જય વિજ્ઞાનઃ આરોગ્ય સંકટો સામે લડવા હવે માનવજાત વધારે સજ્જ
- મશીન લર્નિંગ થકી વિજ્ઞાનીઓ ભવિષ્યમાં વાઇરસના કયા મ્યુટેશન્સ થવાના છે તે જાણી લઈને તેની આગોતરી વેક્સિન તૈયાર કરી લેશે
- અમેરિકાને પોલિયોની રસી શોધીને બજારમાં મૂકતા 20 વર્ષ લાગેલા, તેની સામે કોરોનાની રસી માત્ર એક જ વર્ષમાં માર્કેટમાં આવી ગઈઃ રસીનું રાજકારણ ન નડયું હોત તો વધારે જીવન બચાવી શકાયા હોત
બે ઘટના એવી છે જે માણસનું અસલી ચરિત્ર ખુલ્લું પાડી દે છે. ૧. આપદા, ૨. સત્તા. ભૂકંપ, ભૂખમરો, વિભાજન વગેરે દુર્ઘટનાઓ વખતે આપણે અનેક લોકોને લૂંટફાટ કરતાં અને સ્વાર્થ સાધતા જોઈએ છીએ. એવું જ સત્તાની બાબતમાં થાય છે. માણસના હાથમાં પદ અને પૈસો આવે ત્યારે તેના વાણી અને વર્તન બદલાઈ જાય છે.
જે નિયમ માણસને લાગુ પડે છે એ જ દેશને લાગુ પડે છે. કોરોના વૈશ્વિક મહામારી ત્રાટકતા વિશ્વના શક્તિશાળી અને ધનાઢ્ય દેશોએ પોતાનું ચરિત્ર ખુલ્લું પાડી દીધું છે.
કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપ પાસે તેની વસ્તી કરતા ચાર ગણા કે તેથી પણ વધારે વેક્સિન ડોઝ સંગ્રહિત છે. એમ કહો કે તેમણે સંગ્રહખોરી કરીને ગરીબ દેશોને રસીના પૂરતા જથ્થાથી વંચિત રાખી દીધા છે, તેમની સાથે અન્યાય કર્યો છે. હવે ક્યા મોઢે યુએનમાં માનવતાવાદની વાત થશે? જ્યારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં માનવતાવાદ પર કોઈ પશ્ચિમી નેતા ભાષણ કરતો હશે ત્યારે કાળ તેના દોગલાપણા પર ખિખિયાટા કરી રહ્યો હશે. યુરોપ પાસે એક વ્યક્તિ દીઠ ૬.૬ ડોઝ સંગ્રહિત છે. તેના કારણે ભારતમાં માત્ર ૧૩ ટકા વેક્સિનેશન થઈ શક્યું છે.
આફ્રિકન દેશોમાં તો કેવળ અને કેવળ ૨ ટકા લોકોને રસી આપી શકાઈ છે. યુરોપિયન દેશો ૩ અબજ રસીના ડોઝ દબાવીને બેઠા છે. ૪ કરોડની વસ્તી ધરાવતા કેનેડા પાસે ૧૨ કરોડ ડોઝ છે.
અમેરિકા પાસે ૧.૩ અબજ ડોઝ છે પ્રતિ નાગરિક પાંચ ડોઝ. યુકેએ તો હદ વળોટી નાખી છે. તેણે ૫૦ કરોડ ડોઝ એટલે કે પ્રતિબ્રિટિશર ૮ ડોઝ બુક કરાવેલા છે. ઓસ્ટ્રેલિયાએ ૨.૫ કરોડની વસ્તી માટે ૧૭ કરોડ ડોઝનો ઓર્ડર આપેલો છે. તેના કારણે ગરીબ રાષ્ટ્રોને ૨૦૨૩ સુધી રસી મળી શકે તેમ નથી.
પશ્ચિમી દેશોએ રસીની સંગ્રહખોરી કરવાથી ગરીબ દેશોમાં જે વધારે મૃત્યુ થઈ રહ્યા છે તેના માટે જવાબદાર કોણ છે તે અહીં લખવાની જરૂર રહેતી નથી.
કોરોનાને કારણે બે છેડાની ઘટના બની છે. રસીની સંગ્રહખોરીનો અવિચારી અને મૂર્ખામીભર્યો રાજકીય સ્વાર્થ સપાટી પર આવ્યો છે તો બીજી તરફ ઝડપથી અસરકારક રસી શોધી કાઢવાનો વૈજ્ઞાનિક ચમત્કાર પણ જોવા મળ્યો છે.
