Get The App

પુત્ર હંટરની અય્યાશી-લેપટોપ બાઈડનને ડૂબાડી દેશે ?

Updated: Dec 6th, 2022

GS TEAM

Google News
Google News
પુત્ર હંટરની અય્યાશી-લેપટોપ બાઈડનને ડૂબાડી દેશે ? 1 - image


- હંટર 53 વર્ષનો છે અને બાઇડનનો બીજા નંબરનો પુત્ર છે : બાઇડને પહેલા લગ્ન નીલા હંટર સાથે કર્યા હતા તેનો આ પુત્ર છે

- બાઈડન માટે પહેલાં પતી ગયેલી આફત પાછી આવી છે કેમ કે હંટરના લેપટોપનું ભૂત પાછું ધૂણ્યું છે. મીડિયાએ ફરી ખણખોદ શરૂ કરી છે. મીડિયાએ હંટરના લેપટોપની ફોરેન્સિક તપાસ કરાવેલી તેમાં લેપટોપ હંટરનું જ હોવાનું સાબિત નહોતું થયું પણ મીડિયાએ આ વિગતોના આધારે ખણખોદ શરૂ કરી છે. તેના કારણે બાઈડનના દીકરાના કબાટમાં છૂપાવેલાં ઘણાં હાડપિંજર બહાર આવી શકે છે.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન સામે હારી ગયેલા ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હાર પચી નથી તેથી સમયાંતરે છમકલાં કર્યા કરે છે. ટ્રમ્પે ૨૦૨૪માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેવાનું પણ એલાન કર્યું છે. આ ઉદ્દેશથી ટ્રમ્પ વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઈડન સામે પણ પ્રહારો કર્યા કરે છે ને કંઈક ને કંઈક બકવાસ કર્યા કરે છે. ટ્રમ્પનો આ બકવાસ રાજકીય હોવાથી કોઈ તેને ગંભીરતાથી લેતું નહોતું પણ સોમવારે ટ્રમ્પે બધી મર્યાદા વટાવીને જાહેર કરી દીધું કે, અમેરિકાના બંધારણને જ રદ કરી દેવાની જરૂર છે. 

ટ્રમ્પનો દાવો છે કે, ૨૦૨૦માં થયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી બહુ મોટી છેતરપિંડી એટલે કે મેસિવ ફ્રોડ હતી. આપણા રાષ્ટ્રના સ્થાપકોએ આવી જૂઠી અને ઠેતરપિંડી કરીને કરાયેલી ચૂંટણીને કદી માન્ય ના રાખી હોત. આ મહાઠગાઈને જોતાં તમામ નીતિનિયમો અને બંધારણની તમામ કલમોને પણ નાબૂદ કરી દેવી જોઈએ. ટ્રમ્પે એવો આક્ષેપ પણ કર્યો છે કે, મોટી ટેકનોલોજી કંપનીઓ બાઈડનની ડેમોક્રેટિક પાર્ટી સાથે સાંઠગાંઠ કરીને કામ કરી રહી છે.

ટ્રમ્પના આ નિવેદનને કારણે અમેરિકામાં તેમના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. બાઈડને કહ્યું છે કે, આ પ્રકારની વાતો દર્શાવે છે કે, ટ્રમ્પના મગજનું ઠેકાણું નથી રહ્યું. વ્હાઈટ હાઉસે પણ ટ્રમ્પના નિવેદનની ઝાટકણી કાઢી છે. સામે ટ્રમ્પના સમર્થકો પણ તૂટી પડયા છે તેથી અમેરિકામાં ઘમાસાણ મચ્યું છે. આ ઘમાસાણની સાથે જ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પહેલાં પ્રકાશમાં આવેલા જો બાઈડનના પુત્ર હંટર બાઈડનના લેપટોપનો મુદ્દો પણ ચગ્યો છે. વાસ્તવમા ટ્રમ્પે હંટર બાઈડનના લેપટોપ અંગેની સ્ટોરીની વિગતો બહાર આવી તેના કારણે જ બંધારણને નાબૂદ કરી દેવાનો બળાપો કાઢયો છે. 

ભારતમાં હંટરના લેપટોપની સ્ટોરી બધાંને ખબર નથી તેથી પહેલાં તેની વિગતો જાણવી જરૂરી છે. હંટર ૫૩ વર્ષનો છે અને બાઈડનનો બીજા નંબરનો પુત્ર છે. બાઈડને પહેલા લગ્ન નીલા હંટર સાથે કરેલાં ને આ લગ્નથી હંટરનો જન્મ થયેલો. અમેરિકામાં સત્તાવાર રીતે લોબિઈંગને માન્યતા મળેલી છે. હંટર લોબિઈંગનું કામ પણ કરે છે ને તેના કારણે ભૂતકાળમાં ઘણા વિવાદમાં ફસાયેલો છે. 

