અમેરિકામાં ફ્લાઈટ્સ ઠપ, રશિયા-ચીનનો સાયબર એટેક ?

Updated: Jan 13th, 2023


- અમેરિકાએ સત્તાવાર રીતે કોમ્પ્યુટર સિસ્ટમમાં વિક્ષેપ આવતાં કામ કરતી બંધ થઈ ગઈ એવું કારણ આપ્યું છે પણ આ કારણ ગળે ઉતરે એવું નથી.  કોર્પોરેટ કંપનીઓ પણ કોમ્પ્યુટર સિસ્ટમમાં ગરબડ થાય કે તરત મિનિટોમાં બીજી સિસ્ટમ કામ કરતી થઈ જાય એવી વ્યવસ્થા રાખે છે. અમેરિકા જેવા દેશ પાસે એ વ્યવસ્થા ના હોય એ વાત જ કોઈ ના માને તેથી આશંકા છે કે, અમેરિકા કશુંક છૂપાવી રહ્યું છે.

અમેરિકામાં નોટિસ ટુ એર મિશન્સ (નોટમ) સિસ્ટમ  ખોરવાઈ જતાં હજારો ફ્લાઈટ્સ ઠપ્પ થઈ ગઈ એ ઘટનાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. અમેરિકા જેવા અત્યંત વિકસિત દેશમાં આવું થઈ શકે તો આપણે ક્યા ખેતના મૂળા એવો વિચાર સૌને આવી રહ્યો છે.

નોટમ સોફ્ટવેર દ્વારા વિમાન ઉડાવી રહેલા પાયલોટ્સ સહિતના એર ક્રુને તેમના પ્લેન સામેના ભાવિ ખતરા, લેન્ડ કરવાનું હોય એ એરપોર્ટ પર ઉપલબ્ધ રન-વે સહિતની તમામ માહિતી અપાતી હોય છે. નોટમ બંધ થઈ જતાં ફ્લાઇટ ક્રુને અમેરિકન એર સ્પેસમાં સલામતી અંગેની સૂચનાઓ પહોંચતી બંધ થઈ ગઈ. તેના કારણે આકાશમાં જ અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ જવાનો ખતરો ઉભો થતાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ શાણપણ વાપરીને સેંકડો ફ્લાઈટ્સને જમીન પર લાવી દેવાઈ.  અમેરિકામાં દિવસની લગભગ ૨૧ હજાર જેટલી ફ્લાઈટ્સ ઉડે છે. તેમાંથી ૩૭૦૦ ફ્લાઇટ્સને અસર થઈ.  ૧૨૦૦ જેટલી ફ્લાઈટ્સને મોડી ઉડાડવી પડી જ્યારે ૬૦૦ ફ્લાઇટ્સ તો રદ કરી દેવી પડી. ફ્લાઈટ્સ રદ થતાં હજારો મુસાફરો રઝળી પડયા જ્યારે મોડી પડેલી ફ્લાઈટ્સના હજારો પેસેન્જર્સે એરપોર્ટ્સ પર કલાકોના કલાકો સુધી રાહ જોવી પડી.

બુધવારનો આખો દિવસ અમેરિકામાં વિમાની સેવામાં અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ રહ્યો. અમેરિકામાં ફ્લાઈટ્સ જ એક સ્થળેથી બીજે જવા માટેની સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હોવાથી લોકોની હાલત બગડી ગઈ. ભારત-અમેરિકા એર ટ્રાફિકને અસર નથી થઈ પણ બીજી ઘણી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પણ અસર થઈ છે.

એફએએએ કલાકોની મહેનત પછી એર મિશન સિસ્ટમને ફરી કામ કરતી કરતાં બુધવારથી જ કેટલીક ફ્લાઈટ્સ શરૂ થઈ શકી પણ હજુ એર ટ્રાફિક પૂર્વવત થયો નથી. મોટા ભાગની એરલાઇન્સ પણ સિસ્ટમમાં થયેલી ગરબડથી ફફડી ગઈ છે તેથી સાવચેતી વર્તીને હમણાં ફ્લાઈટ્સ રદ કરવાનું વલણ અપનાવીને બેઠી છે. તેના કારણે અમેરિકાની ફ્લાઈટ સિસ્ટમ ક્યારે પહેલાંની જેમ ધમધમતી થઈ જશે એ નક્કી નથી. 