કોરોના વાઈરસે ચીન બહાર આતંક મચાવવાની હજી શરૂઆત કરી હતી ત્યાં ૧૧મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસના જેનોમ (વંશસૂત્ર)ની ઓળખ કરી લીધી હતી. ૧૫મી જાન્યુઆરીએ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ અને મોડર્નાએ સાથે મળીને રસીનો પ્રાથિમક પ્રયોગ આરંભી દીધો હતો. ૧૬મી માર્ચે રસીનું પહેલું માનવ પરિક્ષણ થયું. ભારતમાં લોકડાઉન લદાયું એના બરાબર એક અઠવાડિયા પહેલાં. માનવ પરીક્ષણ અંતર્ગત ફાઈઝર રસીનો પહેલો ડોઝ ૮મી ડીસેમ્બર ૨૦૨૦ના રોજ મેગી કિનાન નામની ૯૧ વર્ષની વૃદ્ધાને અપાયો હતો. મહામારી આવી એના એક જ વર્ષમાં કોરોનાની રસી મેદાનમાં આવી ગઈ. તેની સામે અમેરિકાને પોલિયોની રસી શોધવામાં ૨૦ વર્ષ લાગ્યા હતા.
આ છે આપણો વૈજ્ઞાનિક વિકાસ. આ છે ઘોર અંધકાર વચ્ચે અજવાળાનું ટપકું, જે ધીમે-ધીમે સૂરજમાં પરિવર્તિત થઈ રહ્યું છે, આ છે તમામ નકારાત્મકતાઓ ઉપર ભારે પડતી પોઝિટિવિટી. આ છે વિજ્ઞાનનો જય. આના કારણે આપણાં આશા અને વિશ્વાસની ગગનચુંબી ઈમારતો હજુ અડિખમ ઉભી છે. કોરોનાથી થયેલા મૃત્યુનું દુઃખ હોય જ, પરંતુ એ પણ સ્વીકારવું પડે કે ભૂતકાળમાં મહામારીથી જેટલા મોત થતા તેના તો ૧૦ ટકા પણ મોત થયાં નથી. ૧૯૧૭માં સ્પેનિશ ફ્લુ ફાટી નીકળ્યો ત્યારે વિશ્વમાં પાંચ કરોડ મૃત્યુ થયાં હતાં અને તેમાંથી બે કરોડ ભારતમાં થયાં હતાં. ત્યારે ભારતની કુલ વસ્તી ૨૦ કરોડ હતી. વિજ્ઞાાનની આ પ્રગતિને કારણે આપણે મહામારીમાં મરણની સંખ્યા ઘટાડી શક્યા છીએ અને ભવિષ્યમાં હજી અનેક ગણી વધારે ઘટાડી શકીશું.
મોટી આફતો માણસને મોટી તાલીમ આપતી હોય છે. જાપાન ભૂકંપ, સુનામી અને જવાળામુખીના ચરું પર બેઠું છે એટલે જ આજે તે વિશ્વના સૌથી શક્તિશાળીમાંનો એક દેશ છે. અસ્તિત્ત્વની લડાઈએ, રોજીંદા જીવનના જંગે તેને અતિવિકસિત બનાવી દીધો છે. એવી જ રીતે વૈશ્વિક મહામારી કોરોનાએ આપણાં તબીબોને, આપણા વિજ્ઞાનીઓને અધિક સજ્જ બનાવી દીધા છે.
આવી મહામારી આમ તો ૫૦ કે ૧૦૦ વર્ષે આવતી હોય છે પણ જ્યારે તે આવી પડશે ત્યારે આપણા વિજ્ઞાનીઓ અત્યારે જે ઝડપથી કામ કર્યું છે તેના કરતાં પણ ઘણી ઝાઝી ઝડપથી કામ કરી શકશે. માનવજાત માટે આ સારા સમાચાર છે.
વિજ્ઞાનીઓએ અંદાજ બાંધ્યો હતો કે કોવિડ-૧૯ને કારણે વિશ્વમાં ૪૦થી ૮૦ લાખ મોત થશે. તેમનો આ અંદાજ ખોટો પડયો. આ અંદાજ ખોટા પડવાના બે કારણ છે. ૧. વિવિધ દેશોની પ્રશાસકીય બેદરકારી અને ૨. રસીનું રાજકારણ.
કોરોનાને કારણે એક સારી વાત એ બની છે કે વિશ્વના મોટા ભાગના દેશોની સરકારો હેલ્થકેર પ્રત્યે જાગૃત બની છે. ભવિષ્યમાં બીજી લાખ બેદરકારી જોવા મળશે, પણ બહુધા દેશોમાં આરોગ્ય સેવાઓ સારી હશે, મજબૂત હશે, સજજ હશે એવું માનવામાં આવી રહ્યું છે. વૈશ્વિકરણ તો કોઈ કાળે અટકી શકે એમ નથી એવા સમયમાં ઈન્ટરનેશનલ ટુરિઝમમાં હેલ્થ ચેકઅપ સૌથી મહત્ત્વનું પાસું બની રહે છે.
વેક્સિન પાસપોર્ટ અને એથીય આગળ હેલ્થ પાસપોર્ટ અનિવાર્ય સત્ય બની રહેવાનું છે. તેના કારણે બે ફાયદા થશે. એક તો ઘણા બધા રોગચાળા ફેલાતા અટકશે અને બીજું, ઈન કેસ કોઈ મહારોગ આવી પડે તો તેની સામે આપણું તંત્ર અને આપણા વિજ્ઞાનીઓ બહેતર ફાઈટ આપી શકશે.