હંટરના લેપટોપનો વિવાદ પ્રમુખપદની ચૂંટણી પહેલાં આવેલો. હંટરનું લેપટોપ બગડેલું તેથી તેણે રીપેર કરવા માટે આપેલું. રીપેર કરનારને હંટરના લેપટોપમાંથી એવી જોરદાર સ્ફોટક વાતો મળેલી કે જે બહાર આવે તો બાઈડન હારી જ જાય એવું હતું. હંટર યુક્રેનની શસ્ત્રો સાથે સંકળાયેલી કંપની માટે કામ કરતો હતો. આ કંપની વતી તેણે ઘણાં કૌભાંડો કરેલાં. હંટરની કંપનીએ ૧.૧૦ કરોડ ડોલરની કટકી ખાધેલી તેના ઈ-મેલ સહિતની વિગતો તેમાં હતી. 

આ ઉપરાંત હંટરની અય્યાશ જીંદગીની સ્ફોટક વિગતો, તસવીરો, ફોટોગ્રાફ વગેરે પણ હતું. હંટર હાઈ-ફાઈ લાઈફ જીવે છે. દુનિયાની મોટી કંપનીઓના લોબિઈસ્ટ તરીકે કામ કરે છે. આ કંપનીઓ તેને રૂપકડી ગર્લ્સની એસ્કોર્ટ્સ પૂરી પાડે છે. હંટરની તેમની સાથેની અય્યાશીનો કચ્ચો ચિઠ્ઠો લેપટોપમાં હતો. આ સિવાય બીજી કંપનીઓ માટે કરેલાં વાંધાજનક અને ગેરકાદેસર કામોની વિગતો પણ હતી. 

હંટરનું લેપટોપ જેની પાસે ગયેલું તેણે ગમે તે રીતે આ સ્ફોટક વિગતો ટ્રમ્પના વકીલ રૂડી ગુલિયાની સુધી પહોંચાડી હતી. ગુલિયાનીએ ન્યુ યોર્ક પોસ્ટને આ માહિતી આપેલી પણ ત્યા સુધીમાં બાઈડનની ટીમને ખતરાની ગંધ આવી જતાં બાઈડનની ટીમે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું.  આ ડેમેજ કંટ્રોલમાં બે ભારતીય મૂળની વ્યક્તિઓએ બાઈડનને મદદ કરેલી. એક ડેમોક્રેેટિક સેનેટર રો ખન્ના અને ટ્વિટરનાં લીગલ હેડ વિજયા ગડ્ડેએ હંટરની લેપટોપ સ્ટોરીને દબાવી દીધી હતી. વિજયા અને ખન્નાએ એવો દાવો કરેલો કે, ટ્રમ્પને જીતાડવા માટે વિદેશી તાકાતોએ આ વાતો ફેલાવી છે. મીડિયા આ વાતો છાપશે તો વિદેશી પરિબળોનો હાથો બની જશે. મીડિયાને આ વાતો નહીં છાપવા માટે બીજી રીતે પણ મદદ કરાઈ હતી ને તેના કારણે આખી વાત દબાઈ ગઈ. 

હંટરનો મુદ્દો દબાવવા માટે બાઈડનની ટીમે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ધમકી આપી હોવાનો મુદ્દો ઉભો કરી દીધેલો. બાઈડને આક્ષેપ કરેલો કે, ટ્રમ્પે ઝેલેન્સ્કી પર બાઇડન અને તેમના પુત્ર વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું દબાણ કર્યું હતું. ઝેલેસ્કી આ વાત ના માને તો  યુક્રેનને મળતી લશ્કરી મદદ રોકવાની ધમકી આપી હતી. 

આ મુદ્દે ટ્રમ્પે માન્યું કે તેમણે ઝેલેસ્કી સાથે જો બાઇડન અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પે એવો દાવો કરેલો કે, માત્ર અમેરિકા જ યુક્રેનને મદદ કર્યા કરે છે એ તેમને પસંદ નહોતું. નાટોના યુરોપીયન સભ્યો  પણ મદદ માટે આગળ આવે એટલે તેમણે લશ્કરી મદદ રોકવાની ધમકી આપી હતી. આ મુદ્દો ચગતાં ટ્રમ્પ બચાવાત્મક સ્થિતીમાં આવી ગયેલા ને હંટરનો મુદ્દો ચગાવી શક્યા નહોતા. 

આ મુદ્દો ચગાવ્યો હોત તો બાઈડનની આબરૂનો ધજાગરો થઈ ગયો હોત પણ ટ્ર્રમ્પ ડરી ગયા તેથી  મુદ્દાને છોડી દીધેલો. તેનો લાભ બાઈડનને મળ્યો. અણી ચૂક્યો સો વર્ષ જીવે એ હિસાબે બાઈડન માત્ર બચી જ ના ગયા પણ ચૂંટણ જીતી પણ ગયા. ટ્રમ્પને અત્યારે એ વાતનો અફસોસ થતો હશે તેથી તેમણે બળાપો કાઢવા માંડયો છે. 

