ભારતમાં બનેલી ગણપતિની સૌથી પ્રાચીન મૂર્તિ મહારાષ્ટ્રના ઈનામગાંવ ખાતેથી મળી આવી છે
યજ્ઞા કરવાની પરંપરા પણ એ જ યુગમાં શરૂ થઈ
પ્રાચીન ઈતિહાસનું વાંચન માનવ જાતના ક્રમિક વિકાસની સમજ આપે છે. અત્રે ભારતમાં માનવતા કઈ રીતે શૂન્યમાંથી સર્જન પામી તે જણાવવાનો ઉદ્દેશ છે. તામ્ર-પાષાણ યુગ અને હડપ્પન સંસ્કૃતિમાં તફાવત એટલો કે પહેલામાં તાંબાનો ઉપયોગ થતો હતો જ્યારે બીજામાં તાંબા અને કલાઈની મિશ્રધાતુ કાંસાનો ઉપયોગ થવા લાગ્યો. એટલે જ હડપ્પન સંસ્કૃતિને બ્રોન્ઝ એઇજ સિવિલાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં સુધી જતા પહેલા હજુ ઘણી બધી વાત કરવાની બાકી છે.
તામ્ર-પાષાણ યુગમાં પથ્થર અને તાંબા બંનેનો ઉપયોગ કરીને તો સાધનો બનાવવામાં આવતા જ હતાં, પરંતુ હાથ કુહાડી તથા બીજા કેટલાક એવાં સાધનો હતાં જે માત્ર તાંબામાંથી બનાવાતાં. તામ્ર-પાષાણ યુગમાં મધ્ય ભારત અને મેહરગઢ (હાલ પાકિસ્તાનમાં છે)ના નિવાસીઓને ઈરાન અને અફઘાનિસ્તાન સાથે સંબંધો હતા. તામ્ર-પાષાણ યુગ કેટલેક ઠેકાણે ઈ.પૂ.૭૦૦ સુધી અને કેટલાક સ્થળોએ ઈ.પૂ.૧૨૦૦ સુધી ચાલેલો. દરમિયાન લોખંડની શોધ થઈ. લોઢાના વપરાશે ઇ.પૂ. ૮૦૦ સુધીમાં માનવ સંસ્કૃતિ અને માનવ પ્રગતિમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું.
તામ્ર-પાષાણ યુગના લોકો પીળા અને લાલ રંગના વાસણોનો ઉપયોગ કરતા હતા. પૈડું બનાવાતું અને તેના પર સફેદ રંગથી ડીઝાઈન કરાતી. તેઓ શેકેલી ઈંટથી પરિચિત નહોતા. છાપરાંવાળા મકાનમાં રહેતા હતા. અર્થતંત્ર ગ્રામીણ હતું. લોકો દેવી અને આખલાની પૂજા કરતા.
તામ્ર-પાષાણ યુગની સાઇટ્સ રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં આવેલી છે. રાજસ્થાનની તામ્ર-પાષાણ યુગીન સંસ્કૃતિ બનાસ સંસ્કૃતિ અથવા અહર સંસ્કૃતિ તરીકે સુખ્યાત છે. નાગદા, કયથા, નાવદાટોલી અને એરન ખાતે જમીન પર ગાર માટીનું લીપણ કરવામાં આવતું. આપણે હમણા સુધી ગામડાંમાં જમીન પર ગાર માટીનું લીપણ થતું જોયું છે. હવે ભાગ્યે જ ક્યાંય થતું હશે.
એમપીમાં માળવાના લોકો જાડા કાપડનાં વસ્ત્રો પહેરતાં. માથે પીળા રંગનું પોલિશ થતું. તેની ઉપર લાલ અથવા કાળા રંગની ડીઝાઈન થતી. તેની સામે રંગપુરના લોકોનાં વસ્ત્રો હડપ્પન સંસ્કૃતિના લોકોનાં વસ્ત્રોથી પ્રભાવિત હતાં. તેની સપાટી એકદમ લીસી રહેતી. અહીંના લોકો ચમકદાર લાલ વસ્ત્રો પહેરનારા તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રની જોર્વે સંસ્કૃતિના લોકો બરછટ વસ્ત્રો પહેરતા. તેમાં લાલ રંગ પર કાળા રંગની ભાત પાડવામાં આવતી.