અમેરિકામાં આટલી મોટી ઘટના બની પણ તેને લગતી બહુ વિગતો બહાર નથી આવી. અમેરિકાએ સત્તાવાર રીતે કોમ્પ્યુટર સિસ્ટમમાં વિક્ષેપ આવતાં કામ કરતી બંધ થઈ ગઈ એવું કારણ આપ્યું છે પણ આ કારણ ગળે ઉતરે એવું નથી.  કોર્પોરેટ કંપનીઓ પણ કોમ્પ્યુટર સિસ્ટમમાં અચાનક ગરબડ થાય કે તરત મિનિટોમાં બીજી સિસ્ટમ કામ કરતી થઈ જાય એવી વ્યવસ્થા રાખે છે. 

અમેરિકા જેવા દેશ પાસે એ વ્યવસ્થા ના હોય એ વાત જ કોઈ ના માને. તેના કારણે એવી આશંકા છે કે, અમેરિકા કશુંક છૂપાવી રહ્યું છે. અમેરિકાએ તો તેની ફ્લાઈટસ કેમ ઠપ્પ થઈ ગઈ એ માટે વિસ્તૃત વિગતો આપવાની તસદી સુધ્ધાં લીધી નથી પણ એવું લાગી રહ્યું છે કે, સાયબર એટેકના કારણે અમેરિકાની વિમાની સેવા ઠપ્પ થઈ ગઈ હતી. 

સાયબર એટેકની શક્યતા એ કારણે પણ છે કે, અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી એટલે કે પરિવહન મંત્રી પીટ બટિગીએગને દોડાવ્યા. બાઈડને તપાસના આદેશ પણ આપ્યા છે ને  સાયબર એટેકની સંભાવનાનો પણ ઈન્કાર ના કર્યો. 

અમેરિકાના બહુ દુશ્મનો છે પણ આ સાયબર એટેક ચીન કે રશિયાએ કરાવ્યો હોવાની પ્રબળ શક્યતા છે. રશિયા અને ચીને સાથે મળીને કરાવ્યો હોય એવું પણ બને. રશિયા કે ચીન પર શંકા જવાનું કારણ એ છે કે, અમેરિકાને ટેકનોલોજીમાં પછાડવાની તાકાત તેના દુશ્મન દેશોમાંથી આ બે દેશો પાસે જ છે.  ઉત્તર કોરીયા, વેનેઝુએલા, ક્યુબા વગેરે અમેરિકાના દુશ્મન દેશોની સંખ્યા ઓછી નથી. આઈએસથી માંડીને અલ કાયદા સુધીનાં સંગઠનો પણ અમેરિકાનાં દુશ્મન છે પણ અમેરિકાની સિસ્ટમમાં ઘૂસીને તેને ઠપ્પ કરી નાંખવાની તાકાત ચીન અને રશિયા સિવાયના બીજા દેશો કે સંગઠનો પાસે નથી. અમેરિકા ટેકનોલોજીનો દાદો દેશ છે તેથી પોતાની સિસ્ટમ ફૂલપ્રૂફ બનાવે જ. તેમાં ઘૂસ મારવી એ અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવું છે ને એ બીજા કતોઈનું ગજું નથી તેથી રશિયા અને ચીન પર જ શંકા જાય છે.  અમેરિકા પોતાના પર સાયબર એટેક થયાનું કબૂલે તો તેની આબરૂનો ફજેતો થઈ જાય. અમેરિકા આખી દુનિયા પર રોફ જમાવે છે, દાદાગીરી કરે છે તેની ધાક ઓછી થઈ જાય તેથી અમેરિકાને જાહેરમાં સ્વીકાર કરતાં શરમ આવે જ. આ કારણે અમેરિકા સાયબર એટેકની વાત દબાવી જ દે તેમાં મીનમેખ નથી. 

આ ઘટનાએ દુનિયા પર કેટલો મોટો ખતરો છે એ સ્પષ્ટ કર્યું છે. આ રીતે અચાનક વિમાની સેવાની કોમ્યુનિકેશન સિસ્ટમ ઠપ્પ થઈ જાય તો શું થાય તેની કલ્પના જ થથરાવી નાંખનારી છે. કોમ્પ્યુટરમાં વિક્ષેપના કારણે જે સેવા ખોરવાઈ એ નોટમ દ્વારા પાયલોટ્સને ફ્લાઈટ દરમિયાન આવનારા ખતરા તથા ફ્લાઈટ લેન્ડ થાય કે ટેક ઓફ થાય ત્યારની એરપોર્ટની સ્થિતી વિશે માહિતી આપે છે. 

હજારો પ્લેન હવામાં હોય ત્યારે અચાનક આ સિસ્ટમ ખોરવાઈ જાય કે કોઈ તેને હેક કરીને ભળતી સૂચનાઓ આપવા માંડે તો કેટલાંય પ્લેન હવામાં જ ટકરાઈ જાય. તેના કારણે પ્લેનમાં બેઠેલાં લોકો તો પતી જ જાય પણ રેસિડેન્શિયલ વિસ્તાર, પાવર પ્લાન્ટ્સ વગેરે પર પડે તો બહુ મોટી હોનારત સર્જાઈ જાય. આતંકવાદી સંગઠનો સિસ્ટમ હેક કરીને કાળો કેર વર્તાવી શકે. 