જો કે બાઈડન માટે પહેલાં પતી ગયેલી આફત પાછી આવી છે કેમ કે હંટરના લેપટોપનું ભૂત પાછું ધૂણ્યું છે. મીડિયાએ ફરી ખણખોદ શરૂ કરી છે. મીડિયાએ હંટરના લેપટોપની ફોરેન્સિક તપાસ કરાવેલી તેમાં લેપટોપ હંટરનું જ હોવાનું સાબિત નહોતું થયું પણ મીડિયાએ આ વિગતોના આધારે ખણખોદ શરૂ કરી છે. તેના કારણે બાઈડનના દીકરાના કબાટમાં છૂપાવેલાં ઘણાં હાડપિંજર બહાર આવી શકે છે. અમેરિકાના પ્રમુખપદની ૨૦૨૦ની ચૂંટણીમાં હંટરના લેપટોપનો મુદ્દો નહોતો ચગ્યો પણ ૨૦૨૪ની ચૂંટણીમાં આ મુદ્દો ચગી શકે ને બાઈડનને ડૂબાડી શકે. 

બાઈડન અત્યાર સુધી મજબૂત નેતા સાબિત થયા છે. તાજેતરમા યોજાયેલી અમેરિકાના સાંસદનાં બંને ગૃહોની ચૂંટણીમાં તેમની પાર્ટી સાવ ધોવાઈ જશે એવું મનાતું હતું પણ બાઈડને આ માન્યતાને ખોટી પાડી. બાઈડનની પાર્ટીને સેનેટમા તો બહુમતી મળી છે તેથી રાજકીય રીતે અત્યારે બાઈડન મજબૂત સ્થિતીમાં છે જ પણ હંટરના લેપટોપની વિગતો બહાર આવવા માંડે તો બાઈડનની હાલત બગડી શકે. 

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રેસિડેન્ડ બનવા મરણિયા બન્યા છે.  ટ્રમ્પ પાસે નણાંની કમી નથી એ જોતાં એ બાઈડનને હરાવવા ગમે તે કરી છૂટશે. પ્રમુખપદની ચૂંટણીને હજુ પૂરાં બે વર્ષની વાર છે એ જોતાં ટ્રમ્પ પાસે હંટરના લેપટોપમાં શું હતું તેની વાતો બહાર પાડવા માટે પૂરતો સમય પણ છે.

ટ્રમ્પ ઈમ્પીચમેન્ટ મોશનમાંથી માંડ માંડ બચેલા

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણીમાં કારમી હાર પછી અમેરિકાની સંસદમાં પોતાના સમર્થકોને ઘૂસાડીને તોફાન કરાવેલાં. ડોનાલ્ડ ટ્રમ્પની આ હરકતને કારણે આખી દુનિયામાં થૂ થૂ થઈ ગયેલું. આ હરકત બદલ ટ્રમ્પ સામે અમેરિકાની સંસદમા ઈમ્પીચમેન્ટ મોશન લવાઈ હતી. ટ્રમ્પના સમર્થકોએ સંસદમાં ઘૂસીને તોફાન કર્યાં ત્યારે ટ્રમ્પ પ્રમુખપદે હતા જ. 

આ હરકત બદલ મુદત પતે એ પહેલાં ટ્રમ્પને પ્રમુખપદેથી સત્તાવાર રીતે તગેડી મૂકવા માટે ઈમ્પીચમેન્ટ મોશન લવાઈ હતી. ઈમ્પીચમેન્ટ મોશન લવાઈ ત્યારે ટ્રમ્પ પ્રમુખુપદેથી હટી ગયેલા પણ આ મુદ્દો બંધારણીય સર્વોપરિતા અને લોકશાહીના જતનનો હતો તેથી ઈમ્પીચમેન્ટ મોશન લવાઈ હતી. અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટમાં બે તૃતિયાંશ બહુમતીથી ઈમ્પીચમેન્ટ અંગેની દરખાસ્ત પસાર થાય તો નીટલા ગૃહ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં આ દરખાસ્ત પર મતદાન થાય. 

ટ્રમ્પના સદનસીબે ૧૦૦ સભ્યોની સેનેટમાં દરખાસ્તની તરફેણમાં ૫૭ અને વિરૂધ્ધમાં ૪૩ મત પડતાં આ દરખાસ્ત ઉડી ગઈ. ઈમ્પીચમેન્ટ મોશન લાવવાનો મત ધરાવતા સેનેટર્સનો  પનો ૧૦ મત માટે ટૂંકો પડતાં ટ્રમ્પ બચી ગયા પણ આ મતદાને સાબિત કરેલું કે, ટ્રમ્પની હરકત તેમના પક્ષના સેનેટર્સને પણ પસંદ નહોતી આવી. ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીના સાત સેનેટરે ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવવાની દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું. 

ટ્રમ્પ અત્યારે બંધારણને નાબૂદ કરી દેવાની વાત કરે છે ત્યારે ભૂલી જાય છે કે, આ બંધારણના કારણે જ એ સાવ બેઆબરૂ થતાં બચી ગયા હતા.

Tags :