કાયથા સંસ્કૃતિના મકાનો નાનાં રહેતાં. જ્યારે અહર સંસ્કૃતિના મકાનો મોટાં. મકાન બાંધવા ગારાની ઇંટનો ઉપયોગ થતો. ઉત્ખનન દરમિયાન જાણવા મળ્યું છે કે તામ્ર-પાષાણ યુગમાં (જમ્મુ-કાશ્મીર)બાલતાલની વસાહતો સૌથી સારી કિલ્લેબંધી ધરાવતી હતી. મધ્ય પ્રદેશની માળવા સંસ્કૃતિ નર્મદા અને તેની આસપાસની પેટાનદીઓના કિનારે વિકસી હતી. નાગદા સાઇટ ખાતે ગારાની ઈંટથી બાંધેલો કિલ્લો પણ મળી આવ્યો છે. રંગપુર સાઇટ સૌરાષ્ટ્રની ઘેલો અને કાળુભાર નદીના કિનારે આવેલી છે.
મહારાષ્ટ્રમાં આવેલી પ્રકાશ, દૈમાબાદ અને ઇનામગાંવ પણ તામ્ર-પાષાણ યુગની પ્રખ્યાત સાઇટ્સ છે. તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિનું એક ગામડું હોય તો તેની સાઇઝ કેવડી રહેતી? થોડા હેક્ટર જેટલી જ. દાખલા તરીકે એ જમાનાનું સૌથી મોટું ગમાડું દઈમાબાદ હતું તેનું કદ ૨૦ હેક્ટર હતું. મહાપાષાણ યુગ આવ્યો ત્યારથી તમામ સંસ્કૃતિઓ એકબીજા સાથે આદાન-પ્રદાન કરતી હતી.
તામ્ર-પાષાણ યુગમાં માટી, વાંસ અને ડાળખામાંથી લંબચોરસ અને ગોળાકાર મકાન બાંધવામાં આવતાં હતાં. ગોળાકાર આવાસો સમૂહમાં બાંધવામાં આવતાં. ગૂંદેલી માટીનું ભોંયતળિયું બનાવાતું. ભોંયતળિયાનું ગુજરાતી થશે, ફ્લોર. ઝૂંપડીનો ઉપયોગ સ્ટોરેજ માટે પણ થતો. તામ્ર-પાષાણ યુગના લોકો ખેતી કરતા. વારા ફરતી રવિ અને ખરીફ પાક લેતા. માળવામાં ઘઉં અને જવ ઉગાડાતાં. ઇનામગાંવ અને અહરમાં ચોખા ઉગાડાતા. તદુપરાંત જુવાર, બાજરો, કળથી, રાગી, વટાણા, મસુર, મગ, અડદ વગેરેનું ઉત્પાદન કરતા.
તામ્ર-પાષાણ યુગમાં દેવી અને આખલાની તો પૂજા થતી જ. સાથોસાથ લિંગ પૂજાના સૌપ્રથમ પુરાવા પણ ત્યારથી મળી આવે છે. બે પ્રકારના લિંગ મળ્યા છે. એક પ્રાકૃતિક સ્વરૂપમાં (પૃથ્વીમાંથી જ લિંગ આકારનો પથ્થર મળી આવ્યો હોય તે) અને બીજા શૈલીકૃત કરાયેલાં. કર્ણાટકમાં લિંગાયત સંપ્રદાયના લોકો તેમના ગળામાં જે શિવલિંગ પહેરે છે તે શૈલીકૃત.
