શાહી પરિવારની ચમચાગીરી છોડો - બ્રિટનમાં બોલ્ડ ઝૂંબેશ


- રાજાશાહી સામે બ્રિટનના લોકોનો બળાપો અને આક્રોશ : શાહી પરિવાર પાછળ થતાં કરોડો પાઉન્ડના ધૂમાડાને અટકાવો

- બ્રિટનનાં લોકો માને છે કે, રાજાશાહીને નાબૂદ કરીને શાહી પરિવારની તમામ સંપત્તિ સરકાર કબજે કરીને લોકો માટે ખુલ્લાં મૂકે તો અબજો પાઉન્ડની આવક થાય. શાહી પરિવારની જમીનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ સહિતની બીજી સંપત્તિ વેચીને તેમાંથી જે રકમ ઉપજે એ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી જોઈએ. 

બ્રિટનમાં ક્વિન એલિઝાબેથનું નિધન થતાં પ્રિન્સ ચાર્લ્સ કિંગ તો બની ગયા પણ તેમનો રાજ્યાભિષેક હજુ બાકી છે. આ રાજ્યાભિષેક ક્યારે થશે એ સવાલ વચ્ચે બ્રિટનમાં રાજાશાહીને નાબૂદ કરવા માટેની ઝુંબેશ શરૂ થઈ છે. બ્રિટનની રાજધાની લંડન સહિતનાં શહેરોમાં 'નોટ માય કિંગ' એટલે કે 'મારો રાજા નહીં'  અને 'એબોલિશ ધ મોનાર્કી' એટલે કે 'રાજાશાહી નાબૂદ કરો' લખેલાં પ્લેકાર્ડ સાથે લોકો દેખાવો કરી રહ્યા છે. ઘણાં પ્લેકાર્ડ પર એવાં પણ લખાણ છે કે, રાજા પોતાની સત્તા અને સંપત્તિ સાચવવા જ સક્રિય હોય છે, તમારી સેવા નથી કરતા.

બ્રિટનમાં અત્યારે વીજળીની અછત છે અને શિયાળામાં કાતિલ ઠંડી પડશે ત્યારે હીટર ચલાવવા વીજળી મળવા અંગે શંકા છે તેના સંદર્ભમાં એવાં પ્લેકાર્ડ પણ દેખાય છે કે, શાહી પરિવારને પોષવાનું છોડો, લોકોને શિયાળામાં વીજળી મળશે કે નહીં તેની ચિંતા કરો. સોશિયલ મીડિયા પર પણ ઈંર્શાસ્અણૈહય  કેમ્પેઈન શરૂ થયું છે કે જેમાં લોકો રાજાશાહ સામે બળાપો અને આક્રોશ કાઢી રહ્યાં છે. 

બ્રિટનમાં ક્વિન એલિઝાબેથની દફનવિધી હજુ થઈ નથી. ક્વિનની અંતિમવિધી ૧૯ સપ્ટેમ્બરે થાય એ પહેલા જ દેખાવો શરૂ થતાં બ્રિટનનો આખી દુનિયામાં તમાશો થઈ રહ્યો છે. આ તમાશો રોકવા માટે સરકારે પોલીસને દેખાવો બંધ કરાવવાનું ફરમાન કરતાં પોલીસ દેખાવકારોને તગેડી રહી છે ને ઘણા કિસ્સામાં ધરપકડ પણ કરાઈ છે. તેના કારણ વળી નવી મોંકાણ મંડાઈ છે. બ્રિટનમાં પણ હવે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિની આઝાદી નથી રહી એવો દેકારો શરૂ થયો છે.   બ્રિટનમાં અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો બહુ સંવેદનશીલ છે. બ્રિટિશ પ્રજા પોતાની લોકશાહી પરંપરા માટે અને અભિવ્યક્તિની આઝાદીના જતન માટે ગર્વ અનુભવે છે. લોકોને પોતાના વિચારો સ્વતંત્ર રીતે વ્યક્ત નથી કરવા દેવાતા એવી છાપ પડે તો બ્રિટનમાં નવું કમઠાણ ઉભું થઈ જાય તેથી એલિઝાબેથ ટ્રસની સરકાર બહુ સખ્તાઈથી વર્તી નથી શકતી. અત્યાર સુધીમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકોની જ ધરપકડ કરાઈ છે. આ ધરપકડ પણ એવા લોકોની કરાઈ છે કે જે ક્વિનની દફનવિધીના સ્થળ કે શાહી પરિવારના મહેલની બહાર દેખાવો કરતા હતા. એ છતાં બ્રિટનમાં લોકોનો અવાજ દબાવી દેવાય છે એવી હોહા શરૂ થઈ જ ગઈ છે. 

