પુતિનની મોંગોલિયામાં ધરપકડ કરાવવાની આઈસીસીની તાકાત નથી

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
પુતિનની મોંગોલિયામાં ધરપકડ કરાવવાની આઈસીસીની તાકાત નથી 1 - image


- પુતિનનું બગાડવાની વાત તો છોડો, પણ પુતિન આખી દુનિયાને ધોઈને પી ગયા છે, ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવા છતાંય પુતિન કોઈને મચક આપતા નથી

- આઈસીસી પાસે કોઈ સત્તા જ નથી. પુતિનને તો હાથ અડાડવાની પણ તેની તાકાત નથી પણ મોંગોલિયાને પણ એ કશું કરી શકે તેમ નથી. ૩૫ લાખની વસતી ધરાવતા મોંગોલિયાની ઈકોનોમી અમેરિકા કે દુનિયાના બીજા કોઈ દેશ પર નિર્ભર નથી. ખેતી અને પશુપાલન પર નભતા મોંગોલિયાની દુનિયામાં એકદમ ગરમ ઉનનું ઉત્પાદક છે. દુનિયામાં બનતા ઉનમાંથી પાંચમા ભાગનું ઉન મોંગોલિયામાં પેદા થાય છે. યુરોપ અને અમેરિકા સહિતના દેશોને તેની જરૂર હોય છે તેથી તેના પર કોઈ મોટા પ્રતિબંધો મૂકી શકાય તેમ નથી.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ૩ સપ્ટેમ્બરે મોંગોલિયા જવાના છે ત્યારે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ પુતિન સામે બહાર પાડેલું વોરંટ ચર્ચામાં છે. ૧૯૩૯માં બીજા વિશ્વયુધ્ધ વખતે સોવિયેત યુનિયન અને મોંગોલિયાના લશ્કરે ભેગા મળીને જાપાને હરાવેલું. ૩ સપ્ટેમ્બરે આ જીતને ૮૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તેથી મોંગોલિયના પ્રમુખ ઉખ્ના ખુરેલસુખે મોંગાલિયાની રાજધાની ઉલાન બાટોરમા જલસો રાખ્યો છે. પુતિન આ જલસામાં ભાગ લેવા મોંગોલિયા જઈ રહ્યા છે.

આઈસીસીએ મોંગાલિયાને પુતિન તેમના દેશમાં આવે તો પકડીને જેલભેગા કરવા કહ્યું છે. આઈસીસીએ કહ્યું છે કે, પુતિન મોંગોલિયા જાય પછી તેમની ધરપકડ કરવાની જવાબદારી મોંગોલિયાના અધિકારીઓની છે. મોંગોલિયા પુતિનની ધરપકડ ના કરે તો આકરાં પગલાં માટે તેણે તૈયાર રહેવું પડશે. 

આઈસીસીએ ૨૦૨૩ના માર્ચમાં પુતિન સામે એરેસ્ટ વોરંટ બહાર પાડેલું. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું  પછી રશિયન લશ્કરે યુક્રેનના નાગરિકો પર કરેલા અત્યાચારો માટે પુતિનને અપરાધી ગણાવીને આ વોરંટ બહાર પડાયું છે. યુનાઈટેડ નેશન્સે પોતાના દ્વારા કરાયેલી તપાસમાં રશિયાના લશ્કરે યુક્રેનમાં તેના કબજા હેઠળના વિસ્તારોમાં અત્યાચારો ગુજાર્યા હોવાના આરોપો સાચા નિકળ્યા હોવાનો દાવો કર્યો પછી આઈસીસીએ આ ધરપકડ વોરંટ બહાર પાડયું હતું. 

