For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉપગ્રહ અને જાસૂસી વિમાનોની મદદ મળતી હોવા છતાં

Updated: Mar 17th, 2022

Article Content Image

- રશિયન વાયુસેનાને યુક્રેનના વિવિધ શહેરોના બંકરોનો નાશ કરવામાં ધારી સફળતા કેમ નથી મળતી?

- વિચિત્ર બોમ્બમાં તાજેતરના બ્રેસ્ટ બોમ્બથી માંડીને બીજા વિશ્વયુદ્ધ વખતના કેટ બોમ્બ સામેલ

- યુદ્ધો હવે વિનાશક બોમ્બથી નહીં, વિચિત્ર બોમ્બથી લડાશે

રશિયાએ યુક્રેનના વિવિધ શહેરોનાં ભૂગર્ભમાં  રચાયેલા બંકરો, પ્રમુખ ઝેલેન્સ્કીના મહત્ત્વના પ્રધાનો છુપાયા હોય તેવા બંકર નાશ કરવા પુષ્કળ જહેમત ઉઠાવી છે. જાસૂસી ઉપગ્રહો અને જાસૂસી વિમાનોનો ભરપૂર ઉપયોગ થયો છે છતાં ધારી સફળતા મળી નથી. તેનું કારણ એ છે કે ગેરિલા યુદ્ધ લડવામાં માહેર યુક્રેનના મિલિટરી કમાન્ડરોએ પણ કેમોફલેગીંગ ટેકનિકનો ખૂબ ઉપયોગ કર્યો છે, રશિયન બૉમ્બર વિમાન જે સ્થળને બંકર કે તાલિમ કેન્દ્ર માનીને બોમ્બ ઝીંકે એ જગાએ તો માત્ર લાકડા અને પતરાંનો માંચડો જ હોય છે.   તેની રશિયન બોમ્બ ઝીંકે તો પણ શું વળવાનું? આવી છેતરામણીની જે રીત યુક્રેને અપનાવી છે અહીં દર્શાવ્યું છે: 

(૧) રશિયન અવકાશી ઉપગ્રહ કોસ્મોસ અને બીજા સ્પાય સેટેલાઇટ દ્વારા ઝડપાયેલી તસવીરો અને રેડિયો સંકેત બંકર અને તાલીમ શિબિરો અંગેની પ્રાથમિક માહિતી આપે છે.

(૨) આ માહિતીના આધારે જાસૂસી વિમાન એ ચોક્કસ વિસ્તાર પર ઊડી વધુ સુરેખ અને વિસ્તૃત બાતમી એકઠી કરે છે. જરૂર પડે ડ્રોનની મદદ લેવાય છે.

(૩) આ માહિતીનું વિશ્લેષણ કરી મિલિટરી લક્ષ્યાંકો નક્કી કરતાં કમાન્ડરો ટાર્ગેટ પ્રોફાઈલ તૈયાર કરે છે.

(૪) રશિયન વાયુસેનાના અફસરો જે લક્ષ્યાંક પર ત્રાટકવાનું છે તેની વિગતોના આધારે હુમલાનો પ્રકાર, તે માટેના વિમાન, શસ્ત્રો, ટાઇમિંગ નક્કી કરે છે.

(૫) રશિયન સુખોય-૩૧  ફાઇટર પ્લેન લેસર ગાઇડેડ મિસાઈલ સાથે હુમલો લઈ જાય છે.

(૬) જેને તાલીમ કેન્દ્ર કે બંકર સમજતાં હતા તે વાસ્તવમાં માત્ર પતરાનો શેડ હતો. નજીકમાં ઊભેલાં વાહનો પણ ભંગારવાડે કાઢેલા ખટારા હતા જેની પર રંગરોગાન કરવામાં આવ્યો હતો.

રડારનું રક્ષણ કરવાની પદ્ધતિ

પોતાના રડારને દુશ્મનના હવાઈ હુમલાથી ઉગારી લેવા માટે પણ ડિસેપ્શન અને ડિકોયની ટેકનિક અખત્યાર કરાય છે. 

