1 વર્ષમાં ત્રીજી દુર્ઘટના : 40 વર્ષ જૂના જેગુઆરને નિવૃત્તિ ક્યારે અપાશે
- એક તરફ 10 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં નાખવા દબાણ અને બીજી તરફ એરફોર્સના જવાનોના જીવ દાવ ઉપર લગાવવાના
- મલ્ટિપર્પઝ ફાઈટર જેટ જેગુઆરે પોતાના સુવર્ણકાળમાં ખૂબ જ મહત્ત્વના મિશનો કર્યા, કારગિલ વિજયમાં સાથ આપ્યો, સર્જિકલ સ્ટ્રાઈક અને વિવિધ ઓપરેશન પાર પાડયા પણ હવે આ પ્લેનને નિવૃત્ત કરવાનું વિચારવું જોઈએ : આ ફાઈટર જેટ અંદાજે 1975 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની પાંખોમાં એટલી બધી ક્ષમતા છે કે, તે હજારો કિલો વજનના બોમ્બ અને મિસાઈલ્સ લોડ કરીને ઉડી શકે છે. તેની સૌથી મોટી ખાસિયત છે જમીનને સમાંતર ઉડીને દુશ્મનના રડારથી બચી શકે છે : હાલમાં ભારત પાસે ચોથી જનરેશનના રાફેલ, તેજસ જેવા વિમાનો છે અને આવનારા સમયમાં એમસીએ જેવા વિમાનો પણ ભારતીય વાયુસેનામાં સ્થાન લેવાના છે. તેના કારણે જ હવે જેગુઆર ખૂબ જ ઓછી સુવિધા અને જૂની પેઢીના વિમાન લાગી રહ્યા છે
રાજસ્થાનના ચુરુમાં મંગળવારે સવારે ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઈટર જેટ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થઈ ગયું હતું. આ ફાઈટર જેટની સાથે સાથે પાઈલટ પણ શહદી થઈ ગયા હતા. આ વર્ષમાં આ ત્રીજી ઘટના છે જેમાં જેગુઆર પ્લેન ક્રેશ થયું હોય. આ પહેલાં અંબાલામાં માર્ચ મહિનામાં જેગુઆર ક્રેશ થયું હતું તેમાં પાઈલટનો બચાવ થયો હતો પણ પ્લેન નષ્ટ થઈ ગયું હતું. તે ઉપરાંત ગુજરાતમાં જામનગર પાસે એક ગામમાં જેગુઆર ક્રેશ થયું હતું જેમાં એક પાઈલટ શહીદ થયો હતો અને એક બચી ગયો હતો. ભારતના આ ફાઈટર જેટ જે એક સમયે દુશ્મનો માટે ઘાતક ગણાતા હતા તે હવે દેશના જવાનો માટે જ ઘાતક સાબિત થઈ રહ્યા છે. સૂત્રોમાં ચર્ચા ચાલી છે કે, એક તરફ આપણે એક અને દોઢ દાયકા જેટલા જૂના વાહનો ઉપર પ્રતિબંધની વાતો કરીએ છીએ અને ચાર-ચાર દાયકા જૂના ફાઈટર જેટ હજી પણ ઉપયોગમાં લઈને એરફોર્સના જવાનોના જીવને જોખમમાં નાખી રહ્યા છીએ. ક્યાં સુધી આપણે મિગ અને જેગુઆર જેવા દાયકાઓ જૂના ફાઈટર જેટ દ્વારા સુરક્ષાનું જોખમ ઊભું કરતા રહીશું. તેનો ભવ્ય ભૂતકાળ હતો તે વાત સાચી પણ તેના કારણે વર્તમાન અને ભવિષ્ય ડહોળાય તે ગ્રાહ્ય નથી. લોકોમાં હવે આ બાબતે ચર્ચાનો જોર જામ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જેગુઆર ફાઈટર જેટ ભારત માટે શ્રેષ્ઠ અને દુશ્મનો માટે અત્યંત ઘાતક સાબિત થયેલા હતા. આ એવા ફાઈટર જેટ છે જેમને જમીન ઉપર હુમલા કરવા માટે બનાવવામાં આવ્યા હતા. તેને મલ્ટિપર્પઝ ફાઈટર જેટ પણ કહેવામાં આવતા હતા. આ ફાઈટર જેટનું કામ દુશ્મન દેશમાં ઘુસીને બોમ્બમારો કરવાનું, નક્કી કરેલા ટાર્ગેટ ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું અને યુદ્ધમાં સંકળાયેલા પાયદળને હવાઈ મદદ પહોંચાડવાની અને સાથ આપવાનું હતું. બ્રિટન અને ફ્રાન્સની ભાગીદારમાં આ ફાઈટર જેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને ૧૯૭૯માં ભારતે આ ફાઈટર જેટને પોતાની વાયુસેનામાં સ્થાન આપ્યું હતું.
મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં જેગુઆર ફાઈટર જેટને શમશેર નામ આપવામાં આવ્યું હતું. આ ફાઈટર જેટની આક્રમકતા અને તાકાતને કારણે તેને શમશેર કહેવામાં આવતા હતા. તેનો ઉપયોગ દુશ્મનોની જમીન ઉપર હુમલા કરવા, બોમ્બમારો કરવા, જમીન ઉપર અને બંકરમાં બનાવેલા ઠેકાણાઓને લેસર ગાઈડેડ બોમ્બ દ્વારા ઉડાવી દેવા માટે, જમીનને સમાંતર પ્રવેશ કરીને ચોક્કસ જગ્યાએ હુમલા કરવા માટે આ પ્લેનનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યંત વિકટ પરિસ્થિતિઓમાં પણ આ વિમાનો ભારતીય વાયુસેના માટે અદ્વિતિય કામ કરનારા સાબિત થયા હતા.
જેગુઆર ખૂબ જ ઝડપથી ઉડતું અને ખાસ તો લો અલ્ટિટયૂડમાં એટેક કરવાની ક્ષમતા ધરાવતું ફાઈટર પ્લેન છે. આ ફાઈટર જેટ અંદાજે ૧૯૭૫ કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તે અવાજની ઝડપ કરતા વધારે ઝડપી છે. તેની પાંખોમાં એટલી બધી ક્ષમતા છે કે, તે હજારો કિલો વજનના બોમ્બ અને મિસાઈલ્સ લોડ કરીને ઉડી શકે છે. તેની સૌથી મોટી ખાસિયત છે જમીનને સમાંતર ઉડીને દુશ્મનના રડારથી બચી શકે છે. આ રીતે તે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં અત્યંત ઉપયોગી અને સફળ સાબિત થાય છે. આ કારણ છે જે જેગુઆરને સાઈલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે.
જેગુઆરની ક્ષમતાની વાત કરીએ તો, ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૯૯માં થયેલા કારગિલ યુદ્ધમાં જ્યારે ભારતીય સેનાએ પર્વતોમાં સંતાયેલા આતંકીઓ અને પાકિસ્તાની સૈનિકોને ખદેડવા માટે ઔપરેશન વિજય શરૃ કર્યું હતું ત્યારે તેની ભૂમિકા મહત્ત્વની બની રહી હતી. ભારતીય સેનાને સમાંતર ભારતીય વાયુસેના દ્વારા મિશન સફેદ સાગર નામનું એક મહત્ત્વનું મિશન હાથ ધરાયું હતું. આ મિશન દરમિયાન જેગુઆર ફાઈટર દ્વારા કારગિલના દુર્ગમ અને ઉંચા પહાડો અને શિખરો ઉપર રહેલા દુશ્મનના બંકરો અને છાવણીઓને નષ્ટ કરવામાં આવ્યા હતા. લેઝર ગાઈડેડ બોમ્બથી સજ્જ આ વિમાનોએ આ યુદ્ધમાં પાકિસ્તાનના ઠેકાણાઓ નષ્ટ કરીને પાકિસ્તાનની મેલી રણનીતિ ઉપર પણ પાણી ફેરવી દીધું હતું.
આ એવું યુદ્ધ હતું જેમાં જેગુઆરે પોતાની યુદ્ધ ક્ષમતા સાબિત કરીને ભારતીય વાયુસેનામાં પોતાનું સ્થાન મહત્ત્વનું બનાવી દીધું હતું.
