For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જોશીમઠની આફતઃ આગ લાગી ત્યારે સરકાર કૂવો ખોદવા બેઠી

Updated: Jan 10th, 2023

Article Content Image

- જોશીમઠ પર ખતરો હોવાની ચેતવણી વરસો પહેલાં અપાયેલી પણ સરકારે કશું ના કર્યું. હવે સરકાર જે કંઈ કરે છે એ આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવું છે. જોશીમઠની અવદશાનાં મૂળ લગભગ પાંચેક દાયકા પહેલાં નંખાયેલાં. ૧૯૭૬માં મિશ્રા પંચના રીપોર્ટ વખતે જ સરકાર જાગી હોત તો અત્યારે છે એવી સ્થિતી ના હોત

ઉત્તરાખંડના જોશીમઠમાં  જમીન ફાટવાના કારણે ૬૦૦થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ તેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દોડતી થઈ ગઈ છે. જોશીમઠમાં લગભગ ૪૦૦૦ જેટલાં ઘર છે. તેમાંથી તિરાડો પડતાં ૬૦૦ જેટલાં ઘરો પર ધરાસાયી થઈ જવાનો ખતરો છે. આ ૬૦૦ ઘરોમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની ક્વાયત સરકારે શરૂ કરી છે. જોશીમઠના કેટલાક વિસ્તારોને અસુરક્ષિત જાહેર કરીને પ્રવેશ બંધ કરી દેવાયો છે. 

રાજ્ય સરકાર આ વિસ્તારમાં રહેતાં લોકોને ખસેડીને બીજાં સ્થળે લઈ જઈ રહી છે તેની સામે લોકો નારાજ છે. સરકારની કામગીરી સામે દેખાવો પણ થઈ રહ્યા છે. લોકો આક્રોશ ઠાલવી રહ્યાં છે કે, અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે લોકોના રહેવાની કોઇ વ્યવસ્થા કર્યા વિના જ આખો વિસ્તાર સીલ કરીને લોકોને ઘરોમાંથી બહાર કઢાઈ રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, જોશીમઠની ખરાબ હાલતની ચેતવણી વરસો પહેલાં અપાયેલી પણ સરકારે તેને ગણકારી નહીં. હવે હજારો લોકોના જીવ ખતરામાં છે ને આખું શહેર તબાહ થઈ જવાના આરે આવી ગયું છે ત્યારે સરકાર દોડતી થઈ છે તેનો કોઈ મતલબ નથી. અત્યારે પણ સરકાર આખા શહેર પર કોઈ ખતરો નથી એવી વાતો કરીને પોતાનું પાપ છૂપાવવા મથી રહી છે. 

લોકોની વાત સાચી છે કેમ કે જોશીમઠ પર ખતરો હોવાની ચેતવણી વરસો પહેલાં અપાયેલી પણ સરકારે કશું ના કર્યું. હવે સરકાર જે કંઈ કરે છે એ આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવું છે. જોશીમઠની અવદશાનાં મૂળ લગભગ પાંચેક દાયકા પહેલાં નંખાયેલાં. એ વખતે જ સરકાર જાગી હોત તો અત્યારે છે એવી સ્થિતી ના હોત. 

ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં આખો પ્રદેશ ઉત્તર પ્રદેશનો ભાગ હતો. ૧૯૭૫માં ઉત્તર પ્રદેશ સરકારે જોશીમઠમાં બાંધકામોને પહેલી વાર મંજૂરી આપી તેની સામે ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવ્યા હતા. ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં ચમોલીના બેલાકુચીના ભીષણ પૂર આવેલું. 

જોશીમઠની પણ એવી જ હાલત થશે એવી ચેતવણી ભૂસ્તરશાસ્ત્રીઓએ આપી હતી. તેના કારણે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવતાં  ઉત્તર પ્રદેશ સરકારે ગઢવાલના કમિશનર મુકેશ મિશ્રાના પ્રમુખસ્થાને જોશીમઠના સર્વે માટે પંચ બનાવ્યું હતું. 

મિશ્રા પંચે ૧૯૭૬માં સોંપેલા રિપોર્ટમાં જોશીમઠની તળેટીમાં કોઈ મોટો પ્રોજેક્ટ નહી કરવા સાફ શબ્દોમાં કહેલું. આ રીપોર્ટ પ્રમાણે જોશીમઠનો વિસ્તાર પ્રાચીન ભૂસ્ખલન વિસ્તારમાં આવે છે અને શહેર પર્વત પરથી નીચે આવેલા પથ્થર અને માટીના ઢગલા પર બન્યું હોવાથી ગમે ત્યારે માચી સરકી શકે છે. 