પુતિનની સાથે સાથે રશિયન સરકારની બાળકોના અધિકાર માટે કામ કરતી સંસ્થાનાં પ્રમુખ મારીયા એલેક્સેયેવના લોવા-બેલોવા સામે પણ ધરપકડ વોરંટ બહાર પડાયું છે. આઈસીસીના આરોપ પ્રમાણે, રશિયન લશ્કરે ગુજારેલા તમામ યુધ્ધ અપરાધો (વોર ક્રાઈમ્સ) માટે પુતિન જવાબદાર હોવાથી તેમની ધરપકડ કરીને આઈસીસી કેસ ચલાવશે. મારીયાએ પુતિનના માનવાધિકાર વિરોધી અને ગેરકાયદેસર કૃત્યમાં સાથ આપ્યો હોવાથી મારીયા પણ અપરાધી છે તેથી તેની સામે પણ કેસ ચલાવીને તેના અપરાધોની સજા અપાશે.

નેધરલેન્ડ્સના હેગમાં હેડક્વાર્ટર ધરાવતી આઈસીસીના આરોપનામા પ્રમાણે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી હજારો બાળકોને યુક્રેનથી રશિયા મોકલી દીધાં છે. આ બાળકોનાં અપહરણો અપરાધ મારીયાની દેખરેખમાં કરાયો છે. મારીયાએ કાવતરું ઘડેલું ને તેની દેખરેખમાં બાળકોને બળજબરીથી રશિયા મોકલીને દત્તક આપી દેવાનું નાટક કરાયું છે.

મારીયાએ પોતે યુક્રેનથી બાળકો મોકલ્યાંના ઈન્કાર નહોતો કર્યો પણ તેનું યુધ્ધમાં ફસાયેલા પ્રદેશમાંથી બાળકોને બહાર કાઢીને પોતે બાળકોનું ભલું કર્યું છે એવો દાવો કરેલો. મારીયાનું કહેવું હતું, રશિયા મોકલીને આ બાળકોને સારા અને સલામત વાતાવરણમાં મોકલીને બહેતર ભવિષ્ય આપ્યું છે. યુધ્ધને કારણે સતત ફફડતા જીવે રહેતાં બાળકોને સારાં લોકોની વચ્ચે મોકલ્યાં છે.

રશિયાએ સત્તાવાર રીતે આ વોરંટ સામે આક્રમક પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. રશિયાએ સત્તાવાર રીતે કહેલું કે, આઈસીસીના આ ધરપકડ વોરંટનો અર્થ નથી કેમ કે રશિયા ૨૦૧૬થી આઈસીસીને માન્યતા આપતી રોમ સંધિનો ભાગ નથી. જો કે પુતિનના ખાસ ગણાતા અને રશિયાના પ્રમુખ રહી ચૂકેલા દમિત્રી મેડવેવે તો કહી દીધેલું કે, આ ધરપકડ વોરંટની કિંમત ટોઈલેટ પેપરથી વધારે કંઈ નથી. મેડવેવ પુતિનનાં આંખ-કાન બધું ગણાય છે એ જોતાં તેમની વાત પુતિનની વાત જ ગણાતી હતી. પુતિને એક, બે ને ત્રણ કરીને વોરંટને કચરાટોપલીને લાયક ગણ્યું છે એ સ્પષ્ટ હતું. 

પુતિન અત્યારે આઈસીસીના સભ્ય એવા મોંગોલિયા જઈ રહ્યા છે તેનું કારણ પણ એ જ છે કે, આ વોરંટની પુતિનની કંઈ પડી જ નથી. 

પુતિનને એવું જ લાગે છે કે, પુતિનની ધરપકડની વાત તો છોડો પણ આઈસીસી તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી.  

