શેન વૉર્નના કાંડાની કરામત પર ફિદા હતાં ક્રિકેટપ્રેમીઓ

Updated: Mar 8th, 2022


- શેન વૉર્ન સ્પીન બોલિંગના જાદુગર ગણાતા હતા

- આંગળીઓ અને કાંડાના જોરે ભમરડાની જેમ ફરતો ફરતો બોલ ટપ્પો ખાઇને ક્યારે સ્ટમ્પમાં ઘૂસી જાય એ કોઇને ખ્યાલ પણ ન આવે

- ડ્રગ્સ, અફેર્સ અને ડેટિંગના કારણે શેન વૉર્નના જીવનમાં ઘણાં વિવાદ સર્જાયાં હતા

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ લેગ સ્પીનર શેન વૉર્નના નિધનના સમાચારથી ક્રિકેટ જગત સ્તબ્ધ થઇ ગયું. જીવનમાં બનતી ઘટનાઓ કેટલી અણધારી હોય છે એનો ખ્યાલ એ વાતે આવે કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રોડની માર્શના નિધનના સમાચાર જાણીને શેન વૉર્ને શોક પ્રગટ કરતી ટ્વીટ કરી હતી અને એના થોડા કલાકો બાદ જ શેન વૉર્નના મૃત્યુના સમાચાર આવ્યાં. કોઇને ખ્યાલ નહીં હોય કે રોડની માર્શના નિધન પર કરેલી ટ્વીટ શેન વૉર્નની આખરી ટ્વીટ બની રહેશે. 

આમ ઓસ્ટ્રેલિયાએ એક જ દિવસમાં બે દિગ્ગજ ક્રિકેટરો ગુમાવ્યાં. રોડની માર્શની ઉંમર ૭૪ વર્ષ હતી પરંતુ શેન વૉર્નની ઉંમર તો માત્ર ૫૨ વર્ષ જ હતી. વૉર્નના હાર્ટ એટેકથી મૃત્યુ થયાના સમાચાર જાણીને દરેકને એવું જ થયું હશે કે આ તો કોઇ વિદાય લેવાની ઉંમર હતી? ક્રિકેટ જગત માટે તો આ માન્યામાં ન આવે એવા સમાચાર હતાં. ક્રિકેટના ખેલમાં દંતકથા સમાન બની ગયેલા સૌથી મહાન ખેલાડીઓમાંના એક શેન વૉર્ને બહુ વહેલા દુનિયાને અલવિદા કહી દીધી. 

જેટલી ચર્ચા સર ડોન બ્રેડમેન, ગેરી સોબર્સ, વિવિયન રિચાર્ડ્ઝ, સુનિલ ગાવસ્કર કે સચિન તેંડુલકરની થતી હતી એટલી જ ચર્ચા ક્રિકેટપ્રેમીઓમાં શેન વૉર્નની થતી હતી. લોકપ્રિયતાના માપદંડ ઉપર શેન વૉર્ન આ દિગ્ગજ ક્રિકેટરોથી જરાય ઉતરતા નહોતાં. દુનિયાના તમામ મહાન રમતવીરોની જેમ જ શેન વૉર્નનું જીવન પણ સંપૂર્ણ રીતે ક્રિકેટને સમર્પિત હતું. વૉર્નની બોલિંગ સ્ટાઇલે તેમને મહાન બનાવ્યાં. ૧૯૯૨થી ૨૦૦૭ સુધીની ૧૫ વર્ષની કારકિર્દીમાં તેમણે ૭૦૮ ટેસ્ટ વિકેટ લીધી. 

સંયોગોવસાત વૉર્ને ટેસ્ટ ક્રિકેટની શરૂઆત સિડનીમાં ભારત વિરુદ્ધ જ કરી હતી. એ ટેસ્ટમાં તો વૉર્ન વિકેટ માટે તરસી ગયાં હતાં. ભારતીય બેટ્સમેનોએ તેમની બોલિંગની બરાબર ધોલાઇ કરી હતી. વૉર્નના ખાતામાં એક માત્ર રવિ શાસ્ત્રીની વિકેટ આવી હતી અને એક વિકેટ માટે તેમણે ૧૫૦ રનની કીંમત ચૂકવવી પડી હતી. પરંતુ એક વખત બોલિંગની લય પકડયા પછી દુનિયાએ વૉર્નનો કમાલ નિહાળ્યો.

વૉર્ને ટેસ્ટ ક્રિકેટમાં ૭૦૮ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં એ કોઇ પણ બોલરની સૌથી વધારે વિકેટો હતી. બાદમાં શ્રીલંકાના ઓફ સ્પીનર મુથૈયા મુરલીધરને એ રેકોર્ડ તોડયો હતો. ખરેખર વૉર્ન કે મુરલી જેવી પ્રતિભા જૂજ જોવા મળતી હોય છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં થઇને વૉર્ને કુલ ૧૦૦૧ વિકેટો લીધી જે મુરલીધરન બાદ સૌથી વધારે છે. મુરલીધરને ૪૯૫ મેચોમાં ૧૩૯૭ વિકેટો હાંસલ કરી જ્યારે વૉર્ને ૩૩૯ મેચોમાં ૧૦૦૧ વિકેટો મેળવી.

