For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાનાં પરિણામોએ ચોંકાવ્યા, બાઈડન મોટા ખેલાડી નિકળ્યા

Updated: Nov 15th, 2022

Article Content Image

- મિડ ટર્મ ચૂંટણીમાં પ્રમુખના પક્ષના પરાજ્યનો ઇતિહાસ જો બાઇડને બદલી નાંખ્યો

- આર્થિક મોરચે બાઇડની નિષ્ફળતા, ગન કલ્ચર પર પ્રતિબંધનો અભાવ જેવા સરકાર વિરોધી પરિબળો વચ્ચે અત્યારે અમેરિકામાં જે સ્થિતી છે એ જોતાં કોઈને બાઈડનની પાર્ટીની જીતની આશા નહોતી. બલ્કે બાઈડનની પાર્ટીના સફાયાની અપેક્ષા હતી. સંભવિત સફાયાને રોકીને બાઈડન અકલ્પનિય રીતે બહુ મોટા નેતા સાબિત થયા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન એટલે કે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ ગઈ. આ ચૂંટણીનાં પરિણામોએ સૌને ચોંકાવી દીધાં છે. આશ્ચર્યજનક રીતે પ્રેસિડેન્ટ જો બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકાની સંસદના ઉપલા ગૃહ મનાતા સેનેટમાં બહુમતી જાળવી છે જ્યારે નીચલા ગૃહ મનાતા હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં બહુ પાતળી બહુમતીથી બાઈડનના વિરોધી ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રીપબ્લિકન પાર્ટીને બહુમતી મળશે એવું લાગી રહ્યું છે. 

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ૪૩૫ બેઠકોમાંથી ૪૧૫ બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે. તેમાંથી ડેમોક્રેટિક પાર્ટીને ૨૦૩ જ્યારે રીપબ્લિકન પાર્ટીને ૨૧૨ બેઠકો મળી છે. સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ડેમોક્રેટિક પાર્ટીને ૫૦ બેઠકો મળી જતાં તેની બહુમતી થઈ ગઈ છે. હજુ બે બેઠકોનાં પરિણામ બાકી છે પણ એ બંને બેઠકો બાઈડનની પાર્ટી હારી જાય તો પણ સેનેટ પર તેનો અંકુશ હશે. સેનેટનાં સ્પીકર તરીકે વાઈસ ચેરમેન કમલા હેરિસ હોવાથી ટાઈની સ્થિતીમાં હેરિસ બાઈડનની તરફેણમાં મત આપી શકશે.

આ મિડ ટર્મ ઈલેક્શન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ ૪૩૫ બેઠકો, સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ત્રીજા ભાગની એટલે કે ૩૫ સીટો અને ૩૬ રાજ્યોના ગવર્નર ચૂંટવા યોજાયેલું.  અમેરિકામાં સંસદને કોંગ્રેસ કહે છે. ભારતની સંસદમાં લોકસભા અને રાજ્યસભા છે એ રીતે અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ એમ બે ગૃહ છે.

આ પૈકી હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સ  લોકસભાની જેમ નીચલું ગૃહ છે જ્યારે સેનેટ રાજ્યસભાની જેમ ઉપલું ગૃહ કહેવાય છે. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સના સભ્યને કોંગ્રેસમેન કહે છે સેનેટના સભ્યને સેનેટર કહે છે. બંનેને અમેરિકાના નાગરિકો સીધું મતદાન કરીને ચૂંટે છે. સેનેટમાં બહુમતી માટે ૫૧ સભ્યો જોઈએ જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમતી મેળવવા માટે ૨૧૮ બેઠકો પર જીત મેળવવી પડે. સેનેટમાં બાઈડનની પાર્ટીને બહુમતી મળી ગઈ છે જ્યારે હાઉસમાં રીપબ્લિકન પાર્ટીને બહુમતી મળવાની શક્યતા છે. આ પરિણામોએ અમેરિકનો જ નહીં પણ આખી દુનિયાને ચોંકાવી દીધી છે કેમ કે મિડ ટર્મ ઈલેક્શનમાં પ્રેસિડેન્ટની પાર્ટીને પછડાટ મળે એવો અત્યાર સુધીનો રેકોર્ડ છે. બાઈડને એ ઈતિહાસને બદલી નાંખ્યો છે. અત્યારે અમેરિકામાં જે સ્થિતી છે એ જોતાં કોઈને બાઈડનની પાર્ટીની જીતની આશા નહોતી. અમેરિકામાં એવી હવા ઉભી કરાયેલી કે મોંઘવારીને નાથવામાં ઘોર નિષ્ફળતાના કારણે પ્રેસિડેન્ટ જો બાઈડનની લોકપ્રિયતા ઘટી રહી છે તેથી મિડ ટર્મ ઈલેક્શનમાં બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીની કારમી હાર થશે.  

