકારણીઓની માનસિકતા કેવી છે તેના પુરાવારૂપ છે.

શ્રધ્ધાની હત્યાના કેસમાં જે વિગતો બહાર આવી છે એ પથ્થર હૃદયના માણસને પણ હચમચાવી મૂકે એવી છે. આ ઘટનાનો શોક મનાવવાના બદલે બલયાને શેહઝાદ પૂનાવાલાને આ કેસમાં ઢસડવાની હીન હરકત કરી એ અત્યંત શરમજનક કહેવાય. પૂનાવાલાને આ આક્ષેપો બદલ બદનક્ષીનો દાવો કરવાનો અધિકાર છે જ પણ તેમણે પણ સંયમ જાળવવાની જરૂર હતી. તેના બદલે બીજા આક્ષેપો કરીને મોતનો મલાજો ના જાળવ્યો.  આ મુદ્દો રાજકીય આક્ષેપો કરવાનો છે જ નહીં એટલી સાદી સમજ પણ આપણા નેતાઓમાં નથી એ જોઈને ખરેખર આઘાત લાગે છે. 

શ્રધ્ધાની હત્યાની આખી ઘટના હબકી જવાય એવી છે. આફતાબે મુંબઈમાં પ્રેમનું નાટક કરીને શ્રધ્ધાને ફસાવીને ભગાડી ને પછી તેની હત્યા કરીને મારી નાંખી એવી ઘટના વાસ્તવિકતામાં પણ બની શકે એવી કોઈને કલ્પના પણ ના આવે. પ્રેમી પ્રેમિકાની કે પ્રેમિકા પ્રેમીની હત્યા કરી નાંખે એવી ઘટનાઓ તો બહુ બને છે પણ આ કેસમાં તો આફતાબે પાશવીપણાની તમામ હદો વટાવી દીધી હતી. કોઈ સાયકો કિલર થ્રીલરના વિલનની જેમ એ વર્ત્યો છે. આફતાબે એક પરફેક્ટ મર્ડરનું પ્લાન કરીને ઠંડે કલેજે શ્રધ્ધાનો કાંટો કાઢી નાંખ્યો હોય એવું લાગે છે. 

શ્રધ્ધા વોકર આફતાબ સાથે મુંબઈમાં પ્રેમમાં પડી હતી. આફતાબના પ્રેમમાં પાગલ થયેલી શ્રધ્ધાને તેના પરિવારે બહુ સમજાવેલી પણ શ્રધ્ધા ઘરબાર છોડીને નિકળી ગઈ હતી. મુંબઈમાં નહીં રહેવાય એવું લાગતાં ભાગીને દિલ્હી આવી ગઈ ને આફતાબ સાથે લિવ ઈનમાં રહેતી હતી. પોલિસે આપેલી માહિતી પ્રમાણે શ્રદ્ધા અને આફતાબ ૮ મેના રોજ દિલ્હી આવ્યા પછી  પછી શરૂઆતમાં પહાડગંજની સસ્તા હોટલમાં રહેલાં. એ પછી પ્રમાણમાં સસ્તા મનાતા છતરપુર વિસ્તારમાં રહેવા ગયાં ને છેવટે મહેરૌલીના જંગલ પાસે ફ્લેટ લઈને રહેતાં હતાં. 

પોલીસે આપેલી માહિતી પ્રમાણે મુંબઈથી આવ્યાના ૧૦ દિવસ પછી એટલે કે ૧૮ મેએ જ આફતાબે શ્રધ્ધાની હત્યા કરી નાખી હતી. જેના કારણે શ્રધ્ધાની હત્યાની ઘટના બહાર આવી એ શ્રધ્ધાના મિત્ર લક્ષ્મણ નાદરના કહેવા પ્રમાણે જુલાઈ સુધી શ્રધ્ધા જીવતી હતી ને તેની સાથે વોટ્સએપ કોલ દ્વારા વાત પણ કરી હતી. આ બંને વિરોધાભાસી વાતોના કારણે શ્રધ્ધાની હત્યા ખરેખર ક્યારે થઈ એ અંગે ગૂંચવાડો છે પણ આફતાબે શ્રધ્ધાને પરફેક્ટ પ્લાન બનાવીને પતાવી દીધી હતી તેમાં કોઈ શંકા નથી. શ્રધ્ધાની હત્યા કર્યા પછી આફતાબે જે કર્યું એ સાંભળીને જ ઉબકા આવી જાય છે.