આમ જોવા જઈએ તો જેગુઆરને ભલે ૪૦ વર્ષ પહેલાં ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યા હોય પણ સમયાંતરે તેને અપગ્રેડ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી જ છે. આધુનિક એટેક સિસ્ટમ, નાઈટ વિઝન, એડવાન્સ રડાર ટેકનિક તથા DARIN-III' જેવી આધુનિક નેવિગેશન સિસ્ટમ બધું જ જેગુઆરમાં છે જે દુશ્મન માટે મોટો ખતરો બની જ શકે છે. આજે પણ આ જેટ દ્વારા દેશના સરહદી વિસ્તારોના રાઉન્ડ લગાવવામાં આવે છે અને સુરક્ષા વ્યવસ્થા ઉપર નજર રાખવામાંઆવે છે. સરહદી વિસ્તારોમાં આ વિમાનોની હાજરી રણનીતિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વની બની જાય છે. વાત એવી છે કે, આ વિમાનની ટેક્નોલોજી તો એડવાન્સ છે પણ આજના યુગમાં ટક્કર આપી શકે તેવી નથી. આજે જે એડવાન્સ ટેક્નોલોજી ધરાવતા ફાઈટર જેટ આવી ગયા છે તેની સામે આ પ્લેન નબળા લાગે છતાં તે પોતાનું મહત્ત્વ સાબિત કરી રહ્યા છે. વર્તમાન સમયમાં પણ પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં અને મહત્ત્વના હવાઈ ઓપરેશન કરવામાં તેમનો ઉપયોગ કરાયો હતો.
ચિંતાજનક વાત એ છે કે, હવામાં ઉડવા દરમિયાન કોઈપણ વિમાન માટે જોખમ તો રહેલું જ છે. તેમાંય જેગુઆર જેવા જૂના વિમાનો જ્યારે હવામાં હોય ત્યારે જોખમ થોડું વધારે જ મોટું થઈ જાય છે. તેના કારણે જે દુર્ઘટનાઓ સર્જાય છે તે લોકોમાં અને વાયુસેનામાં ચિંતા જન્માવી રહ્યા છે. દુર્ઘટનાના કારણે પ્લેનની વિશ્વનિયતા કે તેના યોગદાનમાં ઓટ આવે તેમ નથી પણ ચિંતા વધવા લાગી છે. જેગુઆર સાથે તેની તાકાત, વિશ્વસનિયતા, તેનું યોગદાન અને યુદ્ધની ઉપયોગીતા સંકળાયેલી છે પણ હવે ધીમે ધીમે તેની સાથે દુર્ઘટનાઓ જોડાઈ રહી છે. એક એવું વિમાન જે પોતાને ગુપ્ત રાખીને દુશ્મનોની છાવણીમાં તબાહીનું તાંડવ મચાવે તેમ છે તે જ હવે પોતાના દેશમાં પણ આફતનું કારણ બનવા લાગ્યું છે.
ભારતીય વાયુસેના હવે ધીમે ધીમે આધુનિક ફાઈટર જેટ તરફ આગળ વધી રહી છે. દુનિયામાં પાંચમી અને છઠ્ઠી જનરેશનના ફાઈટર પ્લેન આવી ગયા છે અને આવવા લાગ્યા છે ત્યારે ભારતના પણ આ દિશામાં પ્રયાસ વધ્યા છે. હાલમાં ભારત પાસે ચોથી જનરેશનના રાફેલ, તેજસ જેવા વિમાનો છે અને આવનારા સમયમાં એમસીએ જેવા વિમાનો પણ ભારતીય વાયુસેનામાં સ્થાન લેવાના છે. તેના કારણે જ હવે જેગુઆર ખૂબ જ ઓછી સુવિધા અને જૂની પેઢીના વિમાન લાગી રહ્યા છે. ભારતીય વાયુસેનામાં જેગુઆરનો ભવ્ય અને ગૌરવમયી ઈતિહાસ છે. ભારતીય આકાશની સુરક્ષામાં જેગુઆરનો સુવર્ણ ઈતિહાસ છે. ભારતીય આકાશ અને ભારતીય સરહદોની સુરક્ષામાં આજથી ચાર દાયકા પહેલાં જેગુઆરે નવો ઈતિહાસ લખ્યો હતો પણ હવે તે ભૂતકાળ બની રહ્યો છે. નવા સ્ટેલ્થ ટેક્નોલોજીના જમાનામાં જેગુઆર થોડા નબળા પડી રહ્યા છે. તેમાંય વારંવાર જે રીતે અકસ્માતો થઈ રહ્યા છે તે જોતાં તેની કામગીરી વિશે હવે ફેરવિચાર કરવો પડે તેમ જ છે.