પુતિનની આ માન્યતા ખોટી પણ નથી કેમ કે આઈસીસી પાસે કોઈ સત્તા જ નથી. પુતિનને તો હાથ અડાડવાની પણ તેની તાકાત નથી પણ મોંગોલિયાને પણ એ કશું કરી શકે કેમ નથી. ૩૫ લાખની વસતી ધરાવતા મોંગોલિયાની ઈકોનોમી અમેરિકા કે દુનિયાના બીજા કોઈ દેશ પર નિર્ભર નથી. ખેતી અને પશુપાલન પર નભતા મોંગોલિયાની દુનિયામાં એકદમ ગરમ ઉનનું ઉત્પાદક છે. દુનિયામાં બનતા ઉનમાંથી પાંચમા ભાગનું ઉન મોંગોલિયામાં પેદા થાય છે. યુરોપ અને અમેરિકા સહિતના દેશોને તેની જરૂર હોય છે તથી તેના પર કોઈ મોટા પ્રતિબંધો મૂકી શકાય તેમ નથી. 

આઈસીસીએ પોતાનું અસ્તિત્વ છે એ બતાવવા ભલે મોંગોલિયાની પુતિનની ધરપકડ કરવાની દાટી આપી પણ આઈસીસીને પણ ખબર છે કે પુતિનનું કશું બગાડી શકાય તેમ નથી. પુતિનનું બગાડવાની વાત તો છોડો પણ પુતિનને મોંગોલિયા જતાં પણ નહીં રોકી શકે. પુતિન આખી દુનિયાને ઘોળીને પી ગયા છે.  યુક્રેન પર આક્રમણને પગલે રશિયા પર અમેરિકા સહિતના દેશોએ જાત જાતના પ્રતિબંધ મૂક્યા છે. રશિયાનું નાક દબાવવા માટે તેના ક્રૂડ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું એલાન પણ કર્યું પણ પુતિન મચક આપતા નથી ત્યારે નહોર વિનાના વાઘ જેવી આઈસીસીના ફરફરિયાથી પુતિન ડરી જાય એ વાતમાં માલ નથી. યુક્રેન યુધ્ધના મામલે કોઈને ગણકારતા નથી અને મનમાની કરે છે ત્યારે આઈસીસીના ધરપકડ વોરંટને કારણ ડરીને મોંગોલિયા ના જાય એવી આશા રાખવી જ મૂર્ખામી છે. 

બીજું એ કે આઈસીસી પાસે આ વોરંટની બજવણી કરવાની સત્તા કે તાકાત જ નથી. 

આઈસીસીના સભ્ય હોય એવા દેશોમાં કોઈની ધરપકડ કરતાં આઈસીસીને ફીણ પડી જાય છે ત્યારે પુતિનના પગમાં આળોટતા મોંગોલિયા જઈને  વોરંટ બજાવવાની તો કલ્પના જ ના થાય.

પુતિન પહેલી વાર આઈસીસીના  સભ્ય દેશની મુલાકાતે

પુતિન સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે વોરંટ બહાર પાડયું પછી પુતિન પહેલી વાર કોઈ સભ્ય દેશની આ  મુલાકાતે જવાના છે. 

ગયા વર્ષે  ૧૭ માર્ચે આઈસીસીએ  વોરંટ બહાર પાડયું પછી પુતિન ૧૧ દેશોની મુલાકાતે ગયા છે પણ તેમાંથી કોઈ દેશ આઈસીસીનો સભ્ય દેશ નથી. પુતિન અત્યાર લગી ચીન, ઉત્તર કોરિયા, સાઉદી અરેબિયા અને યુએઈ સહિતન દેશોના પ્રવાસે ગયા છે પણ અત્યાર સુધી તેમણે આઈસીસીના સભ્ય કોઈ પણ દેશમાં જવાનું ટાળ્યું છે. આઈસીસીના સભ્ય દેશ દ્વારા આઈસીસીના વોરંટનો અમલ ના કરાય તો આઈસીસી સાથે સંકળાયેલા દેશો તેના પર આર્થિક પ્રતિબંધો લાદી શકે છે.

