Get The App

પુતિન અંગે ટ્રમ્પના સૂર બદલાયા પણ લડાઈ અટકવાની આશા નહીંવત

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
પુતિન અંગે ટ્રમ્પના સૂર બદલાયા પણ લડાઈ અટકવાની આશા નહીંવત 1 - image


- યુક્રેન ઉપર રશિયાના હુમલા બંધ થવાના બદલે વધારે ઉગ્ર થઇ રહ્યા છે

- પોતાના દેશને ફરી મહાન બનાવવા માટે દુનિયાને ડરાવી રહેલા આ બે રાષ્ટ્રપ્રમુખની લડાઈ છે. ટેરિફ અને ધમકીઓ થકી ટ્રમ્પ દુનિયાને રોજ નચાવી રહ્યા છે. બીજી તરફ, દરેક ધમકી, પ્રતિબંધ અને આર્થિક ખુવારી વચ્ચે પુતિન પણ દુનિયા સામે લડી રહ્યા છે. બન્ને જીતી પણ રહ્યા છે. દુનિયાની દરેક શક્તિ અને પ્રતિબંધ અવગણી યુક્રેનની વધુને વધુ જમીન ઉપર રશિયા કબજો કરી રહ્યું છે. યુદ્ધ શરુ થયા પછી અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા ઉપર 21,692 આર્થિક, લશ્કરી પ્રતિબંધ જાહેર કર્યા પછી પણ પુતિનના નેતૃત્ત્વમાં દેશ પડી ભાંગ્યો નથી. બીજી બાજુ, યુરોપ અને અમેરિકા પોતાના અબજો ડોલરના શસ્ત્રો વેચી યુક્રેનને યુદ્ધમાં સતત પ્રવૃત્ત રાખે છે અને ક્યારેક રશિયાને નુકસાન પણ કરે છે. ટ્રમ્પ માટે પુતિન મિત્ર છે અને યુક્રેન ગ્રાહક. શસ્ત્રો ઉપરાંત યુક્રેનના મિનરલ્સ ઉપર પણ અમેરિકાને કબજો મળ્યો છે. આ સ્થિતિમાં ટ્રમ્પના પુતિન અંગેના નિવેદન ભળે બદલાય, યુદ્ધ તો આર્થિક લાભ ખાટવા ચાલુ જ રહેશે.

હું સત્તા ઉપર હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે ક્યારેય યુદ્ધ ન થયું હોત, ફરીથી રાષ્ટ્રપતિ બનીશ એટલે ૨૪ કલાકમાં યુદ્ધનો અંત આણીશ, એવી વાત કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ હવે અચાનક જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આકરી ટીકા કરી રહ્યા છે. એટલું જ નહીં નેટો થકી રશિયાના મિસાઈલ હુમલા ખાળવા યુક્રેનને પેટ્રીયેટ મિસાઈલ સિસ્ટમ પણ આપવાના છે. ૨૪ કલાકના બદલે ચાર મહિનાના શાસન પછી ટ્રમ્પ પુતિનને યુદ્ધ રોકવા, શસ્ત્રવિરામ માટે પણ મનાવી શક્યા નથી. ઉલટું, દરેક વખતે શાંતિની વાતો વચ્ચે ક્રેમલિનના ડ્રોન યુક્રેન ઉપર વધુને વધુ આક્રમક કહેર વરસાવી રહ્યા છે. સ્થિતિ સુધરવાના બદલે બગડી છે અને વધુ વણસે એવા જોખમો ઉભા થયા છે. 