અમેરિકામાં અત્યારે મોંઘવારી ૪૦ વર્ષની ટોચે છે અને ફુગાવો ૭-૮ ટકાની આસપાસ છે. આ કારણે લોકો ખફા છે તેથી બાઈડનની પાર્ટી હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટિવ્સમાં ૨૦૦ના આંકડાને પણ પાર નહી કરી શકે.

કેટલાક સર્વેમાં દાવો કરાયેલો કે, અમેરિકામાં લગભગ ૬૦ ટકા લોકો આર્થિક મોરચે બાઇડનને નિષ્ફળ માને છે તેથી તેની વિરૂધ્ધ મતદાન કરશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે મહિલાઓને ૫૦ વર્ષ પહેલાં મળેલા એબોર્શનના કાયદાને નાબૂદ કરી દીધેલો. તેની સામે બાઈડન સરકારે કંઈ ના કરતાં યુવાનો નારાજ છે. અમેરિકામાં  ગોળીબારની ઘટનાઓ ખૂબ વધી ગઇ છે પણ બાઈડન ગન કલ્ચર પર પ્રતિબંધ મૂકવા તૈયાર નથી તેથી નારાજગી હોવાની પણ ચર્ચા હતી.

જો બાઈડન બે વર્ષ પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પને પછાડીને પ્રેસિડેન્ટ બન્યા હતા. આ આગાહીઓ પરથી એવું લાગવા માંડેલું કે, બાઈડનનો જાદુ બે વરસમાં જ ઓસરી ગયો છે. બે વરસમાં અમેરિકનોને બાઈડન અળખામણા લાગવા માંડયા છે. આ માન્યતા ખોટી પડી છે. અત્યાર સુધીનાં પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીની સાત જ બેઠકો ઘટી છે એ જોતાં તેને બહુ નુકસાન થયું નથી. આ પરિણામોના કારણે બાઈડન અકલ્પનિય રીતે બહુ મોટા નેતા સાબિત થયા છે. 

આ પરિણામોથી બાઈડનને મોટી રાહત થઈ છે. અમેરિકાની સંસદના બંને ગૃહોમાં વિરોધ પક્ષ રીપબ્લિકન પાર્ટીની બહુમતી હોય તો બાઈડનના હાથ બંધાઈ ગયા હોત. બાઈડન કંઈ પણ કરે તેના પર સંસદના બંને ગૃહ બ્રેક મારી શકે. બાઈડન ક્લાઇમેટ ચેન્જ, હેલ્થ કેર પ્રોગ્રામને આગળ ધપાવવા માગે છે પણ રીપબ્લિકન પાર્ટી તેની વિરૂધ્ધ છે. હવે બાઈડન પોતાનો એજન્ડા અમલમાં મૂકી શકશે ને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પણ તેમનો જજ નિમિ શકશે.

બાઈડને ગર્ભપાતનો અધિકાર ચાલુ રાખવાનું વચન આપેલું. આ ઉપરાંત  ગન કલ્ચર સામે સખત કાયદો લાવવાનું પણ વચન આપેલું.  આ બંને વચનો હવે બાઈડન પૂરા કરી શકશે તેથી તેમની લોકપ્રિયતા વધશે ને ફરી પ્રેસિડેન્ટ બનવાની શક્યતા વધી છે. અમેરિકામાં ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ટ્રમ્પના સમર્થકોએ સંસદમાં ઘૂસીને હિંસા કરી હતી. બાઈડને યુએસ કેપિટોલ હિંસાની તપાસનો આદેશ આપ્યો છે. રીપબ્લિકન પાર્ટી જીતી હોત તો તેની પાસે તપાસ અંગે નિર્ણય લેવાના અધિકાર આવી ગયા હોત તેથી તપાસનો અંત લાવી દીધો હોત. હવે તપાસ ચાલુ રહશે તેથી બાઈડન પાસે વિરોધ પક્ષ સામે અસરકારક હથિયાર છે.

આ પરિણામોના કારણે ડોનાલ્ડ ટ્રમ્પની ફરી અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની આશા ધૂંધળી બનતી લાગી રહી છે. પ્રેસિડેન્ટની ચૂંટણીમાં થયેલી હારને સ્વીકારવા ટ્રમ્પ તૈયાર નહોતા. તેમણે બહુ નાટકો કરેલાં પણ પછી કમને હાર સ્વીકારવી પડી હતી. એ પછી ટ્રમ્પ ફરી પ્રેસિડેન્ટ બનવા મચી પડયા છે. ટ્રમ્પે જોરદાર હવા જમાવી દીધી છે તેથી એવું લાગતું હતું કે ટ્રમ્પ કમબેક કરશે પણ આ પરિણામો પછી ટ્રમ્પનો કમબેકનો રસ્તો અઘરો બન્યો છે. 