રડાર ગોઠવ્યાં હોય એ સ્થાનને દુશ્મનની એન્ટી રેડિએશન મિસાઈલ (આર્મ્સ)થી બચાવવા માટેની તરકીબ આવી છે: પોતાના રડારને ઊગારવા માટે દુશ્મનની મિસાઈલને એક ખુલ્લા વિસ્તારમાં આકર્ષવામાં આવે છે. આ માટે મેદાનમાં ત્રિકોણકાર રચાય એ રીતે ત્રણ ખૂણે, એકબીજાથી ઘણે છેટે ત્રણ રડારવાન એવા પ્રકારના સિગ્નલ પાઠવ્યા કરે  છે. જે  સિગ્નલને  ઝડપી શત્રુ આક્રમણ કરવા લલચાય છે. જમીન પરથી મળતા બનાવટી રડાર સિગ્નલને અસલી રડારના સંકેતો છે એમ માની પોતાનું લક્ષ્યાંક નક્કી કરે ત્યારે તેને ટાર્ગેટ મળે છે ત્રણ બનાવટી રડાર વાનની વચ્ચેની ખાલી જગા- જેને 'આર્મપીટ' કહે છે. એન્ટી રેડિએશન મિસાઈલ 'પીટ' એટલે કે આ ત્રિકોણની વચ્ચેના ખાલી ખાડામાં આવીને ફાટે છે. જેનાથી અસલી રડારને કોઈ નુકસાન નથી થતું. ઊલ્ટાનું શત્રુના હવાઈ હુમલાની તૈયારી અને તેના  વિમાનના પ્રકારનો અંદાજ મળી જાય છે.

*  યુદ્ધમાં શત્રુને છેતરવા માટે કેવા પ્રયાસ થાય છે?

યુદ્ધમાં શત્રુને છેતરવા, તેના વ્યૂહને નિરર્થક સાબિત કરવા ડિસેપ્શન અને ડિકોયની તરકીબ અજમાવાય છે. દુશ્મનને ઊલ્લું બનાવવાની ટેકનિક તો ઘણી છે. પણ આપણે અહીં યુક્રેન  દ્વારા યુદ્ધમાં રશિયાને છેતરવા માટે વપરાતી ટેકનિકનું ઉદાહરણ જોઈએ.

(૧) ઊંચે આકાશમાં ઊડતા રશિયાના જાસૂસી અને રડાર વિમાન તુપોલોવ જમીન પરની યુક્રેન મિસાઈલ દાગવામાં આવે ત્યારે પેદા થતો ચમકારો નોંધી લઈ મિસાઈલ લોંચરનું સ્થાન નક્કી કરે છે અને આ બાતમી રશિયાની વાયુસેનાને આપે છે.

(૨) મિસાઈલ છોડયા પછી યુક્રેની દળો મિસાઈલ લોંચરને સુરક્ષિત (બંકર કે પોલાદના ગેરેજમાં) જગાએ ખસેડી લે છે.

(૩) તેના સ્થાને લાકડા અને એલ્યુમિનિયમનાં પતરાંની બનેલી મિસાઈલ લોંચર ગોઠવી દેવાય છે.

(૪) રશિયાના બૉમ્બર વિમાનો લોંચરનો નાશ કરવા ઊડે છે.

(૫) જમીન પર દેખાતી મિસાઈલ લોંચરને બોમ્બ કે મિસાઈલ વડે ફૂંકી મારે છે પણ નષ્ટ પામેલી લોંચર તો બનાવટી હતી. આ રીતે અસલી લોંચર તો હુમલામાં બચી જાય છે.

*   ફ્યુઅલ ઍર એક્સ્પ્લોઝિવ

* સુખોય  વિમાને ફેંકેલા બૉમ્બ પેરાશ્યુટ દ્વારા નીચે ઉતરતા અધવચ્ચે હવામાં શત્રુના મથક/વાહનો પર જ્વલનશીલ રસાયણો  સ્પ્રે કરે છે.

* રસાયણ સળગીને મોટી આગ પકડે છે.

