For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓસ્કારની રેસમાં ભારતની 10 ફિલ્મો પણ જીતશે ખરી ?

Updated: Jan 12th, 2023

Article Content Image

- એવોર્ડની રાહ જોઈ રહેલી ફિલ્મોમાં ગંગુબાઈ કાઠીયાવાડી, કાશ્મીર ફાઈલ્સ, મિ. વસંતરાવ અને તુઝિયા સાથી કાહી, કંતારા, વિક્રમ રોણા અને છેલ્લો શો વગેરેનો સમાવેશ થાય છે

- ઓસ્કાર કન્ટેન્શન લિસ્ટમાં ભારતની 10 ફિલ્મો છે. આરઆરઆર અને છેલ્લો દિવસ ઉપરાંત સાઉથની ચાર, બે મરાઠી ભાષાની અને બે હિન્દી ભાષાની ફિલ્મો ઓસ્કારની રેસમાં છે.  ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આ યાદીમાંથી જ કોઈ એક ફિલ્મને મળતો હોય છે તેથી આ વખતે ઓસ્કારની શ્રેષ્ઠ ફિલ્મોની રેસમાં ભારતની છ ભાષાની દસ ફિલ્મો રેસમાં છે એવું કહી શકાય.

વિશ્વમાં ફિલ્મો માટેના સર્વોચ્ચ એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોસ એન્જેલસના ડોલ્બી થીયેટરમાં ૧૨ માર્ચ, ૨૦૨૩ના રોજ યોજાનારા ઓસ્કાર એવોર્ડ્સમાં કઈ મૂવી, ક્યા કલાકારો અને ક્યા ટેકનિકલ ખેરખાંઓ મેદાન મારી જાય છે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ઓસ્કાર એવોર્ડ્સ આપતી ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ (એએમપીએએસ)એ ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતવા માટે લાયક ૩૦૧ ફિલ્મોની યાદી બહાર પાડી છે. આ યાદીને ઓસ્કાર કન્ટેન્શન લિસ્ટ કહે છે. 

આ લિસ્ટમાં ભારતની ૧૦ ફિલ્મોનો સમાવેશ કરાયો છે. ૨૦૨૨ના વરસમાં છવાઈ ગયેલી એસ.રાજામૌલિની આરઆરઆર અને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ સર્જક પાન નલિનની છેલ્લો દિવસ તો આ યાદીમાં છે જ પણ એ સિવાય ભારતની બીજી છ ફિલ્મો આ યાદીમાં છે. આ છ ફિલ્મોમાંથી ચાર ફિલ્મો સાઉથની છે, બે ફિલ્મો મરાઠી ભાષાની છે અને બે ફિલ્મ હિન્દી ભાષાની છે. 

હિન્દીમાંથી સંજય લીલા ભણશાળીની ગંગુબાઈ કાઠિયાવાડી અને વિવેક અગ્નિહોત્રીની કાશ્મીર ફાઈલ્સ લિસ્ટમાં છે. મરાઠી ભાષાની મી વસંતરાવ અને તુઝયા સાથી કાહી હી લિસ્ટમાં છે. સાઉથની પાંચ ફિલ્મોમાં કન્નડ ભાષાની કંતારા અને વિક્રમ રોણા, તમિલ ભાષાની રોકેટ્રીઃ ધ નામ્બિયાર ઇફેક્ટ અને ઈરાવિન બિઝહલ પણ આ યાદીમાં છે. 

આરઆરઆર મૂળ તેલુગુ ભાષાની ફિલ્મ છે જ્યારે છેલ્લો શો ગુજરાતી ભાષાની છે.

ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આ યાદીમાંથી જ કોઈ એક ફિલ્મને મળતો હોય છે તેથી આ વખતે ઓસ્કારની શ્રેષ્ઠ ફિલ્મોની રેસમાં ભારતની છ ભાષાની દસ ફિલ્મો રેસમાં છે એવું કહી શકાય. અલબત્ત આ ફિલ્મોની જેમ્સ કેમરોનની અવતારઃ ધ વે ઓફ વોટર, ટોપ ગનઃ માર્વેરિક, વાકાનાડા ફોરએવર જેવી વખણાયેલી ફિલ્મો સાથે સ્પર્ધા છે તેથી ભારતની કોઈ ફિલ્મ બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જીતે એવી શક્યતા ઓછી છે પણ ટેકનિકલી ભારતની દસ ફિલ્મો સ્પર્ધામાં છે એવું સ્વીકારવું પડે.  ભારતની ફિલ્મોમાંથી કોઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળે એવી શક્યતા ઓસ્કાર માટે બેસ્ટ ફિલ્મની પસંદગીની જે પધ્ધતિ છે તેના કારણે પણ ઓછી છે. ઓસ્કાર એવોર્ડ્સની પસંદગી ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ (એએમપીએએસ)ના સભ્યોના મતદાનના આધારે થાય છે. એકેડમીમાં કુલ ૯૫૭૯ મતદારો છે કે જે મતદાન કરીને ફાઈનલ નોમિનેશન કરશે. 