ખેર, એ અલગ મુદ્દો છે. અત્યારે મુખ્ય મુદ્દો રાજાશાહીની નાબૂદીનો છે ને આ માંગ લાંબા સમયથી થાય છે. અત્યારે માગ બુલંદ બની તેનું કારણ બ્રિટનની ખરાબ આર્થિક હાલત છે. બ્રિટનમાં ફુગાવો અત્યાર લગીના ઈતિહાસમાં ટોચ પર છે ને લોકોની હાલત ખરાબ છે. વીજળીની તંગી છે ને દાઝયા પર ડામ દેવાયો હોય એમ સરકારે લાઈટ બિલમાં સીધો ૮૦ ટકાનો વધારો ઝીંકી દીધો છે.  બ્રિટનની સરકાર લોકોને વેતરી રહી છે ત્યારે બીજી તરફ શાહી પરિવારની પાછળ કરોડો પાઉન્ડનો ધુમાડો થઈ રહ્યો છે. લોકો તકલીફમાં છે ત્યારે આ ધોળા હાથીઓને નિભાવવાનો બોજ લોકોની કેડ પર નાંખવાની શું જરૂર છે એવો સવાલ લોકો કરી રહ્યાં છે. 

આ લાગણી ને માગણી ખોટી પણ નથી કેમ કે શાહી પરિવાર પાછળ અબજો રૂપિયાનો ધુમાડો થાય છે. બ્રિટનમાં શાહી પરિવારની તમામ વ્યક્તિઓને બ્રિટનની સરકારી તિજોરીમાંથી નિભાવ માટે દર વરસે ચોક્કસ રકમ મળે છે. આ ઉપરાંત સોવરેઈન ગ્રાન્ટના રૂપમાં શાહી પરિવારના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસ સહિતની મિલકતોની જાળવણી માટે જંગી રકમ મળે છે. 

ગયા વરસે સોવરેઈન ગ્રાન્ટના રૂપમાં ક્વિનને ૧૧ કરોડ ડોલર મળેલા જ્યારે ૯ કરોડ ડોલર તેમના ખર્ચ માટે મળેલા. મતલબ કે, બ્રિટનની પ્રજા કરવેરા ભરે છે તેમાંથી સીધા ૨૦ કરોડ ડોલર તો શાહી પરિવારને આપી દેવાયા છે. આ ઉપરાંત શાહી પરિવારના અન્ય સભ્યોને પણ વરસે સરેરાશ ૨૫ લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૨૨ કરોડ રૂપિયા મળે છે. આ રીતે બીજા ત્રણ કરોડની આસપાસનો ધુમાડો થાય છે. આ સિવાય છાસવારે થતા શાહી સમારોહો તેમજ અન્ય કાર્યક્રમોનો ખર્ચ પણ સરકાર ઉઠાવે છે તેથી રૂપિયામાં ગણો તો અબજો ડોલરનો ધુમાડો શાહી પરિવારની સરભરામાં કરાય છે. બ્રિટનમાં અત્યારે લોકોની હાલત ખરાબ છે ત્યારે આ રીતે શાહી પરિવાર પાછળ નાણાં વેડફાય છે તેના કારણે લોકોમાં આક્રોશ છે. 

લોકોમાં આક્રોશનું બીજું કારણ શાહી પરિવારની લાઈફસ્ટાઈલ છે. બ્રિટનમાં લોકશાહી છે અને પ્રાઈમ મિનિસ્ટર સહિતનાં લોકો સામાન્ય લોકોની જેમ જ રહે છે ત્યારે શાહી પરિવાર હજુ પણ ભૂતકાળની જેમ જ રહે છે. ક્વિન એલિઝાબેથ પોતે રહેતાં હતાં અને હવે કિંગ ચાર્લ્સ ત્રીજા રહેશે એ બકિંગહામ પેલેસમાં ૭૭૫ રૂમ અને ૭૮ બાથરૂમ છે. પેલેસમાં એક હજાર કરતાં વધારે નોકરો છે ને તેમના પગાર સહિતનો ખર્ચ પણ સરકાર પર છે. 

શાહી પરિવાર પાસે જે બીજી મિલકતો છે એ પણ અબજોની છે. રાણીના તાજમાં ૨૯૦૦ કિંમતી હીરા સહિતના પથ્થરો છે. ભારતનો કોહિનૂર હીરો પણ તાજમાં જડાયેલો છે. તાજની કિંમત લગભગ ૩૧ હજાર કરોડ રૂપિયા છે. આ તો એક ઉદાહરણ છે પણ આવી તો બીજી હજારો કિંમતી ચીજો શાહી પરિવાર પાસે છે. આ સિવાય બીજા કિલ્લા, મહેલ વગેરે પર પણ શાહી પરિવારની માલિકી છે. આ પૈકી ઘણાંને મ્યુઝીયમમાં ફેરવી દેવાયાં છે ને તેમાંથી થતી આવકમાંથી ૨૫ ટકા શાહી પરિવારને આપી દેવાય છે. શાહી પરિવારની બીજી મિલકતો પણ છે ને તેમાંથી પણ જંગી કમાણી થાય છે. આ કમાણી પર કોઈ ટેક્સ નથી ચૂકવવો પડતો તેના કારણે પણ લોકોમાં આક્રોશ છે. 