માળવા સંસ્કૃતિની સાઇટ ખાતેથી મળી આવેલી એક વિશાળ બરણી પર કોઈ ચીજના ટુકડા ચોંટાડીને દેવીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. કોઈ ચીજના ટુકડા ચોંટાડીને ચિત્ર બનાવવાની પદ્ધતિ એપિલિક ડિઝાઈન કહેવાય છે. તેની જમણી બાજુએ એક મહિલા ઊભી છે અને ડાબી બાજુએ મગર. મગરની બાજુમાં દેવીનું તીર્થસ્થાન દોરવામાં આવેલું છે.
આ ઉપરાંત વાયોલિન જેવડા કદની પ્રતિમાઓ મળી છે. તે શ્રીવત્સ નામની દેવીની છે. જે ધન-સંપદાની દેવી મનાતી. એક ઘડા પર છુટ્ટા વાળવાળા દેવતાનું ચિત્ર બનાવવામાં આવેલું છે. તે રુદ્ર. મહારાષ્ટ્રના દૈમાબાદ ખાતે બરણી પર એક દેવતાનું ચિત્ર બનાવાયેલું છે. તેઓ મોરથી લઈને વાઘ સુધીના પ્રાણીઓથી ઘેરાયેલા હતા. કેટલાક નિષ્ણાતો તે ચિત્ર શિવ પશુપતિનું હોવાનું જણાવે છે. આ ચિત્ર મોહેંજોડેરો(ભગવદ્ ગોમંડલ પ્રમાણે)ની છાપ પર પણ મળી આવ્યું છે.
બે મૂર્તિઓ ઇનામગાંવ ખાતેથી મળી આવી છે, જે જોર્વે સંસ્કૃતિની છે. ભારતમાં બનેલી ગણપતિની સૌથી પહેલી મૂર્તિ આ. કાર્યસિદ્ધિ માટે તેમની પૂજા કરવામાં આવતી હતી. ઇનામગાંવ ખાતેથી કેટલીક શીશ વિનાની મૂર્તિઓ પણ મળી છે. તેને મહાભારતની દેવી વિસિરા સાથે સરખાવવામાં આવી છે. આ ઉપરાંત અગ્નિની પૂજા કરવામાં આવતી. ભારતમાં યજ્ઞા કરવાની શરૂઆત પણ તામ્ર-પાષાણ યુગમાં જ થઈ. તામ્ર-પાષાણ યુગની મોટા ભાગની સાઇટ્સ ખાતેથી યજ્ઞાવેદી મળી આવી છે.
શબની સાથે ઘડા તથા બીજી બધી ચીજવસ્તુઓ પણ દફન થયેલી મળી આવી છે. તેનો અર્થ એ થયો કે તામ્ર-પાષાણ યુગના લોકો મૃત્યુ પછીના જીવનમાં માનતા. કિસાને માટી અને ધાતુની ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ કરી. માટીના વાસણો બરાબર નીંભાડે શેકવામાં આવતા અને ત્યાર પછી તેના પર ચિત્રકામ થતું. ૫૦૦થી ૭૦૦ ડિગ્રી તાપમાને ઘડા શેકવામાં આવતા. તાંબામાંથી કુહાડી, ફરસી, બંગળી, મણકા ઇત્યાદિ બનાવવામાં આવતા. રાજસ્થાનની ખેત્રી ખાણમાંથી તાંબુ મેળવવામાં આવતું હતું.
તામ્ર-પાષાણ યુગમાં જોર્વે સંસ્કૃતિના લોકો સોનાનાં ઘરેણાં પહેરતાં. એ સિવાયની એકેય તત્કાલીની સંસ્કૃતિની સાઇટ્સ ખાતેથી તે મળી આવતાં નથી. ઇનામગાંવ ખાતેથી ધાતુ ગાળવાની ભઠ્ઠી અને સાણસી મળી આવ્યા છે. જે દર્શાવે છે કે ત્યાં સોનીકામ થતું. ખનીજના પથ્થરોમાં કાણું પાડવા કાચમણિવાળી શારડીનો ઉપયોગ થતો. પથ્થરમાંથી ચૂનો મેળવાતો. તેનો ઉપયોગ ઘરમાં રંગ-રોગાણથી લઈને વાસણો પર ભાત પાડવા માટે પણ થતો.
