For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક વર્ષ લાંબા વિવાદ બાદ ભારત - ચીન હવે શાંતિના માર્ગે

Updated: Apr 8th, 2021

Article Content Image

- ભારત અને ચીન વચ્ચે 9મી એપ્રિલે કમાન્ડર સ્તરની 11મી મંત્રણા યોજાવાની શક્યતા

- છેલ્લા ચાર વર્ષોમાં ભારતે ચીનના પગલે લાઇન ઓફ એક્ચ્યુલઅલ કંટ્રોલ પર સડકો અને લેન્ડિંગ સ્ટ્રીપ બનાવવાનું કામ કર્યું છે જેના કારણે સૈનિકોને એલએસી પર પહોંચાડવા આસાન બની ગયા છે અને હવે ચીનની કોઇ પણ અણછાજતી હરકતનો તુરંત જવાબ મળે છે

લદ્દાખમાં સરહદ વિવાદને લઇને ઊભા થયેલા તણાવને ઘટાડવા માટે ભારત અને ચીન વચ્ચે લશ્કરી સ્તરની મંત્રણા ચાલી રહી છે. લદ્દાખના ગોગરા, હોટ સ્પ્રીંગ અને દેપસાંગ ક્ષેત્રમાં તંગદીલીને દૂર કરવા માટે બંને દેશો વચ્ચે સૈન્ય કમાન્ડર સ્તરની મંત્રણા ૯મી એપ્રિલે યોજાવાની શક્યતા છે. બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરની આ ૧૧મી મંત્રણા હશે. પેન્ગોંગ સરોવર ક્ષેત્રમાં ચીન સાથેના વિવાદના સમાધાન બાદ બંને દેશોની સેનાઓ ગોગરા પહાડો અને દેપસાંગ વિસ્તારમાં સૈનિકો ઘટાડવા માટે ચર્ચા કરી શકે છે. 

ગયા વર્ષે પૂર્વ લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ૨૦ જવાનો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોચી ગયો હતો. જોકે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને ચીની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વાંગ યી વચ્ચેના વાર્તાલાપ બાદ ચીને પીછેહઠ કરવાની તૈયારી બતાવી હતી. 

જોકે એ પછી પણ અનેક વખત પીછેહઠ કરવા પર સમજૂતિ થઇ હોવા છતાં ચીનની સેના પીછેહઠ કરવાનું નામ નહોતી લેતી. 

એક તરફ મંત્રણા ચાલુ હોવા છતાં ચીને પોતાની હઠ ન છોડી અને પેન્ગોંગ સરોવરના વિસ્તારમાં આઠ કિલોમીટર અંદર ઘૂસીને ભારતીય સૈનિક ચોકી ચારથી આઠ સુધી આપણા સૈનિકોના પેટ્રોલિંગમાં અવરોધ ઊભા કર્યા. બંને દેશો વચ્ચેની લશ્કરી અને રાજદ્વારી મંત્રણા દરમિયાન ચીન તણાવ ઘટાડવાની વાતો તો કરતું હતું પરંતુ દરેક વાતચીત બાદ વર્તમાન સ્થિતિને બદલવાનું નામ નહોતું લેતું અને દરેક વખતે કોઇક ને કોઇક બહાનુ કરીને પીછેહઠ કરવાનું ટાળ્યા જ કરતું હતું.

 અગાઉ પેન્ગોંગ ખાતેની ચોકી નંબર ચાર પાસેથી પોતાના સૈનિકો પાછા લેવા માટે તેણે એવી શરત મૂકી હતી કે ભારતે પણ નિયંત્રણ રેખાથી પોતાના સૈનિકો પાછા ખેંચવા પડશે. 

આ ચીનની દાદાગીરી જ હતી કારણ કે મે મહિના પછી ચીને અનેક ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરી હતી જેમાં અક્સાઇ ચીનની પાસે દેપસાંગ ક્ષેત્ર પણ સામેલ હતું. આ વિસ્તારમાં તો ચીની સેના નિયંત્રણ રેખાથી ૧૮ કિલોમીટર અંદર સુધી ઘૂસી ગઇ હતી.