રાજાશાહી સામે આક્રોશનું બીજું કારણ શાહી પરિવારનાં કૌભાંડો છે. ક્વિન એલિઝાબેથ સ્વચ્છ ઈમેજ ધરાવતાં હતાં પણ તેમના પછીની પેઢી સેક્સ સ્કેન્ડલ્સથી માંડીને ફાયનાન્સિયલ સ્કેમ્સ સુધીનાં કાદવથી ખરડાઈ છે. કિંગ ચાર્લ્સ તો આ બધામાં શિરમોર છે. ચાર્લ્સના પુત્ર હેરીએ એક્ટ્રેસ મેગન માર્કલ સાથેના લગ્ન પછી શાહી પરિવારને છોડી દીધો. એ પછી હમણાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે ધડાકો કર્યો કે, પેલેસમાં જ તેમના પુત્રે રંગભેદનો ભોગ બનવું પડેલું. શાહી પરિવારના આ દંભી ચહેરાના કારણે પણ લોકો ભડકેલાં છે. 

બ્રિટનનાં લોકો માને છે કે, રાજાશાહીને નાબૂદ કરીને શાહી પરિવારની તમામ સંપત્તિ સરકાર કબજે કરે અને તેમને લોકો માટે ખુલ્લાં મૂકે તો અબજો પાઉન્ડની આવક થાય. આ ઉપરાંત શાહી પરિવારની જમીનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ સહિતની બીજી સંપત્તિ વેચીને તેમાંથી જે રકમ ઉપજે એ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી જોઈએ. આ રકમ લોકોના ભલા માટે ખર્ચાવી જોઈએ, શાહી પરિવારની લેવિશ લાઈફસ્ટાઈલ અને અય્યાશીઓ માટે નહીં. સામાન્ય લોકોની આ લાગણી છે પણ સત્તામાં બેઠેલાં લોકો સામાન્ય માણસોનું સાંભળતા નથી. બ્રિટનમાં પણ રાજાશાહીના વિરોધ છતાં એવું થવાની શક્યતા વધારે છે. 

બ્રિટનમાં રાજાશાહી નાબૂદ કરવા શું કરવું પડે ?  

બ્રિટનમાં રાજાશાહી નાબૂદ કરવી બહુ અઘરી છે કેમ કે તેની બંધારણીય પ્રક્રિયા અટપટી છે. ગ્રીસ અને બલ્ગેરિયા જેવા યુરોપના દેશોમાં જનમત દ્વારા રાજાશાહીને નાબૂદ કરાઈ હતી પણ બ્રિટનમાં રાજાશાહીને નાબૂદ કરવી હોય તો સંસદમાં કાયદો પસાર કરવો પડે. બહુમતીથી આ કાયદો પસાર થાય પછી સોવરેઈન એટલે કે હેડ ઓફ ધ સ્ટેટ તેના પર સહી કરે તો રાજાશાહી નાબૂદ થાય. બ્રિટનમાં અત્યારે હેડ ઓફ ધ સ્ટેટ તરીકે કિંગ ચાર્લ્સ છે તેથી સંસદ કાયદો પસાર કરી દે તો પણ કિંગ ચાર્લ્સ સહી ના કરે તો રાજાશાહી નાબૂદ ના થાય. 

જો કે વિશ્લેષકોનું માનવું છે કે, ચાર્લ્સ કિંગ બન્યા તેથી રાજાશાહીની નાબૂદીનું કામ સરળ થયું છે. ક્વિન એલિઝાબેથ કદી પણ રાજાશાહીને નાબૂદ કરવા તૈયાર ના થયાં હોત પણ ચાર્લ્સ જુદી માટીના માણસ છે. ચાર્લ્સ શાહી પરિવારનાં બીજાં લોકોથી અલગ વિચારે છે એ જોતાં સરકાર પહેલ કરે તો ચાર્લ્સ રાજાશાહી નાબૂદ કરવા તૈયાર પણ થઈ જાય. વિશ્લેષકો તો ગ્રીસ અને બલ્ગેરિયાની જેમ જનમત દ્વારા રાજાશાહી નાબૂદ કરી શકાય છે એવું માને છે. 

લિઝ ટ્રસ પણ રાજાશાહી નાબૂદીનાં તરફદાર 

બ્રિટનમાં રાજાશાહી નાબૂદ કરવાની ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, બ્રિટનનાં નવાં પ્રાઈમ મિનિસ્ટર એલિઝાબેથ ઉર્ફે લિઝ ટ્રસ પણ રાજાશાહીની વિરૂધ્ધ છે. લિઝ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલાં છે. 

૧૯૯૪માં ઓક્સફર્ડમાં ભણતાં હતાં ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી લિબરલ ડેમોક્રેટ્સનાં પ્રમુખ હતાં. એ વખતે તેમણે બ્રિટનની રાજાશાહીને ખુલ્લો વિરોધ કરેલો.

ટ્રસે કહેલું કે, હું વ્યક્તિગત રીતે શાહી પરિવારમાંથી કોઈની વિરૂધ્ધ નથી પણ એ વિચારની વિરૂધ્ધ છે કે લોકો રાજ કરવા માટે જ પેદા થાય છે. ચોક્કસ પરિવારમાં જન્મ્યા હોવાથી દેશના વડા બને એ વિચારની વિરૂધ્ધ છું. 

યુવા લિઝનો આ પ્રવચનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.


City News

Sports

RECENT NEWS