સમય વીતતો ગયો, વીતતો ગયો. માણસ પુરાપાષાણ યુગ, મહાપાષાણ યુગ, નૂતન પાષાણ યુગ અને તામ્ર-પાષાણ યુગમાંથી પસાર થઈને સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી આવી પહોંચ્યો. સિંધુ, ઘગ્ગર અને હાક્રા નદીના કિનારે જે સભ્યતા આકાર પાણી તે સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. હાક્રા અને ઘગ્ગર હાલ પાકિસ્તાનમાં આવેલી છે.
સિંધુ ખીણની સભ્યતાને હડપ્પન સભ્યતા પણ કહેવામાં આવે છે. એટલા માટે કેમ કે આ સભ્યતાનું સૌપ્રથમ મળી આવેલું નગર હડપ્પા હતું. એવું કહેવાય છે કે આપણા પુરાણોમાં જે સરસ્વતી નદીની વાત કરવામાં આવી છે તે આ ઘગ્ગર અને હાક્રા નદી. તેથી કેટલાક નિષ્ણાતો સિંધુ ખીણની સભ્યતાને સરસ્વતી-સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે.
અત્યાર સુધી પ્રાગૈતિહાસિક કાળ ચાલતો હતો. રીકેપ કરીએ કે જેમાં લેખન કળા નહોતી વિકસી એ કાળ એટલે પ્રાગૈતિહાસિક કાળ. હડપ્પન સભ્યતા દરમિયાન પ્રાગૈતિહાસિક કાળ સમાપ્ત થયો અને પછી જે સમય શરૂ થયો તે આદિમ-ઈતિહાસ કાળ કહેવાય છે. પ્રોટો હિસ્ટ્રી. એટલા માટે આદિમ ઈતિહાસ કેમ કે હડપ્પન સભ્યતામાં લેખન શરૂ થઈ ગયું હતું, પણ આજે હજુ સુધી આપણે તેમની સ્ક્રિપ્ટ ઉકેલી શક્યા નથી.
અત્યાર સુધી જે બધી થઈ તે સંસ્કૃતિઓ હતી. ક્યાંક વ્યવસ્થિત તો ક્યાંક અવ્યવસ્થિત હતી. ગામડાં પૂરતી સીમિત હતી. ભારતની ભૂમિ પર પહેલ-વહેલી કોઈ સભ્યતા હોય તો તે સિંધુ ખીણની સભ્યતા. સભ્યતા શબ્દ જ બધું સ્પષ્ટ કરી દે છે. સભ્ય થઈ જવું. ટુ બી સિવિલાઇઝ્ડ. અગાઉની સંસ્કૃતિઓમાં ગામડાં હતા. હવે જે સંસ્કૃતિ બની તેમાં પહેલ-વહેલા નગરો અસ્તિત્ત્વમાં આવ્યાં.
અભ્યાસીઓએ તેને ચાર વિભાગમાં વિભાજિત કરી છે. ૧. પૂર્વ-હડપ્પન, ૨. આદિ હડપ્પન, ૩. પરિપક્વ હડપ્પન અને ૪. ઉત્તર હડપ્પન. પૂર્વ બલૂચિસ્તાનની ટેકરીઓમાં સળવળાટ શરૂ થયો અને ધીમે-ધીમે ફેલાતો ગયો. મેહરગઢ, કાલિબંગન, અમરી અને લોથલ આ ચાર સ્થળો પૂર્વ હડપ્પન અને આદિમ હડપ્પન તબક્કાની મહત્ત્વની સાઇટ્સ છે.