આ મતદાન ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ ને ગુરૂવારે પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઈમ (પીએસટી) પ્રમાણે સવારે ૯ વાગ્યે શરૂ થશે ને ૧૭ જાન્યુઆરી ને મંગળવારે સાંજે ૫ વાગ્યે વોટિંગ બંધ થઈ જશે. મતલબ કે, એકેડમીના ૯૭૭૯ સભ્યો સાડા પાંચ દિવસમાં ઓસ્કારની બેસ્ટ ફિલ્મોની કેટેગરીમાં નોમિનેશન મેળવનારી પાંચ શ્રેષ્ઠ ફિલ્મો કઈ એ નક્કી કરશે. સ્વાભાવિક રીતે જ કોઈ સભ્ય સાડા પાંચ દિવસમાં ૩૦૧ મૂવી જોઈ જ ના શકે તેથી બહુ વખણાયેલી  દસેક ફિલ્મો જોઈ નાંખશે કે પછી પોતે પહેલાંથી જોયેલી હોય એ ફિલ્મોમાંથી નોમિનેટ કરશે. એકેડમીના સભ્યો માટે રાત થોડી ને વેશ ઝાઝા છે. 

એકેડમીના મોટા ભાગના સભ્યો હોલીવુડ સાથે સંકળાયેલા હોવાથી સ્વાભાવિક રીતે જ તેમના મનમાં હોલીવુડની ફિલ્મો જ રમતી હશે તેથી નોમિનેટ પણ હોલીવુડની ફિલ્મોને જ કરશે. ભારતીય ભાષાની  ફિલ્મને નોમિનેટ કરવાની વાત તો છોડો પણ જોવાની તસદી પણ મોટા ભાગના સભ્યો નહીં લે. ભારતીય ભાષાની ફિલ્મોની વાત છોડો પણ વિદેશની બીજી કોઈ ભાષાની ફિલ્મ પણ બેસ્ટ ફિલ્મની રેસમાં છેલ્લી પાંચ ફિલ્મોમાં નોમિનેટ થઈ જાય તો એ ચમત્કાર કહેવાશે. ભારત સહિતના વિદેશનો કોઈ સર્જક જબરદસ્ત લોબિઈંગ કરાવીને એ કરી શકે પણ અત્યારના તબક્કે તો એ ચમત્કાર શક્ય લાગતો નથી. આ વાસ્તવિકતા છે એ જોતાં ભારતની દસ ફિલ્મ ભલે રેસમાં હોય પણ નોમિનેશનની શક્યતા નહિવત છે. 

એકેડમીએ બહાર પાડેલા કન્ટેન્શન લિસ્ટમાં પચાસ ટકા જેટલી ફિલ્મો વિદેશી ભાષાની છે. વિદેશી ભાષાની ફિલ્મોને ઓસ્કાર નોમિનેશન મળવાનું નથી છતાં તેમનો કન્ટેન્શન લિસ્ટમાં સમાવેશ કરાયો એ પાછળનું કારણ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. ઓસ્કાર એવોર્ડ્સ વિશ્વમાં સૌથી મોટા ગણાય છે પણ હવે તેની સ્પર્ધામાં બીજા પણ એવોર્ડ્સ ઉભા થઈ ગયા છે. પહેલાં ઓસ્કાર એવોર્ડ્સની મોનોપોલી ને ધાક હતી એ હવે નથી. બાફ્ટા ને ગોલ્ડન ગ્લોબ જેવા એવોર્ડ્સ પણ હવે પ્રતિષ્ઠિત ગણાય છે. આ એવોર્ડ મેળવનારી ફિલ્મો પણ લોકોને આકર્ષે છે. 

એકેડમીએ મોટા પ્રમાણમાં વિદેશી ભાષાની ફિલ્મોનો પણ સમાવેશ કરીને પોતાના એવોર્ડની પબ્લિસિટીનો વ્યાપ ગ્લોબલ કરી નાંખ્યો છે. બીજા એવોર્ડસ અંગ્રેજી ભાષાની જ ફિલ્મોનો સમાવેશ કરે છે ત્યારે ઓસ્કાર એવોર્ડ્સમાં દુનિયાભરની ફિલ્મોને ગણતરીમાં લેવાય છે એવું પ્રસ્થાપિત કરીને ઓસ્કાર એવોર્ડ્સને માત્ર હોલીવુડના નહીં પણ આખી દુનિયાન સર્વોચ્ચ સિનેમા એવોર્ડ તરીકે સ્થાપિત કરવા માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે એકેડમીએ આ પગલું ભર્યું છે. 