વૉર્ને તો સ્પીન બોલિંગને જાણે જાદૂ બનાવી દીધી હતી. વર્ષ ૧૯૯૩માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એશીસ સીરીઝની માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં શેન વૉર્ને એક એવો બોલ ફેંક્યો જેને બોલ ઓફ ધ સેન્ચુરીનું બિરુદ આપવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડના બેટ્સમેન માઇક ગેટિંગ સામે ફેંકેલો એ બોલ લગભગ ૯૦ ડિગ્રીનો ટર્ન લઇને ગેટિંગને ક્લીન બોલ્ડ કરી ગયો ત્યારે તેને ખ્યાલ જ ન આવ્યો કે બોલ ટપ્પો ખાઇને ક્યાં ગયો. આજે લગભગ ૨૯ વર્ષ પછી પણ વૉર્નના એ બોલની ચર્ચા થાય છે. 

શેન વૉર્નને સ્પીન બોલિંગના જાદુગર ગણવામાં આવે છે. પોતાની આંગળીઓના જોરે બોલને રમાડવાની કળામાં ઉસ્તાદ વૉર્ને પોતાની બોલિંગથી દિગ્ગજ બેટ્સમેનોને નચાવ્યાં. અકલ્પનીય સ્પીન થતા બોલના કારણે વૉર્ન બેટ્સમેનો માટે ઉખાણાસમાન બની ગયાં. વૉર્નની બોલિંગના જોરે જ ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયાના વર્ચસ્વની શરૂઆત થઇ. ટેસ્ટ, વનડે અને ટી-૨૦માં રંગ જમાવ્યા બાદ આઇપીએલની પહેલી સીઝનમાં વૉર્ને રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવી દીધું. 

દરેક મહાન વ્યક્તિત્ત્વ સાથે વિવાદો જોડાયેલા હોય છે અને શેન વૉર્ન પણ એમાંથી બાકાત નહોતાં. ક્રિકેટના મેદાનની બહાર વૉર્નના કિસ્સા ખાસ્સા ચર્ચામાં રહ્યાં. ડ્રગ્સ, અફેર્સ અને ડેટિંગ એપના કારણે વૉર્નના જીવનમાં ઘણાં વિવાદ સર્જાયાં. બ્રિટીશ ઓસ્ટ્રેલિયન પત્રકાર પૉલ બેરીએ શેન વૉર્નની રંગીન જિંદગી ઉપર આખું પુસ્તક લખ્યું હતું જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં હતાં.

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે વૉર્ને પોતાના જીવનમાં ૧૦૦૦ મહિલાઓ સાથે સંબંધ બનાવ્યાં હતાં પરંતુ માત્ર પાંચ વખત પકડાયા હતાં.  જોકે વૉર્ને કદી આ વાતને સ્વીકારી નહોતી. વિલાસિત જીવન જીવવાના શોખીન વૉર્નના બ્રિટીશ એકટ્રેસ લિઝ હર્લી અને જાણીતી મોડેલ એમિલી સ્કૉટ સાથે પણ અફેર રહ્યાં. એક પોર્ન સ્ટાર સાથે મારપીટ અને એક નર્સને અશ્લીલ મેસેજ મોકલવાના વિવાદો બાદ તેમની પત્નીએ છૂટાછેડા પણ લઇ લીધાં. ડ્રગ્સ લેવાના મામલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેમને એક વર્ષ માટે બૅન પણ કર્યાં હતાં.

વૉર્નના એવા તો ઘણાં બધાં વિવાદાસ્પદ કિસ્સા છે જેની ચર્ચા આજે પણ થાય છે. ક્રિકેટના મેદાનમાં હીરો એવા વૉર્નના આવા કિસ્સા તેમને વિલન બનાવી દેતાં હતાં. પરંતુ વૉર્ન પોતાની મરજી મુજબ જ જીવ્યાં.  વૉર્નના જીવન સાથે જોડાયેલા વિવાદોથી પર જઇને મેદાન ઉપર સફેદ કે રંગીન ડ્રેસમાં લાલ કે સફેદ બોલને ફિરકીની જેમ ફેરવતા વૉર્નને યાદ કરો તો ખ્યાલ આવે કે ક્રિકેટની દુનિયાએ શું ગુમાવ્યું છે.