આફતાબ અમીન પૂનાવાલાએ પોતાની ૨૭ વર્ષની ગર્લફ્રેન્ડ શ્રધ્ધા વિકાસ વોકરનું ગળું દબાવીને હત્યા કરી પછી આરીથી લાશના ૩૫ ટુકડા કરી નાંખ્યા હતા. આ ટુકડાને સાચવવા ૩૦૦ લીટરનું ફ્રિજર લઈ આવેલો. માંસની દુર્ગંધ ફેલાય નહીં એટલે અગરબત્તી સળગાવતો. આફતાબે આરીથી લાશના ટુકડા કર્યા ત્યારે લોહી નિકળ્યું હતું. આફતાબે ગુગલ પર સર્ચ કરીને લોહી સાફ કરેલું. શ્રધ્ધાનું ગળું કાપીને તેને ફ્રીજમાં મૂકેલું ને રોજ એ કાઢીને જોતો હતો. હબકી જવાય એવી વાત એ છે કે, આ ફ્રીઝરમાં શ્રધ્ધાની લાશના ટુકડા સાથે આઈસ્ક્રીમ વગેરે રાખતો ને મજા લઈને ખાતો.  આફતાબ જીવતી હોવાનું બતાવવા આફતાબ શ્રધ્ધાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ પણ મૂકતો હતો. શ્રધ્ધાની હત્યાના બીજા જ દિવસે તેણે ડેટિંગ એપ પર પોતાનો પ્રોફાઈલ મૂકીને યુવતીઓ સાથે સંપર્ક શરૂ કરી દીધેલો. એક યુવતીને ફ્લેટ પર પણ લઈ આવેલો ને તેની સાથે શરીર સંબંધ પણ બાંધેલા. 

આ તો મુખ્ય ઘટનાક્રમ વર્ણવ્યો છે પણ શ્રધ્ધા હત્યા કેસમાં બીજી પણ ઘણી એવી વિગતો છે કે જે સાંભળીને થથરી જવાય. આ હેવાનિયત આચરનારા આફતાબને કડકમાં કડક સજા થાય તેની માગ આખો દેશ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મુસ્લિમો એવું લખી રહ્યા છે કે, આફતાબ જેવા હેવાનને તો મુસ્લિમોના કાયદા પ્રમાણે જાહેરમાં પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારવાની સજા ફરમાવવી જોઈએ. 

શ્રધ્ધાના હત્યારાને કોઈ રીતે છટકવા ના દેવો જોઈએ એ મુદ્દે આખો દેશ એક છે. ધર્મ, જ્ઞાાતિ, સંપ્રદાય વગેરેના ભેદ ભૂલીને લોકો આફતાબને તેનાં કૃત્યોની સજા કરવી જોઈએ એવું લખી રહ્યા છે ત્યારે આપણા રાજકારણીઓ બેશરમ બનીને શ્રધ્ધાની લાશ પર રાજકીય રોટલો શેકવા નિકળ્યા છે એ જોઈ ઘૃણા થાય છે. આ મુદ્દો રાજકીય ફાયદો લેવાનો કે હિસાબ સરભર કરવાનો નહીં પણ સંવેદના બતાવવાનો છે એટલી પણ તેમનામાં સમજ નથી એ બહુ શરમજનક કહેવાય. 

શ્રધ્ધાના પરિવારે સંપર્ક તોડીને ભૂલ કરી

શ્રધ્ધાના પિતાએ શ્રધ્ધાની હત્યા પછી મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં લવ જિહાદની આશંકા વ્યક્ત કરી છે. આફતાબે ખરેખર આ ઉદ્દેશથી શ્રધ્ધા સાથે લગ્ન કર્યાં હતાં કે નહીં એ તપાસનો વિષય છે પણ શ્રધ્ધાનો પરિવાર પણ શ્રધ્ધાની હત્યા માટે કંઈક અંશે જવાબદાર છે. શ્રધ્ધાએ આફતાબ સાથેના પ્રેમમાં પાગલ થઈને ઘર છોડયું એ બહુ મોટી ભૂલ હતી પણ શ્રધ્ધાના પરિવારે એક મુસ્લિમ સાથે છોકરી ભાગી ગઈ તેના કારણ તેની સાથેના તમામ સંબંધો કાપી નાંખીને તેનાથી પણ મોટી ભૂલ કરી. 

શ્રધ્ધાના પરિવારે આ સંબંધો કાપી ના નાંખ્યા હોત તો આફતાબનો અસલી ચહેરો બહાર આવ્યો પછી કદાચ શ્રધ્ધા પાછી આવી ગઈ હોત. શ્રધ્ધાના મિત્ર  લક્ષ્મણ નાદરને શ્રધ્ધાએ કહેલું કે, આફતાબ સાથે હંમેશાં ઝઘડા થાય છે. જુલાઈમાં થયેલા ઝઘડા વખતે લક્ષ્મણે કેટલાક મિત્રો જઈને શ્રધ્ધાને બચાવી હતી. લક્ષ્મણના દાવા પ્રમાણે, જુલાઈમાં શ્રધ્ધાએ વ્હોટ્સએપ કોલ કર્યો ત્યારે ખૂબ ડરેલી હતી. તેણે કહ્યું હતું કે, આફતાબ તેને મારી નાખશે.

શ્રધ્ધાનો પરિવાર સાથે સપર્ક હોત તો આ યાતના સહન કરવાના બદલે તેણે પરિવાર પાસે આવવાનું પસંદ કર્યું હોત. કમનસીબે એ દરવાજા તેના માટે બંધ થઈ ગયા હતા. શ્રધ્ધાની મા ગુજરી ગઈ ત્યારે પણ તેને જાણ નહોતી કરાઈ.

City News

Sports

RECENT NEWS