* ચોતરફ આગ પ્રસરી જતાં શત્રુના થાણા, વાહનો અને દાટેલી જમીનમાં સૂરંગો પણ ફાટે છે.

મિગ-૩૧ના રિટાર્ડર બૉમ્બ

(૧) મિગ-૩૧  વિમાનમાંથી પેરાશ્યુટ દ્વારા રિટાર્ડર બૉમ્બ ફેંકવામાં આવે છે.

(૨) જેમાંના કેટરીંગ બૉમ્બ વિમાનના રનવે અથવા હાઈવેની અંદર ઘૂસી જઈ વિસ્ફોટ પામે છે.

(૩) બૉમ્બ સાથેની છૂટી છવાઈ સૂરંગ થોડો વખત રહીને ફાટવાથી સમારકામ પણ વિલંબમાં મૂકાય છે.

રશિયાએ  યુક્રેનની સામે ૨૪ ફેબુ્રઆરીએ  જંગ  છેડયો  ત્યારે  શરૂઆતમાં  હવાઈ હુમલા વખતે યુક્રેનના ડઝનબંધ  હવાઈમથકો, મિલિટરી એરબેઝ  પર  આ   રીતે  કાર્પેટ  બોમ્બીંગ  કરીને  હવાઈ પટ્ટી  તોડીફોડી  નાંખી  હતી  જેથી  યુક્રેનના  પ્લેન રનવેનો  ઉપયોગ  કરી  જ  ન  શકે.

યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં અવનવા શસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ ત્રાસવાદીઓ દ્વારા વપરાતા 'ડર્ટી બોમ્બ' અને આતંકવાદને ડામવા વિવિધ પોલીસદળ દ્વારા વપરાતા બોમ્બની વાતો જાણવા જેવી છે. હાલ  વિશ્વભરમાં વિચિત્ર કહી શકાય તેવા ૧૦ બોમ્બ આજકાલ ચર્ચામાં છે. આ બોમ્બ બનાવવામાં બિલાડી, કબુતર, દરિયાઇ જીવો, અને ચામચીડીયાનો ઉપયોગ થયો હતો. પ્રસ્તુત છે આવા વિચિત્ર ૧૦ બોમ્બ વિશે કેટલીક ચિત્ર-વિચિત્ર પણ રસપ્રદ વાતો...

* બ્રેસ્ટ બોમ્બ: 

 આ બોમ્બ હુમલાખોર મહિલાના સ્તનમાં ફીટ કરાય છે અને તેમાં ધાતુ વપરાતી ન હોવાથી સલામતી તપાસ દરમિયાન તેની હાજરી ઝડપી શકાતી નથી. આતંકવાદી સંગઠન અલ-કાયદાએ આવી 'બ્રેસ્ટે બોમ્બ' થી સજ્જ મહિલાઓની ટુકડી તૈયાર કરી છે અને તે બ્રિટન સહિતના દેશો પર હુમલો કરી શકે છે. આ બોમ્બને અલ કાયદાના ઇબ્રાહિમ અલ- અન્સારીએ બનાવ્યો હતો. તેમાં સ્તનમાં પ્રવાહી વિસ્ફોટ ઘૂસાડાય છે તેમાં રેડિયો એક્ટિવ ડિવાઇસીસ મદદથી વિસ્ફોટ કરાય છે.

* બેટ (ચામાચીડીયુ) બોમ્બ: 

અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે આ બોમ્બની યોજના બનાવેલી. અમેરીકા આવા બોમ્બ મારફતે જાપાનના ઔદ્યોગિક વિસ્તારોમાં આગ લગાડવા માગતું હતું. ચામાચીડીયા સાથે આગ લગાડે તેવા વિસ્ફોટકો બાંધી દેવાતા ચામાચીડિયાની પસંદગી પાછળના કારણોમાં ટેેકસાસની ચાર ગુફામાં કરોડો ચામાચીડીયાની હાજરી અને પોતાના થી વધુ વજન સાથે અંધારામાં પણ ઉડવાની ક્ષમતા સામેલ હતા.