જોકે ફેબુ્રઆરીમાં બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે અને સૈન્ય સ્તરે મંત્રણાઓ યોજાયા બાદ ભારત અને ચીન એપ્રિલ ૨૦૨૦ પહેલાની સ્થિતિને લાગુ કરવા માટે રાજી થયા હતાં.  પેન્ગોંગના ઉત્તર અને દક્ષિણ કિનારા અંગે બંને દેશોમાં સમજૂતિ થઇ અને એ પછી બંને દેશોની સેનાઓ પાછી હટવા લાગી. ચીને પેન્ગોંગ સરોવરની ફિંગર આઠ બાદ પોતાની સેના તૈનાત કરી છે. 

ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિલોમીટર જેટલી લાંબી સરહદ છે જોકે ચીનના દાવા અનુસાર તો બંને દેશો વચ્ચે માત્ર બે હજાર કિલોમીટર લાંબી સરહદ જ છે. બંને દેશો વચ્ચેની સરહદ ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે. પહેલો હિસ્સો છે ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર, તો બીજો હિસ્સો હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં છે અને ત્રીજો હિસ્સો પૂર્વમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્લેશિયર, બરફાચ્છાદિત પ્રદેશો, પહાડો અને નદીઓ છે જેના કારણે બંને દેશોમાં એવો ભ્રમ પેદા થઇ જાય છે કે તેમની સરહદનું ઉલ્લંઘન થયું છે. સડકોના નિર્માણ, ટેન્ટ બનાવવા કે પછી અન્ય સૈન્ય ગતિવિધિના કારણે આશંકાઓ વધ્યા કરે છે.

ચીનના સૈનિકો ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે એ પછી ચીન એવા ખુલાસા કરે છે કે તેના માણસો અજાણતા જ વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને ભારત તરફ આવી ગયા હતાં. પરંતુ ચીનની મથરાવટી જોતા તે ભૂલથી આમ કરતું હોય એ ગળે ઉતરે એવી વાત નથી. ચીનનો સરહદી ઉન્માદ સુનિયોજિત છે. તે કશું જ અજાણતા નથી કરતું. દોકલામમાં ઘૂસણખોરી કરવા પાછળ પણ ચીનની વ્યૂહાત્મક નીતિ કારણભૂત હતી. 

ભારતની ધીરજની કસોટી લેવી, વ્યૂહાત્મક જગ્યાએ પોતાનું સૈન્ય નિયંત્રણ સ્થાપિત કરવું અને ભારત-ભૂટાન વચ્ચેના સંબંધો ખરાબ કરવા જેવા એક કરતા વધારે ઉદ્દેશો સાથે ચીને દોકલામમાં પગપેસારો કર્યો હતો. પરંતુ ભારતીય સેનાની મક્કમતાના કારણે ચીનના તમામ મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું. 

ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. 

ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. બંને દેશોના પ્રતિનિધિઓ છેલ્લા છ દાયકામાં જુદાં જુદાં સ્તરે કુલ ૪૫ વખત મંત્રણાના ટેબલ પર આવી ચૂક્યાં છે તેમ છતાં સરહદી વિવાદ ઉકેલાયો નથી. 

લદ્દાખમાં ઘૂસણખોરી કરીને પણ ચીન ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા જ લઇ રહ્યું હતું. આ રીતે ચોરીછૂપીથી અન્ય દેશના પ્રદેશો ઉપર કબજો જમાવવાની વ્યૂહરચનાને સલામી સ્લાઇસિંગ કહેવામાં આવે છે. આ વ્યૂહરચનાનો પ્રયોગ કરવામાં ચીનને મહારથ હાંસલ છે અને માત્ર ભારતીય સરહદ જ નહીં, ચીની સમુદ્રમાં પણ તે આ જ વ્યૂહરચના હેઠળ અનેક પ્રદેશોને પોતાના કબજામાં લઇ રહ્યું છે. ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. 