600 મીટરના રનવેમાં પણ ટેકઓફ અને લેન્ડ કરી શકે છે
જેગુઆર વિમાન હાલમાં ભલે આઉટ ડેટેડ અને જુની પેઢીના ફાઈટર પ્લેન લાગે પણ જે-તે સમયે આ પ્લેનનો ડંકો વાગતો હતો. બ્રિટન અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે આ વિમાન બનાવવામાં આવ્યું હતું. તેઓ તેનો ઉપયોગ કરતા હતા. ૧૯૬૮થી ૧૯૮૧ દરમિયાન દુનિયામાં આવા ૫૭૩ જેગુઆર ફાઈટર જેટ બનાવાયા હતા. ભારતીય વાયુસેના પાસે ૧૬૦ જેગુઆર વિમાન છે જેમાંથી ૩૦ ટ્રેનિંગ માટેના જેટ છે. આ પ્લેનનું મુખ્ય કામ જ ગ્રાઉન્ડ એટેકનું હતું.
હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા આ પ્લેનના ઘણા વેરિયન્ટ બનાવાયા છે. આ પ્લેન સિંગલ પાઈલટ અને ડબલ પાઈલટ વર્ઝનમાં આવે છે. આ પ્લેનની લંબાઈ ૫૫.૩ ફૂટ અને વિંગ સ્પાન ૨૮.૬ ફૂટ છે. તેની ઉંચાઈ ૧૬.૧ ફૂટ છે. ટેકઓફ સમયે તેનું મહત્ત્મ વજન ૧૫,૭૦૦ કિલોગ્રામ હોય છે. આ પ્લેનની ખાસિયત એ છે કે, તે ૪૬,૦૦૦ ફૂટ ઉંચાઈ સુધી જઈ શકે છે. તે માત્ર દોઢ મિનિટમાં ૩૦ હજાર ફૂટની ઉંચાઈએ પહોંચી જાય છે. બીજી તરફ તે જમીનની સમાંતર ઉડીને રડારથી પણ બચી શકે છે. આ પ્લેન માત્ર ૬૦૦ મીટરના નાના રનવેમાં પણ ટેકઓફ અને લેન્ડ કરી શકે છે. તેમાં ૩૦ મિલિમીટરના ૨ કેનન લાગે છે જે દર મિનિટે ૧૫૦ ગોળીયો છોડી શકે છે. આ ઉપરાંત તેમાં કુલ ૭ હાર્ડપોઈન્ટ્સ હોય છે. ૪ અંડર વિંગ અને ૨ ઓવર વિંગ તથા એક સેન્ટ્રલ લાઈનમાં હોય છે. તે ૪૫૦૦ કિલો વજન ઉચકવા માટે સક્ષમ છે. તેમાં ૮ મેટ્રા રોકેટ પોડ્સ સાથે ૬૮ મિ.મીના ૧૮ એસએનઈબી રોકેટ પણ લાગે છે. તેમાં એન્ટી રેડિયેશન મિસાઈળ, હાર્પૂન એન્ટી શિપ મિસાઈલ, સી ઈગલ એન્ટિશિપ મિસાઈલ, પ્રિસેશન ગાઈડેડ મ્યૂનિશન, સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન જેવા ઘણા હથિયારો હોય છે. તેમાં ગાઈડેડ બોમ્બ અને ન્યૂક્લિયર બોમ્મ પણ લઈ જઈ શકાય છે.