કેટલાક વણઝારાઓ જ્યારે ભટકતું જીવન ગાળવાનું બંધ કરી પૂર્વ બલૂચિસ્તાનમાં ખેતી કરવાનું શરૂ કરે છે ત્યાંથી હડપ્પા સભ્યતાનો પિંડ બંધાવાનો શરૂ થાય છે. (ક્રમશઃ)
જીકે જંકશન
- પ્રેમસિંહ તમાંગે સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સ્થાપક છે. એ પહેલા સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ પાર્ટીના સભ્ય હતા.
- ઓડિસાની રાજ્ય સરકારે ભારતીય હોકી ટીમને સ્પોન્સર કરવાની ઘોષણા કરી છે. પાંચ વર્ષ સુધી ભારતની મહિલા અને પુરુષ બંને હોકી ટીમ ઓડિસા, ઇંડિયા લખેલી જર્સી પહેરશે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, ઇંડિયન ઑલિમ્પિક્સ એસોસિએશન અને હોકી ઇંડિયાનો સહિયારો નિર્ણય છે.
- મહેશ મંગાઓકરે સ્વિત્ઝરલેન્ડના ક્રિએન્સમાં સેકિસુઈ ઓપન ૨૦૧૯નો ખિતાબ જીત્યો છે. મંગાઓકર ખ્યાત સ્ક્વોશ ખેલાડી છે અને સેકિસુઈ ઑપન પ્રોફેશનલ સ્ક્વોશ એસોસિએશનની પ્રતિયોગિતા છે. ફાઇનલમાં તેની ટક્કર સ્પેનના બર્નેટ જોમ સાથે થઈ હતી.
- તાજેતરમાં લુઇસ હેમિલ્ટન મોનાકો ગ્રાં પ્રીમાં વિજેતા બન્યા હતા. તે બ્રિટનનો જાણીતો રેસિંગ ડ્રાઇવર છે. ફોર્મ્યુલા વનમાં પાંચ વખત ચેમ્પિયન રહી ચૂક્યો છે. તેઓ વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ડ્રાઇવર મનાય છે.
- સાગર કસાનાએ દુનિયાનો સૌથી ઊંચો શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. તેની સાથે ઓસ્ટ્રેલિયાના ક્રિક વુડ, રશિયાના એલેક્ઝાન્ડર અને બલ્ગેરિયાના ઇવાન ટોમો પણ એવરેસ્ટ પર પહોંચ્યા હતા.
- ૧૦ મીટર એર રાઇફલમાં અપૂર્વી ચંદેલા ગોલ્ડ મેડલ વિજેતા બન્યા છે. તે જયપુરની શૂટર છે અને હાલ શૂટિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
- સુદીર્મન કપ ૨૦૧૯માં ચીનની બેડમિન્ટન પ્લેયર શી યુકીએ વર્લ્ડ નંબર વન બેડમિન્ટનબાજ કેન્ટો મોમોટા(જાપાન)ને હરાવી દીધી હતી. દર બે વર્ષે આ ટુર્નામેન્ટ યોજાય છે. આ વખતે ચાઇનાના નાનિંગ ખાતે યોજાઈ હતી.
- ઓડિસાની ચંદ્રાની મુર્મૂ સૌથી નાની વયની સાંસદ બની છે. તેની ઉંમર ૨૫ વર્ષ છે. કેઓન્ઝાર બેઠક પરથી તે ચૂંટાઈ આવી છે. તે બિજુ જનતા દળની સાંસદ છે.
- ઇસરો દ્વારા બેંગલોર ખાતે ન્યુ સ્પેસ ઇંડિયા લિમિટેડનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. તેનું કામ અવકાશ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું રહેશે. અત્યારે ખાનગી ક્ષેત્રે અમેરિકાની સ્પેસ એક્સ કંપની જગ વિખ્યાત છે.
આજની નવી જોક
છગન ( ઑફિસેથી લીલીને ફોન કરીને)ઃ સાંજના તૈયાર રહેજે, બે ટિકિટ આવી છે.
લીલીઃ શેની ટિકિટ છે? પિક્ચરની કે નાટકની?
છગનઃ ના, જેસીબીનું ખોદકામ જોવા જવાનું છે!
લીલીઃ હેં!?