ટ્રમ્પની તરફેણમાં એક વાત ચોક્કસ છે. તેમણે જાતે બધા પ્રયત્ન કર્યા છે. પુતિનના સૌથી વધારે વખાણ કર્યા છે. પુતિન માટે યુક્રેનને અમેરિકાની શરતે યુદ્ધ રોકવા માટે જાહેરમાં ઓવલ ઓફીસમાં ધુત્કારી કાઢી મૂક્યા હતા. પુતિન સ્માર્ટ છે, શક્તિશાળી છે એવું સતત કહ્યા પછી. બે - ચાર ટેલીફોનિક ચર્ચા, ૩૦ દિવસના શસ્ત્ર વિરામની જાહેરાત (જેનો ક્યારેય અમલ ન થયો). ૨૦૨૨માં યુદ્ધ શરૂ થયા પછી યુક્રેન અને રશિયા આમને-સામને સીધી મંત્રણા માટે તુર્કીયેમાં બેઠક... અથાગ પ્રયત્ન પછી પણ પુતિન માનતા નથી. ટ્રમ્પના બીજા શાસનકાળમાં ટેરિફ અને આડંબર દરેક મિત્રો અને દુશ્મનો સાથે સમાન રહ્યા છે. અમેરિકાને ફરી મહાન બનાવવા અને વિશ્વના સૌથી શક્તિશાળી - લશ્કરી, રાજદ્વારી અને આર્થિક રીતે - બનાવવા માટે રોજ એક નિવેદન કરી દુનિયાને ધમકીઓ આપતા આવ્યા છે. આવી ધમકીની અસર યુક્રેન ઉપર થઇ, યુક્રેને પોતાના મિનરલ્સ માટે તરત જ તૈયારી દાખવી સંધિ કરી પણ પુતિન ટસના મસ થતા નથી!

સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોવાથી ટ્રમ્પે પોતાની ચાલ બદલી છે. અત્યારસુધી યુદ્ધનો ભોગ બનેલા યુક્રેનને દોષિત ઠેરવ્યા બાદ હવે ટ્રમ્પ આક્રમણખોર રશિયાની વિરુદ્ધ બોલતા થયા છે. દુનિયાને ચિંતા પેઠી છે કે શું અમેરિકા આ યુદ્ધમાં યુક્રેનને મદદ કર્યા બાદ હવે સીધા જોડાશે? રશિયા અને અમેરિકા દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવતા શક્તિશાળી દેશ છે. ઈઝરાયેલે ઈરાન ઉપર હુમલો કર્યો અને પછી અમેરિકન યુદ્ધ વિમાનોએ ઈરાનની અણુશક્તિ નાથવા માટે બોમ્બવર્ષા કરી ત્યારે દુનિયા હચમચી ગયેલી. જો અમેરિકા અને રશિયા સીધા ઘર્ષણમાં આવે તો?

પશ્ચિમના દેશોની વિચારધારા છે કે પુતિન મોટી ભૂલ કરી રહ્યા છે. યુક્રેન સાથે અમેરિકાના ટેકાથી મળેલી શાંતિ એમણે ઠુકરાવી છે. યુક્રેન ઉપર હુમલા બાદ પચાવી પાડેલા ક્ષેત્રો ઉપર કબજો મળ્યો હોત અને સંભવ છે કે બાયડેન વહીવટી તંત્રએ યુદ્ધ પછી જાહેર કરેલા પ્રતિબંધ, ટાંચમાં લીધેલી મિલકતો પણ છૂટી થઇ હોત. સૌથી મહત્વનું કે યુક્રેન નેટોનો સભ્ય પણ ન બન્યું હોત. પરંતુ, પુતિનની વાત અલગ છે, તેમના ઉદ્દેશ પણ અલગ છે. અમેરિકા અને પશ્ચિમી રાષ્ટ્રોએ ૨૦૧૪માં પણ આવી ભૂલ કરેલી. એ સમયે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી ક્રીમિયા પચાવી પાડયું હતું અને આજે પણ તેના કબજામાં છે. 

તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે રશિયાએ દુનિયાના દરેક દેશોની મંત્રણા, શાંતિ રાખવા અને યુદ્ધની વિનંતી ઠુકરાવી યુક્રેન ઉપર યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધ પછી પુતિને ટેલિવિઝન ઉપર આખી દુનિયા સામે રશિયાના ઉદ્દેશ સ્પષ્ટ કરેલા. એક, બર્લિનની દીવાલ પડી (પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થયા) ત્યારથી રશિયાને પશ્ચિમના દેશોના વિચ્છેદ થઇ ગયેલા સોવિયેત યુનિયનના રાષ્ટ્રોમાં હસ્તક્ષેપ સામે વાંધો છે, પુતિન માટે યુદ્ધનું આ પાયાનું કારણ છે.  યુક્રેનમાં સામ્યવાદીના બદલે લોકશાહીથી ચાલતી સરકાર સામે તેને વાંધો છે. રશિયા એવું માને છે કે નેટોની મદદથી અમેરિકા અને યુરોપના મિત્રો સોવિયેતના પૂર્વ દેશો અને રોમાનિયા, પોલેન્ડ જેવા દેશોમાં લશ્કરી થાણા સ્થાપી રહ્યા છે. નવા પ્રકારનું શીતયુદ્ધ, આ લશ્કરી વિસ્તરણ રશિયાને નાથવા માટે થઇ રહ્યું છે. આ સ્થિતિ કેજીબીના લેફ્ટનન્ટ કર્નલ રહી ચૂકેલા વ્લાદિમીર પુતિનને અકળાવે છે.  

યુક્રેન ઉપર ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુરોપ અને અમેરિકાએ અબજો ડોલરની નાણાકીય સહાય અને કરોડો ડોલરના શસ્ત્રો આપ્યા પછી પણ યુક્રેન બાથ ભીડવામાં નિષ્ફળ થયું છે. ઉત્તર કોરિયા અને ચીનની લશ્કરી મદદ અને આર્થિક રીતે પાયમાલ નહીં થયા વગર રશિયા વધુને વધુ આક્રમક રીતે લડી રહ્યું છે. યુક્રેનમાં હવે લશ્કરી જ નહીં પણ નાગરીકોના મોત પણ થઇ રહ્યા છે. ૨૦૧૪માં ઓબામા, પછી બાયડેનની જેમ ટ્રમ્પ પણ રશિયા અને પુતિનના દિમાગમાં ચાલી રહેલી ચાલ પારખવામાં નિષ્ફળ ગયા છે. એ ક્યારે શું કરી શકે, શું વિચારે છે કઈ શરતોને આધીન શાંતિ માટે તૈયાર થશે એ અંગે કોઈ જાણતું નથી. સૌથી મહત્વનું છે કે જેમ ટ્રમ્પ ડરાવે છે એમ પુતિન પણ 'પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થઇ શકે' એવી એક કરતા વધારે વાર ચેતવણી આપી દુનિયાને ડરાવતા રહ્યા છે! 

જોકે, દુનિયાએ ડરવાની જરૂર નથી. અમેરિકા અને રશિયા વચ્ચે સીધા ઘર્ષણની સંભાવના નહિવત છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીયો અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ વચ્ચે ગુરુવાર અને શુક્રવારે એમ બે દિવસ મલેશિયામાં ચર્ચા થઇ હતી. બન્ને દેશ હજી પણ ચર્ચા માટે તૈયાર છે. ટ્રમ્પ ભલે નિરાશ હોય પણ રશિયા નવા દ્રષ્ટિકોણથી ચર્ચામાં ભાગ લઇ રહ્યું છે. અમેરિકા પણ વાતચીત માટે ઉત્સુક છે. આ લડાઈમાં અમેરિકા પણ જીતી રહ્યું છે અને રશિયા પણ! ટ્રમ્પના નિવેદનો ભલે બદલાયા હોય પણ જમીન ઉપરની વાસ્તવિકતામાં ફરક પડવાનો નથી. નબળા ઘોડા યુક્રેનને લશ્કરી અને આર્થિક મદદ કરી અમેરિકા અને સાથીઓ શસ્ત્રો વેચી રહ્યા છે. શસ્ત્રો નહીં મળે તો યુક્રેન ટકી શકે નહીં એમ જણાવી દબડાવી રહ્યા છે. ઝેલેન્સકીને બેઈજ્જત કરી અમેરિકાએ તેના મિનરલ્સ ઉપર કબજો મેળવી લીધો છે. એક તબક્કે શસ્ત્રો અને સહાય બંધ કર્યા પછી અમેરિકાની કેડે બોજ આવે નહીં એમ ટ્રમ્પ નેટોના ખર્ચે યુક્રેનને મિસાઈલ વેચવા સોદો કરી રહ્યા છે. 