પંચે ઢોળાવ પર ખોદકામ કે વિસ્ફોટ કરીને મોટા પથ્થરો નહીં કાઢવાની ભલામણ કરી હતી. જોશીમઠના પાંચ કિલોમીટરની અંદર કોઈપણ બાંધકામનો કાટમાળ ન ફેંકવો, નવા બાંધકામોને મંજૂરી ના આપવી વગેરે ભલામણો પણ કરાઈ હતી. 

યુપી સરકારે થોડો સમય આ વાતો માની પણ પછી રીપોર્ટને અભરાઈ પર ચડાવીને આડેધડ બાંધકામ શરૂ કરી દેવાયાં. વિકાસના નામે ખોદકામ શરૂ થયાં તેમાં પત્તર ખંડાતી ગઈ ને બાકી હતું તે એનટીપીસીનો પાવર પ્રોજેક્ટ આવી ગયો. 

એનટીપીસી અત્યારે બચાવ કરે છે કે, અમે વિસ્ફોટ કરીને પોલાણ નથી કર્યું પણ તેનાથી ફરક પડતો નથી. જમીનના સ્તરને કોઈ રીતે છંછેડવાનું જ નહોતું ત્યારે અહીં તો આખો પાવર પ્રોજેક્ટ ઉભો કરી દેવાયો છે. 

ઉત્તર પ્રદેશ અને પછી બનેલા ઉત્તરાખંડની સરકારોએ મિશ્રા પંચની ઐસીતૈસી કરીને આખા વિસ્તારને સર્વનાશના આરે લાવીને મૂકી દીધો છે. 

ઉત્તરાખંડની સરકારો માત્ર મિશ્રા પંચની ભલામણોને ઘોળીને પી નથી ગઈ પણ એકાદ દાયકા પહેલાં ઉત્તરાખંડ  ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આપેલી ચેતવણીને પણ ઘોળીને પી ગઈ છે. ૨૦૧૩માં જોશીમઠ અને તેની આસપાસ આવેલાં કેટલાંક ગામોમાં મકાનોમાં તિરાડો પડતાં લોકો ભડક્યાં હતાં. તેના પગલે રાજ્ય સરકારે આદેશ આપતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ૨૦૧૩માં પાંચસોથી વધારે ગામોનો સરવે કર્યો હતો. 

આ રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે, આ વિસ્તારમાં જોસીમઠ ઉપરાંત ૪૮૪ ગામ એવાં છે કે જેમના પર ખતરો છે.  આ ગામનાં લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાં જરૂરી છે. આ ચેતવણીના પગલે સરકારે થોડાંક ઘરોને ખાલી કરાવ્યાં હતાં પણ પછી રાત ગઈ બાત ગઈ. સરકારે કશું કર્યું નહીં ને ઘોરતી રહી તેમાં નજીકના ભવિષ્યમાં જોશીમઠ જેવી હાલત આ ૪૮૪ ગામોની પણ થઈને ઉભી રહી જશે.  જોશીમઠ પર ખતરાનું કારણ અહીંની જમીનું બંધારણ છે.  જોશીમઠ હિમાલયના ઇકો-સેન્સિટિવ ઝોનમાં આવેલું છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ પોતાના સંશોધનમાં વાંરવાર ચેતવણી આપેલી છ કે, ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવતાં મોટા ભાગનાં ગામો ગ્લેશિયર પર વસે છે.

 અત્યારે લોકો વસેલાં છે ને વસાહતો ઉભી કરાઈ છે ત્યાં એક સમયે હિમનદીઓ હતી. હિમનદીઓ પિગળે ત્યારે પાણી નીચેની તરફ જતું પણ તેનો કાટમાળ રહી ગયો. 

હિમનદીઓની સાથે ખડકો અને માટીના સ્તર પણ હતા. આ ખટકો, માટી અને કચરાનો થર જામતો ગયો તેમાંથી  પર્વત બની ગયો. આ રીતે બનેલા પર્વતને મોરેન કહે છે પણ આ પર્વત પોલા હોય છે તેથી ગમે ત્યારે તેની જમીન ધસી શકે. જોશીમઠમાં પણ એવું જ થયું છે. 

જ્યાં સુધી જમીનના સ્તરને નુકસાન ના કરાયું ત્યાં સુધી કંઈ ના થયું પણ જેવું આડેધડ ખોદકામ કરીને જમીનને નુકસાન કરવાનો ખેલ શરૂ થયો કે તરત જ પોલી જમીન બેસવા માંડી ને અંતે પરિણામ એ આવ્યું છે કે, ગમે ત્યારે માટી બેસી જશે તેથી આખું શહેર બેસી જશે. 