હકીકતમાં ચીન વર્ષોથી સરહદ પર ભારે માળખાકીય વિકાસ કર્ચો છે અને ભારત પણ હવે એ માર્ગે છે. છેલ્લા ચાર વર્ષોમાં ભારતે લાઇન ઓફ એક્ચ્યુલઅલ કંટ્રોલ પર સડકો અને લેન્ડિંગ સ્ટ્રીપ બનાવવાનું કામ કર્યું છે જેના કારણે સૈનિકોને એલએસી પર પહોંચાડવા આસાન બની ગયા છે. હવે ચીનની કોઇ પણ અણછાજતી હરકતનો તુરંત જવાબ મળે છે. ચીન પેટ્રોલિંગ વધારે છે તો ભારત પણ તરત પોતાનું પેટ્રોલિંગ વધારી દે છે. એના કારણે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણના બનાવો વધી રહ્યાં છે. 

અગાઉ દોકલામ વખતે પણ ચીને ભારે આક્રમકતા દર્શાવી હતી પરંતુ ભારતે નમતું જોખ્યું નથી. દોકલામ વિવાદ ઉકેલાયા બાદ બંને દેશો વચ્ચે ગંભીર અથડામણ ન થવા દેવા અંગે સમાધાન થયું હતું પરંતુ ચીન ફરી વખત એવા જ આક્રમક તેવર દર્શાવવા લાગ્યું છે. 

હાલ ભલે ચીન પીછેહઠ કરવા તૈયાર થયું હોય પરંતુ પરંતુ ચીનની કથની અને કરણીમાં હંમેશા અંતર રહ્યું છે. હિન્દી ચીની ભાઇ ભાઇના નારા સાથે ભારતની પીઠમાં છરો ભોંકનાર ચીન ઉપર જરાય વિશ્વાસ કરી શકાય એમ નથી. છેક ૧૯૬૨થી ચીન નવા નવા પેંતરા અજમાવીને ભારત સાથે દગાબાજી કરતું આવ્યું છે. 

ભારતના બહાદુર જવાનો ચીનના મનોબળને તોડતા રહ્યાં છે અને વારંવાર તેને પાછું ધકેલતા રહ્યાં છે.

 ચીન તિબેટ સાથે ૧૯૧૪માં બ્રિટીશ હિંદની સમજૂતિને માનવાનો પણ ઇન્કાર કરતું આવ્યું છે. ચીનની દલીલ છે કે તિબેટ તેનો હિસ્સો છે એટલે તેને બ્રિટીશ હિંદ સાથે સમજૂતિ કરવાનો કોઇ અધિકાર જ નહોતો.

ભારત અને ચીન વચ્ચે વિવાદનું બીજું કારણ છે અક્સાઇ ચીન જેના પર ચીને ૧૯૬૨માં કબજો કરી લીધો હતો. પરંતુ ભારત આ વિસ્તાર પર પોતાનો દાવો છોડવા તૈયાર નથી. ત્ર્વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને બંને દેશો વચ્ચે અસમંજસની સ્થિતિ છે. 

આવું એટલા માટે કે હિમાલયન ક્ષેત્ર હોવાના કારણે સરહદસંબંધી સમજૂતિના અભાવના કારણે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્પષ્ટ સ્થિતિ બની ન શકી એટલા માટે ભારત અને ચીનના સૈનિકો અવારનવાર ઘર્ષણમાં આવી જાય છે. અત્યારે ભલે ચીને પીછેહઠ કરવા તૈયાર થયું હોય પરંતુ તેની મેલી મથરાવટી જોતાં ભવિષ્યમાં તે અટકચાળા કરવાનું નહીં ચૂકે એ પણ નક્કી છે.

Gujarat