* ગે બોમ્બ: 

અમેરિકી સૈન્યમાં હાથ લાગેલા વિવાદાસ્પદ શસ્ત્રોમાં આ બોમ્બ પણ સામેલ છે. જેમાં દુશ્મન સેનાના સૈનિકોને સમલૈગિંક બનાવી દે તેવું રસાયણ છોડવાની યોજના હતી. અમેરિકી એર ફોર્સનો આ પ્રસ્તાવ ક્યારેય વાસ્તવિક્તા બની ન શક્યો કારણ કે પુરુષોને 'ગે'બનાવે તેવું રસાયણ જ વાયુ સેનાને ન મળ્યું !

* હૂ મી બોમ્બ:

 આ બોમ્બ દુર્ગંધથી વ્યક્તિને અપમાનિત કરવાની ક્ષમતા ધરાવતો હતો. દુર્ગંધ ઉત્પન્ન કરવ માટે ઉપયોગમાં લેવાતા સલ્ફર કંપાઉન્ડને વધુ સમય સુધી સાચવવું મુશ્કેલ હતું. તેનો સ્પ્રે મારફતે છંટકાવ કરવાની યોજનામાં હતી પણ સ્પ્રે કરનારને પણ દુર્ગંધનો ભોગ બનવું પડતું. અંતે આ યોજના પડતી મૂકવી પડી. અમેરિકા આ બોમ્બ જર્મની વિરુદ્ધ વાપરવા માગતું હતું.

* એન્ટી ટેંક ડોગ બોમ્બઃ 

 આ બોમ્બને ડોગ બોમ્બ અને ડોગ સુરંગ (માઇન)ના નામે પણ ઓળખવામાં આવે છે. દિવસોથી ભૂખ્યા કૂતરાઓને ટેંક નીચે ભોજન શોધવાની તાલીમ અપાતી. કૂતરાઓને એવું લાગતું કે ભોજન માત્ર ટેંકની નીચે જ મળે ! તેમની સાથે બોમ્બ બાંધીને છોડી મૂકતાં.  જર્મન ટેંકોનો આ રીતે સફાયો કરાવેલો. જર્મન ટેંકો ઉંચી હોવાથી કૂતરા નજરે ન પડતા. સોવિયેતની યોજના તેને જ ભારે પડી કારણ કે વિસ્ફોટના અવાજથી ગમે ત્યાં ભાગતા કૂતરાઓ સોવિયત ટેંકોની નીચે પણ ઘૂસી જતા.

* ફાયર બલૂન:

 હાઇડ્રોજનના મહાકાય ફુગ્ગાઓ સાથે વિસ્ફોટકો બાંધીને આ બોમ્બ બનાવવાનો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને અમેરિકા અને કેનેડા સામે ફાયર બલૂનો વાપરેલા. ૧૯૪૪-૪૫માં આવા ૯ હજાર ફુગ્ગા છોડાયેલા જેમાંથી ૩૦૦ અમેરિકામાં જોવા મળેલા અને માનવ ખુવારી પણ સામાન્ય થઇ હતી.

* રેટ (ઉંદર) બોમ્બ: 

મરેલા ઉંદરના શરીરમાં પ્લાસ્ટીક વિસ્ફોટકો ભરીને તેને બોમ્બની જેમ ઉપયોગમાં લેવાનો વિચાર સૌથી પહેલા બ્રિટનની સેનાને આવેલો. તેને જર્મની સામે આ બોમ્બ વાપરવો હતો. પણ મરેલા ઉંદરોનો પહેલો જથ્થો જ જર્મન સેનાએ પકડી પાડયો અને બ્રિટનની યોજના નિષ્ફળ ગઇ.

* કિલર ડોલ્ફિન:

 દરિયામાં તરતું આ ખતરનાક શસ્ત્ર તૈયાર કરવાનો વિચાર અમેરિકા અને રશિયાના મગજની ઉપજ હતો. બન્નેએ ડોલ્ફિન માછલીઓને તાલીમ પણ આપેલી. ડોલ્ફિન દરિયામાં સુરંગો છૂપાવવાનું કામ કરતી. સામે ડોલ્ફિનને મારવા બન્ને દેશો ઝેરી કાંટાળા તાર પણ વાપરતા. પહેલા અને બીજા અખાતી યુદ્ધમાં આ બોમ્બ વપરાયા.