ભૂસ્તરશાસ્ત્રીઓ ઉપરાંત કુદરત પણ આ વિસ્તારમાં આડેધડ ખોદકામ નહીં કરવા વારંવાર ચેતવ્યા કરે છે પણ આ ચેતવણીઓને કોઈએ ગણકારી નથી. 

૨૦૧૩માં કેદારનાથમાં આવેલી પૂરની આફત આ કારણે જ આવેલી. આખું કેદારનાથ સાફ થઈ જાય એવો ખતરો ઉભો થયો હતો. 

એ ચેતવણી પછી ઉત્તરાખંડમાં આડેધડ બાંધકામો બંધ કરવાની જરૂર હતી પણ કોઈએ સમજદારી ના બતાવી તેમાં દસ વર્ષ પછી જોશીમઠના એ જ હાલ થાય એવો ખતરો ઉભો થયો છે. જોશીમઠ લોકોની નજરે ચડેલું છે પણ વાસ્તવમાં આસપાસનાં પાંચસો જેટલાં ગામો નેસ્તનાબૂદ થઈ જાય એવો ભય છે. જોશીમઠનું શું થશે એ ખબર નથી પણ આપણામાં અક્કલ હોય તો અહીંથી અટકી જવું જોઈએ. આપણે કોન્ક્રીટનાં જંગલો ઉભાં કરવાને વિકાસ ગણીએ છીએ. જમીનનું જે થવું હોય એ થાય પણ રોડ-રસ્તા, ઈમારતો તાણી બાંધીશું તો સુખી થઈ જઈશું, જોરદાર આથક વિકાસ થઈ જશે એવી હાસ્યાસ્પદ માનસિકતા સાથે જીવીએ છીએ.  આ માનસિકતા બદલીને હવે પર્યાવરણ, ભૂસ્તર અને કુદરતના રક્ષણ વિશે વિચારવું જોઈએ. બાકી એકલું જોશીમઠ શહેર નહીં, આખું ઉત્તરાખંડ રાજ્ય ખતમ થઈ જશે. 

- ચાર ધામની યાત્રા પર અનિશ્ચિતતાનાં વાદળ

જોશીમઠ પર આવેલી આફાતના કારણે ચાર ધામ યાત્રા પર પણ અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયેલાં છે. 

જોશીમઠ બદરીનાથનું પ્રવેશદ્વાર મનાય છે. ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામની યાત્રાએ જવું હોય તો જોશીમઠ થઈને જ જવું પડે પણ જોશીમઠમાં મકાનો બેસી જાય તો રસ્તો બંધ થઈ જાય. તેના કારણે બદરીનાથ, હેમકુંડ કે ફ્લાવર વેલીમાં ના જઈ શકાય. ઋષિકેશ સહિતનાં કોઈ પણ ધાર્મિક સ્થળે પણ ના જઈ શકાય. 

ઉત્તરાખંડમાં ધર્મસ્થાનોમાં દર વરસે લાખો શ્રધ્ધાળુઓ આવે છે. 

ઉત્તરાખંડનું અર્થતંત્ર આ રીલીજિયસ ટુરિઝમ પર ચાલે છે ને એ જ બંધ થઈ જાય તો લોકોની હાલત બગડી જાય.  ચાર ધામની યાત્રા ઉનાળામાં ફરી શરૂ થશે પણ અ પહેલાં કશુંક અજુગતું ના થઈ જાય તેની સૌને ચિંતા છે.

- પહાડો ખસે તો નૈનિતાલ સરોવરોમાં ડૂબી જાય

ભૂસ્તરશાસ્ત્રીઓનો દાવો છે કે, જોશીમઠ જેવી જ હાલત ઉત્તરાખંડના મોટા ભાગના વિસ્તારોની છે કેમ કે વધારે કમાણીની લાલચમાં ઉત્તરાખંડમાં પર્યાવરણ કે જમીનની ચિંતા કર્યા વિના આડેધડ બાંધકામ કરાયાં છે. કેદારનાથમાં આ કારણે જ ભયંકર પૂર આવેલું ને હવે નૈનિતાલનો વારો આવશે એવી ચેતવણી પણ અપાઈ રહી છે.  નૈનિતાલ તાલ એટલે કે સરોવરોનું શહેર છે. આ સરોવરો પહાડોની વચ્ચે વસેલા છે પણ હવે નૈનિતાલના અસ્તિત્વને પણ ખતરો છે. નૈનિતાલ શહેરના પહાડો પણ ત્રણ તરફથી ખસી રહ્યા છે તેથી ગમે ત્યારે નૈનિતાલની હાલત પણ બગડશે. પહાડો તૂટવાથી સરોવરો ફાટશે તો આખું નૈનિતાલ ડૂબીને ખતમ થઈ જશે. 

Gujarat