આ ખતરાને જોતાં પાયલોટ્સને સૂચનાઓ આપવા માટે બીજો વિકલ્પ શોધાય એ જરૂરી છે. અમેરિકા સુરક્ષાના મામલે કોઈ જોખમ લેવામાં માનતો નથી. લોકોની સુરક્ષા પર ખતરો લાગે એવી નાનકડી ઘટના પણ બને કે તરત સાવચેતીનાં પગલાં લઈ લેવામાં માને છે તેથી અમેરિકાએ તો એ દિશામાં કામ શરૂ પણ કરી દીધું હશે પણ દુનિયાના બીજા દેશોએ પણ એ દિશામાં વિચારવું જોઈએ. 

અમેરિકામાં જે બન્યું એ કાલે દુનિયાના કોઈ પણ દેશમાં બની શકે. અમેરિકા તો ટેકનોલોજીમાં ખાં છે તેથી તેણે તો કલાકોમાં સમસ્યા ઉકેલીને વિમાનોને પાછાં ઉડતાં કરી દીધાં પણ દરેક દેશની એ તાકાત ના હોય. બીજું એ કે, અમેરિકા જેવો દેશ પણ પોતાની સિસ્ટમને ના બચાવી શકતો હોય ને તેને રીપેર કરવામાં કલાકો નિકળી જતા હોય તો ભારત સહિતના દેશોની તો હાલત જ બગડી જાય.  

ભારતમાં બે મહિના પહેલાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)નું સર્વર હેક થયું તેમાં તો અઠવાડિયા લગી આખી સિસ્ટમ ઠપ્પ થઈ ગયેલી. એર ટ્રાફિકને લગતી સિસ્ટમનું હેકિંગ થાય તો આપણી શું હાલત થાય તેની કલ્પના પણ ના કરી શકાય એ જોતાં ભવિષ્યમાં ગંભીર સ્થિતી ના સર્જાય એટલે ભારત સહિતના બીજા દેશો જાગી જાય, વૈકલ્પિક ટેકનોલોજી વસાવી લે એ તેમના જ હિતમાં છે. ચેતતા નર સદા સુખી. 

'નોટમ' તમામ ખતરા સામે પાયલોટને ચેતવતી સિસ્ટમ

નોટિસ ટુ એર મિશન્સ (નોટમ) સિસ્ટમ અમેરિકામાં ફ્લાઈટ્સ માટે સૌથી મહત્વની મનાય છે. 

આ સિસ્ટમ ફ્લાઈટ સામેના નાનામાં નાના જોખમ અંગે પણ પાયલોટ્સને સતર્ક કરી દે છે. ફ્લાઈટ્સને પક્ષી અથડાવાની ઘટનાઓ સામાન્ય છે. 

પક્ષીઓના સામાન્ય ખતરાથી માંડીને બંધ રન-વે સુધીની બધી માહિતી પાયલોટ્સ સહિતના ક્રુ મેમ્બર્સને આ સિસ્ટમ દ્વારા મળે છે.  

ક્રુ મેમ્બર્સને રીયલ ટાઈમ એલર્ટ મોકલતી નોટમ સિસ્ટમ ના હોય તો હવામાં જ બે ફ્લાઈટ ટકરાઈ જાય કે પ્લેન સામેથી અચાનક આવતા પક્ષી કે બીજા કશાને અથડાઈ જાય એવો ખતરો બહુ વધી જાય છે.

અમેરિકાના મીડિયાએ મુદ્દાની લેવા પૂરતી નોંધ લીધી

અમેરિકામાં આટલી મોટી કટોકટી સર્જાઈ પણ મીડિયામાં તેના વિશેની બહુ વિગતો નથી આવી કે પિષ્ટપિંજણ નથી કરાયું તેની નોંધ લેવાઈ છે. દેખીતી રીતે જ આ સાયબર એટેક હોવાની શક્યતા છે પણ અમેરિકાના મીડિયાએ એવો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું છે. અમેરિકાનું મીડિયા દેશ શરમજનક સ્થિતીમા મૂકાય એવા મુદ્દાઓને અડકતું જ નથી તેનો આ વધુ એક પુરાવો છે. સનસનાટી ઉભી કરીને લોકોમાં ગભરાટ ફેલાય એવું કશું કરવાના બદલે મીડિયા જવાબદારીપૂર્વક વર્ત્યું છે.

    Sports

    RECENT NEWS