* પ્રોજેક્ટ પિજન (કબૂતર): 

શાંતિદૂત તરીકે ઓળખાતા કબૂતરોને વિસ્ફોટક તરીકે ઉપયોગમાં લેવાનો વિચાર બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાને આવ્યો. મિસાઇલની અંદર કબૂતરો મૂકીને તેને તાલીમ અપાઇ હતી. પણ યોજનાનું જીવન વધુ નહોતું અને અંતે તે પડતી મુકાઇ.

* કેટ (બિલાડી) બોમ્બ: 

ઉંદર અને બિલાડીઓને પાણીમાં પલળવું ગમતુ નથી. તેમની આ વૃત્તિનો ઉપયોગ કરીને અમેરિકાએ બીજા વિશ્વયુદ્દમાં જહાજો ડુબાડવા માટે બિલાડીને તૈયાર કરવાનું નક્કી કર્યું. બોમ્બ બાંધેલી બિલાડીઓ દુશ્મન જહાજ પાસે પાણીમાં છોડયા તો તે પાણીથી બચવા જહાજ પર ચડે અને અંતે જહાજને ફૂંકી મારે પણ વિમાન મારફતે પાણીમાં નાખતી વખતે બિલાડીઓ ડરની મારી હવામાં જ બેભાન થઇ જતી.

આજની નવી જોક

ટેકસી રોકવાની કળા

એક ગ્રામીણ મહિલાએ વિચાર્યું, 'શા માટે જમાનાની સાથે બદલાવું ન જોઈએ?' તેણે સૌપ્રથમ શહેરમાં આવી એક ટેક્સી ઊભી રખાવી અને ડ્રાઈવરને કહ્યું, 'મારે આખું શહેર ફરવું છે. ચલાવવા માંડ.'

ટેકસી હજી થોડે જ દૂર ગઈ હતી કે એક ઝાડ સાથે અથડાઈ. તે અથડાતાં જ અટકી ગઈ. મહિલા ટેકસીમાં એમને એમ બેસી રહી. ડ્રાઈવર ગુસ્સાથી બરાડયો, 'ટેકસી આગળ નહીં જાય.'

મહિલા ટેકસીમાંથી નીચે ઉતરી ગઈ. પછી જરા નવાઈ પામતાં બોલી, 'ભાઈ, એક વાત કહો, જયાં ઝાડ ન હોય, ત્યાં તમે ટેકસી શી રીતે રોકો છો?'

જીકે જંકશન

* દાઢી કરતી વખતે શેવિંગ ક્રીમ વાપરવાની જરૂર શા માટે પડે છે?

* દાઢી કરતી વખતે પુરુષ કાં તો ચહેરા પર કોઈ પ્રકારનો સાબુ અથવા શેવિંગ ક્રીમ વાપરે છે. આ ક્રીમના ફીણ થાય પછી જ બ્લેડવાળો અસ્ત્રો ક રેઝર વાપરીને દાઢી કરે છે. જો દાઢી કરતી વખતે સાબુ કે ક્રીમ લગાવવામાં ન આવે તો ધારદાર બ્લેડ ચામડી સાથે ઘસાવાથી ચામડી છોલાઈ જવાનો ડર રહે છે. દાઢી પણ બરછટ લાગે છે. દાઢીના વાળ જલ્દી દૂર થતા નથી. પણ શેવિંગ ક્રીમ લગાવવામાં આવે તો એ ત્વચા અને રેઝર બ્લેડ વચ્ચે લ્યુબ્રિકન્ટ જેવું કામ આપે છે. તેથી ચામડી અને બ્લેડ વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે. શેવિંગ ક્રિમમાંના સાબુને લીધે દાઢીના વાળ થોડા નરમ પડે છે તેથી દાઢી સહેલાઈથી થાય છે.

Gujarat