યુક્રેન અંગે ટ્રમ્પ શું નવો વ્યૂહ કે રણનીતિ અપનાવે છે તે જોવાનું રહ્યું.  રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને કેટલી મદદ કરવા અમેરિકા તૈયાર છે. પુતિન યુક્રેન ઉપર બોમ્બવર્ષા કરી સૈનિક અને નાગરીકોનો કચ્ચરઘાણ વાળી રહ્યા છે ત્યારે યુક્રેનની ભૌગોલિક સ્થિતિ કે આર્થિક સંપત્તિ સાથે મોસ્કો - વોશિંગ્ટન વચ્ચેના સંભવિત સંબંધો અંગે વિચાર કરવાનો છે. એપ્રિલ મહિનામાં ટ્રમ્પ માનતા હતા કે આ યુદ્ધ રશિયા અને અમેરિકાના સંબંધો વચ્ચે એક અડચણ છે. હવે, ટ્રમ્પે નક્કી કરવાનું છે કે પુતિનની યુક્રેન ઉપરની વર્તમાન અને સંભાવિત આવનારા દિવસોની લડાઈ અવગણી બન્ને દેશ વચ્ચે સારા સંબંધો સ્થાપિત થઇ શકે કે કેમ?

અમેરિકા પાસે એકમાત્ર હથિયાર રશિયા ઉપર પ્રતિબંધ!

રશિયા કોઈનું માનતું નથી એટલે અમેરિકાએ જગત જમાદાર તરીકે પગલાં તો લેવા જ પડે. આ પગલાં માટે એક જ હથિયાર બચેલું છે એ છે વધારે ને વધારે પ્રતિબંધ. ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન ઉપર યુદ્ધ શરૂ કર્યા પછી અમેરિકા, યુરોપ અને અન્ય દેશોએ કુલ ૨૧,૬૯૨ પ્રતિબંધ મુકેલા છે. આવા પ્રતિબંધ રશિયન નાગરીકો, કંપનીઓ, મીડિયા સંસ્થા, લશ્કર, ઉર્જા, પરિવહન, બેન્કિંગ, ટેલીકોમ, શીપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં અમલમાં છે. રશિયન અર્થતંત્ર મંદ પડયું છે પણ ભાંગી નથી ગયું.

 ચીન અને ભારત રશિયા પાસેથી જંગી માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદે છે. યુરોપ સીધું ક્રૂડ ઓઈલ નથી ખરીદતું પણ દુનિયામાં અન્યત્ર રિફાઈન્ડ થયેલા પેટ્રોલ અને ડિઝલ ખરીદે છે. એટલું જ નહીં, યુરોપે રશિયા પાસેથી પ્રતિબંધ વચ્ચે પણ ૭૦ કરોડનું યુરેનિયમ ખરીદ્યું છે. વૈશ્વિક રીતે દુનિયા એક છે એટલે ચીજો પોતાની રીતે બજારમાં માર્ગ શોધી લે છે. 

ટ્રમ્પ પાસે પગલાં લીધાનો ડહોળ કરવા માટે પ્રતિબંધ મુકવા સિવાય કોઈ વિકલ્પ નથી. એટલે જ બ્રિકસ દેશોને ધમકી આપી - નામ લીધા વગર - તેના ઉપર ટેરિફ લાદવાની વાત કરી રહ્યા છે.

Tags :