અમેરિકામાં ૨૦૨૪માં પ્રેસિડેન્ટની ચૂંટણી થવાની છે. મિડ ટર્મ ઇલેક્શનનાં પરિણામના આધારે બે વર્ષ પછી થતી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં કોણ જીતશે તેનો સંકેત મળતો હોય છે. રીપબ્લિકન પાર્ટીએ બાઈડનની પાર્ટીનો સફાયો કરી નાંખ્યો હોત તો ટ્રમ્પની જીતવાની શક્યતા વધી ગઈ હોત. 

બાઈડન કામના નથી એવી હવા જામી ગઈ હોત પણ ટ્રમ્પ એ હવા જમાવી શક્યા નથી તેથી તેમના માટે હવે પછીની રાહ મુશ્કેલ છે. 

અમેરિકામાં પહેલી વાર એક સાથે 12 મહિલા ગવર્નર

અમેરિકામાં કોંગ્રેસના બંને ગૃહોની સાથે રાજ્યો (સ્ટેટ)ના ગવર્નર્સની પણ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ૧૨ મહિલા જીતતાં નવો રેકોર્ડ સર્જાયો છે. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વાર એક સાથે ૧૨ મહિલા ગવર્નર જોવા મળશે. હાલમાં અમેરિકાનાં નવ સ્ટેટમાં મહિલા ગવર્નર છે. આ પૈકી ૮ મહિલા ગવર્નર ફરી ચૂંટણીમાં ઉભી રહેલી ને આઠેય મહિલા જીતી જતાં ફરી ગવર્નર બનશે. 

અમેરિકામાં કુલ ૫૦ સ્ટેટ છે એ જોતાં ૨૪ ટકા સ્ટેટમાં મહિલા ગવર્નર હશે. અલબત્ત એ પછી પણ હજુય અમેરિકામાં ૧૮ સ્ટેટ એવાં છે કે જ્યાં હજુ સુધી કોઈ મહિલા ગવર્નર નથી બની. અમેરિકામાં સ્ટેટમાં ગવર્નરનો હોદ્દો તંત્રમાં સર્વોપરિ છે. આ હોદ્દો ભારતમાં રાજ્યના મુખ્યમંત્રીની સમકક્ષ મનાય છે અને સ્ટેટનો વહીવટ ગવર્નર  જ ચલાવે છે. 

અમેરિકા મુક્ત અને સમાન તક આપનારો સમાજ ગણાય છે પણ રાજકારણ પુરૂષ પ્રધાન જ છે. અમેરિકાના પ્રમુખપદે હજુ સુધી કોઈ મહિલા નથી આવી અને કમલા હેરિસ પહેલાં વાઈસ પ્રેસિડેન્ટ છે તેના પરથી જ અમેરિકાના રાજકારણમાં મહિલાઓની સ્થિતી શું છે તેનો અંદાજ આવી જાય.

અમેરિકાની ચૂંટણીનો ખર્ચ 1.35 લાખ કરોડ રૂપિયા

અમેરિકાની ચૂંટણીનો કુલ ખર્ચ ૧૬.૭૦ અબજ ડોલર થયો હોવાનું કહેવાય છે. હાલના ભાવે આ રકમને ભારતીય રૂપિયામાં ફેરવો તો લગભગ ૧.૩૫ લાખ કરોડ રૂપિયા થાય. ભારતમાં લોકસભા ચૂંટણી પાછળ ૨૦૧૯માં ૫૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેની સરખામણીમાં અમેરિકામાં ચૂંટણી પાછળ થતો ખર્ચ બહુ વધારે કહેવાય.

ભારતમાં અમેરિકા કરતાં ચાર ગણા મતદારો છે છતાં અમેરિકામાં ખર્ચ વધારે છે એ માટે બે કારણ અપાય છે. પહેલું કારણ એ કે, અમેરિકામાં કોંગ્રેસના બંને ગૃહોની સાથે સ્ટેટના ગવર્નર્સ અને એસેમ્બલીની પણ ચૂંટણી થાય છે. ભારતમાં પણ રાજ્યોની ચૂંટણીનો ખર્ચ ઉમેરો તો અમેરિકાની ચૂંટણી જેટલો જ ખર્ચ થઈ જાય. 

બીજું કારણ એ કે, ભારતમાં કાળાં નાણાંનો પ્રભાવ વધારે છે. ચૂંટણીમાં નાણાંની રેલમછેલ હોય છે. તેમાંથી મોટા ભાગનાં નાણાં બ્લેકનાં હોવાથી તેનો કોઈ હિસાબ જ નથી હોતો. આ ખર્ચને ગણતરીમાં લેવાય તો ભારતમાં અમેરિકાથી વધારે ખર્ચ થઈ જાય.

Gujarat