જગતના વિવિધ દેશોએ અને તેના રાજ્યોએ કોરોના સામે અલગ-અલગ પદ્ધતિથી લડત ચલાવી. તેમાંથી જે પદ્ધતિ સૌથી સારી હોય, સૌથી અસરકારક હોય તે આપણા માટે દૃષ્ટાંતરૂપ બની શકે છે.
ભવિષ્યમાં બીજી આપદાઓ આવે ત્યારે તેને સંદર્ભરૂપ બનાવીને બહેતર યુદ્ધ લડી શકાય છે. ઘણાંખરા આરોગ્ય સંકટોને તો વર્તમાન અનુભવમાંથી શીખીને ઊગતા જ ડામી શકાય છે. જ્યારે વિજ્ઞાનીઓ અને પ્રશાસકો મોટું સંકટ ટાળે ત્યારે જનસમુદાયને અંદાજ આવતો નથી કે કેવડી મોટી આફત અવરોધવામાં આવી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આ મુદ્દાની ઉપેક્ષા કરવી. દરેક બાબત પોપ્યુલર પોલિટિક્સ માટે નથી હોતી, કેટલીક રાજનીતિથી ઉપર પણ હોય છે.
કેટલીન કરીકોને એમઆરએનએ (મેસેન્જર રીબોન્યુક્લેઇક એસિડ) મહામારી સામે લડવામાં કઈ રીતે મદદરૂપ બની શકે છે તેનો અભ્યાસ કરવામાં ૩૦ વર્ષ લાગ્યા. તેમના આ ત્રણ દાયકાના પરિશ્રમનો લાભ કોરોના મહામારીમાં મળ્યો. મોડર્ના અને ફાઈઝર એમઆરએનએ આધારિત રસી છે. તેને વિકસાવવામાં બહુ જ ઓછો સમય લાગ્યો છે, થેન્કસ ટૂ કેટલીન કરીકો.
ભૂતકાળનો અનુભવ તમને વર્તમાનના સંકટો સામે લડવામાં અને વર્તમાનનો અનુભવ તમને ભવિષ્યના જોખમો સામે લડવામાં કેવી રીતે કામ લાગે છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ.
કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટે ધારણા કરતાં વધારે ત્રાસ વર્તાવ્યો. કિંતુ ભવિષ્યમાં આવું થતું રોકી શકાશે. વિજ્ઞાનીઓ વાઈરસના વિવિધ મ્યુટેશન્સનું ડેટા મોડેલ તૈયાર કરે છે. આ મોડેલ સાથે મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ ભવિષ્યમાં કોરોના વાઈરસ કેવા-કેવા મ્યુટેશન્સ કરશે તેની સચોટ આગાહી કરી શકશે. એ આગાહી પ્રમાણેની દવાઓ અને રસી બનાવીને આગામી ખતરાને ટાળી શકાશે.
આ જ મોડસ ઓપરેન્ડી અન્ય રોગના વાઈરસ માટે પણ અપનાવી શકાશે. ભવિષ્યમાં એવું પણ બનશે કે કોઈ રોગ આવે તેના મહિના કે વર્ષો પહેલા જ લોકોને તેની રસી આપી જીવ બચાવી લેશે.
કોઈ પણ દેશના વિકાસ માટે આરોગ્ય અને શિક્ષણ આ બે બહુ મહત્ત્વપૂર્ણ પરિમાણ છે. આરોગ્ય, શિક્ષણ અને વિજ્ઞાાન આ ત્રણમાંથી એકેયની ઉપેક્ષા કરી શકાશે નહીં તેવું આપણને કોરોનાએ કડકાઈપૂર્વક શીખવી દીધું છે. અત્યાર સુધી સરકારો આરોગ્ય અને શિક્ષણને હળવાશથી લેતી હતી, તેની પાછળ પૂરતુ બજેટ ફાળવતી નહોતી.
હવે એવું નહીં ચાલે. ખૂબ ભણવું પડશે, ખૂબ રીસર્ચ કરવું પડશે અને હેલ્થકેરની બાબતમાં પણ સુસજ્જ બનવું પડશે. ફૂટબોલમાં ખેલાડીઓ બહુ ઝડપથી મેકશિફ્ટ થતાં હોય છે. બહુ ત્વરાથી પોતાની જગ્યા બદલી અને એકબીજાની ભૂમિકા સારામાં સારી રીતે નિભાવતા હોય છે.
હવે કોઈ પણ રોગ સામે ઝડપભેર કોન્ટેક્ટ ટ્રેસિંગ થાય, વધુ વેગથી ટેસ્ટિંગ થાય, ફટાફટ લેબોરેટરીઓ ઊભી થઈ જાય અને કાર્યરત બની જાય તે પ્રકારનું તંત્ર ગોઠવવું પડશે.
કોરોના મહામારીએ આપણને સફાળા જગાડી દીધા છે અને આપણી આ જાગૃતિ જ આપણું આરામદાયક જીવન સુનિશ્ચિત કરી શકશે. પૃથ્વીને લાગેલા કોરોના રૂપી ગ્રહણમાંથી મુક્ત કરવાનો યશ પૂર્ણપણે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓને જશે.