એકેડમીનો આ નિર્ણય આખી દુનિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ ફાયદાકારક છે. દુનિયાભરની ફિલ્મો ઓસ્કારની રેસમાં હોવાનું ચિત્ર ઉભું કરાયું તેના કારણે આખી દુનિયામાં ઓસ્કાર એવોર્ડ્સ માટે ભરપૂર પબ્લિસિટી તો મળશે જ પણ ફિલ્મ જગતને આર્થિક ફાયદો પણ થશે. ઓસ્કાર એવોર્ડ્સ માટેની રેસમાં કોઈ ફિલ્મ હોય એવા સમાચાર ફેલાય તેના કારણે ફિલ્મને હાઈપ મળતો હોય છે. લોકોમાં ફિલ્મ વિશે ઉત્સુકતા ફેલાય છે ને લોકો ફિલ્મ જોવા લલચાય છે. 

ઓસ્કાર કન્ટેન્શન લિસ્ટમાં સમાવેશ કરાયો છે એ બધી ફિલ્મો ૨૦૨૨માં રીલીઝ થયેલી છે. ૨૦૨૨ના વર્ષના છેલ્લા એક-બે મહિનામાં રીલીઝ થયેલી ફિલ્મોને બાદ કરતાં મોટા ભાગની ફિલ્મો થીયેટરોમાંથી ઉતરી ગઈ છે તેથી લોકો આ ફિલ્મો જોવા ઓટીટી પ્લેટફોર્મ પર જશે. ફિલ્મ થીયેટરમાં ચાલે કે ઓટીટી પ્લેટફોર્મ પર, તેના કારણે મજબૂત ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ બનશે. દર્શક નાણાં ખર્ચશે એ અંતે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ આવવાનાં છે. 

એકેડમી ઓટીટી પ્લેટફોર્મ્સને પણ મજબૂત કરીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને જ મજબૂત કરી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પૂરક જ છે કેમ કે તેના પર મોટા ભાગનું કન્ટેન્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. આ કારણે ઘી તો ખિચડીમાં જ ઢળવાનું છે તેથી એકેડમીનું વિઝન કાબિલેતારીફ છે.

એકેડમી સત્તાવાર રીતે ૨૪ જાન્યુઆરીએ ઓસ્કાર એવોર્ડ્સ માટેની બેસ્ટ ફિલ્મની રેસમાં કોણ કોણ રહે છે તેનું લિસ્ટ જાહેર કરવાની છે. ભારતીય ભાષાની ફિલ્મો માટે આશા તો નથી પણ ભારતીય ભાષાની એકાદ ફિલ્મ પણ લાસ્ટ નોમિનેશનમાં આવવાનો ચમત્કાર થઈ જાય તો ભારતીય સિનેમા માટે નવો ઈતિહાસ રચાઈ જશે. 

ભારતની ચાર એન્ટ્રી ઓસ્કારની પ્રબળ દાવેદાર

ભારતની દસ ફિલ્મો ભલે ઓસ્કાર કન્ટેન્શન લિસ્ટમાં હોય પણ  તેમની પાસેથી બહુ આશા રાખવા જેવી નથી પણ ભારતની જે ચાર એન્ટ્રી ઓસ્કાર એવોર્ડ્સ માટે પહેલાં જ નોમિનેટ થઈ ગઈ છે તેમની પાસેથી ચોક્કસ આશા રાખી શકાય. 

પાન નલિનની છેલ્લો દિવસ બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ છે તો આરઆરઆરનું નાટુ નાટુ ગીત બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં નોમિનેટ થયું છે. ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ કેટેગરીમાં ઓલ ધ બ્રિધીઝ અને ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ધ એલીફન્ટ વ્હીસ્પર્સ નોમિનેટ થઈ ગઈ છે. ડીસેમ્બરમાં એકેડમીએ આ ચારેય એન્ટ્રીને નોમિનેટ કર્યાની જાહેરાત કરી હતી. 

બેસ્ટ ઈન્ટરનેશનલ કેટેગરીમાં ૧૪ ફિલ્મો સ્પર્ધામાં છે તેથી એકેડમીના સભ્યો નિરાંતે ફિલ્મોને જોઈને પોતાનો મત આપી શકે છે. ઓરિજિનલ સોંગ કે શોર્ટ ફિલ્મ જોવા માટે તો બહુ ઓછો સમય આપવો પડે એ જોતાં એકેડમીના સભ્યો પૂરતો સમય લઈને વોટિંગ કરી શકે તેમ છે. આ સંજોગોમાં મુખ્ય નોમિનેશનમાં પહોંચી ગયેલી ચારમાંથી કોઈ એક એન્ટ્રી ભારતને ઓસ્કાર એવોર્ડ અપાવી શકે છે.

Gujarat