દુનિયાના દેશોએ ભેગા મળીને બનાવેલી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) નેધરલેન્ડસના હેગમાં બેસે છે. ૧૯૯૮માં બનેલી આ કોર્ટને દુનિયાના ૧૨૪ દેશો દ્વારા માન્યતા અપાઈ છે. બે દેશો વચ્ચેના વિવાદો ઉકેલવા યુનાઈટેડ નેશન્સ દ્વારા સ્થપાયેલી ઈન્ટરનેશલ કોર્ટ એફ જસ્ટિસ અને ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ અલગ અલગ છે.  આઈસીસી રોમ કરાર હેઠળ કામ કરે છે. ભારત આઈસીસીનું સભ્ય નહીં હોવાથી ભારતમાં આઈસીસીની સત્તા નથી ચાલતી. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પણ આઈસીસીના સભ્ય નથી તેથી ત્યાં પણ આઈસીસીની સત્તા ચાલતી નથી. યુકે સહિતના યુરોપના દેશો આઈસીસીના સભ્ય છે.

આઈસીસી દ્વારા માનવતા વિરૂધ્ધના અત્યાચારો, જીનોસાઈડ એટલે કે કોઈ સમાજનું નિકંદન કાઢી નાંખવા કરાતા હત્યાકાંડ, યુધ્ધ સમયના અપરાધો, આક્રમણ વગેરે અપરાધો કેસ કરાય છે. કોઈ પણ દેશના વડાઓ કે ઉચ્ચ અધિકારીઓ સામે કેસ ચલવાતી દુનિયાની એક માત્ર કોર્ટ છે. આ કોર્ટ મોટી કંપનીઓ તથા સંગઠનો સામે પણ કેસ ચલાવી શકે છે.

પુતિનની ગર્લફ્રેન્ડ મનાતી મારીયા સામે પણ આઈસીસીનું એરેસ્ટ વોરંટ

પુતિનની સાથે સાથે આઈસીસીએ મારીયા એલેક્સેયેવના લોવા-બેલોવા સામે પણ ધરપકડનું વોરંટ બહાર પાડયું હતું. માત્ર ૩૯ વર્ષની મારીયા રશિયાની બાળકોના અધિકારો માટેની સંસ્થાની  પ્રેસિડેન્શિયલ કમિશનર છે. મૂળ મ્યુઝિશિયન મારીયાએ મ્યુઝિકમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મારીયાએ કારકિર્દીની શરૂઆત બાળકોની સ્કૂલમાં ગિટાર ટીચર તરીકે શરૂ કરી હતી.  મ્યુઝિશિયન્સ તરીકે મારીયા જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. આવા  કાર્યક્રમમાં  વ્લાદિમિર પુતિનની તેના પર નજર પડતાં મારીયાના દિવસો ફરી ગયા. મારીયાને પુતિને પોતાની પાર્ટીની સભ્ય બનાવી. 

મારીયા નિયમિત રીતે પુતિનના કાર્યક્રમોમાં હાજરી આપતી તેથી પુતિન સાથે નિકટતા સ્થપાઈ અને બંને વચ્ચે સંબંધો બંધાવા હોવાનું કહેવાય છે. પુતિનની પાર્ટી યુનાઈટેડ રશિયા પાર્ટીમાં મારીયા ઝડપથી આગળ આવી તેનું કારણ પુતિન સાથેના ગાઢ સંબંધો છે. પુતિને મારીયાનેસેનેટર બનાવી પછી પ્રેસિડેન્શિયલ કમિશનર બનાવી દીધી. 

રશિયન ઓર્થોડોક્સ ચર્ચના પાદરી પાવેલ કોગેલમેન સાથે મારીયાએ નલગ્ન કર્યાં છે. કોમ્પ્યુટર પ્રોગ્રામરમાંથી  પાદરી બનેલા પાવેલે ૨૦૦૩માં મારીયા સાથે લગ્ન કર્યાં હતાં.  આ લગ્નથી મારીયાને પાંચ સંતાનો થયાં છે. આ ઉપરાંત મારીયા-પોવેલે ૧૮ બાળકોને દત્તક પણ લીધાં છે.

News-Focus

Google NewsGoogle News