વૉર્ન મેદાન ઉપર સાવ શાંત બોડી લૅગ્વેજ સાથે બોલિંગ કરતાં હતાં. માત્ર થોડા દબાતા પગલાંની ચાલ બાદ અમ્પાયરની સાવ પાસે આવીને એક તરફ ઝૂકીને બોલને બેટ્સમેન તરફ રવાના કરતાં. પહેલી નજરે જોતાં સાવ સામાન્ય જણાય એવી બોલિંગ એક્શન હોવા છતાં લહેરાતા વાળ પાછળથી બેટ્સમેનને કાતિલ નજરે નિહાળતી નજરો અને આંગળીઓ અને કાંડાના જોરે ભમરડાની જેમ ફરતો ફરતો બોલ બેટ્સમેનને પગ પાછળ ટપ્પો ખાઇને ક્યારે સ્ટમ્પમાં ઘૂસી જાય એ બેટ્સમેન તો ઠીક પાછળ ઊભેલા વિકેટકીપરને પણ ખ્યાલ ન આવે. 

હવામાં ફ્લાઇટ થતો બોલ ધીમી ગતિએ બેટ્સમેન તરફ આવતો પરંતુ બેટ્સમેન ટપ્પો ક્યાં પડશે એનો અંદાજ ન લગાવી શકતાં. ટપ્પાનો અંદાજ કદાચ આવી પણ જાય તો ટપ્પો ખાધા પછી બોલ કઇ દિશામાં ટર્ન થશે અને થશે તો કેટલો થશે એનો તો અંદાજ લગાવવો જ અશક્ય થઇ પડતો. એ જ વૉર્નની જાદુગરી હતી. દુનિયાભરના બેટ્સમેન તેમના કાંડાની કરામતથી ગભરાતાં હતાં. ક્રિકેટને સંગીત કહો તો વૉર્ન એના મહાન સંગીતકાર હતાં. બોલ જૂનો થાય કે વૉર્નની બોલિંગ તાલ પકડતી. દર્શકો તેમની બોલિંગ પાછળ પાગલ હતાં. બેટ્સમેનો પણ તેમની ફિરકીના પ્રશંસક હતાં. 

બોલિંગની સાથે સાથે વૉર્ન ઉપયોગી કહેવાય એવી બેટિંગ પણ કરી લેતાં. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે ૩૧૫૪ રન ફટકાર્યા હતાં જે કોઇ સદી વિના સૌથી વધારે રનનો વર્લ્ડ રેકોર્ડ છે. વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં ૧૨ હાફ સેન્ચુરી ફટકારી પરંતુ તેમનો મહત્તમ સ્કોર ૯૯ રનનો જ રહ્યો જે તેમણે ૨૦૦૧માં ન્યૂઝીલેન્ડ સામે પર્થમાં બનાવ્યો હતો. એ સિવાય પણ તેઓ ટેસ્ટમાં સેન્ચુરી ચૂકી ગયાં હતાં. વનડેમાં પણ વૉર્ને ૧૦૧૮ રન બનાવ્યાં હતાં. હકીકતમાં વૉર્ન એ ગણ્યાંગાંઠયાં ક્રિકેટરોમાં સામેલ છે જેમણે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં એક હજારથી વધારે રન અને ૨૦૦થી વધારે વિકેટ લીધી હોય.

વ્યક્તિગત જીવન વિવાદાસ્પદ રહ્યાં છતાં શેન વૉર્નની બોલિંગના લાખો કરોડો પ્રશંસકો આજે પણ છે. વાસ્તવિકતા એ છે કે આજે પણ તેમના જેવી સ્પીન કળામાં માહેર બોલર મળ્યો નથી. વૉર્નની વિદાયથી સર્જાયેલા શૂન્યાવકાશને ભરપાઇ કરવો મુશ્કેલ છે. વૉર્નની અકાળ વિદાય ક્રિકેટ જગત માટે અત્યંત દુ:ખદ છે.

આજની નવી જોક

લીલી (મોબાઇલ ઉપર): બે કિલો વટાણા ખરીદું?

છગન: હા, હા, ખરીદી લે!

લીલી: પૂછતી નથી, કહું છું. આજે સાંજે ફોલી નાખશો ને?

શેન વૉર્ન સાથે જોડાયેલી રોચક માહિતી

- શેન વૉર્નનો જન્મ ઓસ્ટ્રેલિયાના વિકટોરિયામાં ૧૩ સપ્ટેમ્બર, ૧૯૬૯ના દિવસે થયો હતો.

- વર્ષ ૧૯૮૩માં વૉર્ન પહેલી વખત મેલબોર્ન યુનિવર્સિટી તરફથી ક્રિકેટના મેદાનમાં ઉતર્યાં હતાં. શરૂઆતમાં તેઓ લેગ સ્પીન અને ઓફ સ્પીન બંને બોલિંગ કરતાં હતાં.

- ચોથી જૂન, ૧૯૯૩ના દિવસે ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના માઇક ગેટિંગને બોલ્ડ કરેલો બોલ 'બોલ ઓફ ધ સેન્ચુરી' ગણાય છે.

- બહુ ઓછા લોકો જાણે છે કે શેન વૉર્નની બંને આંખોનો રંગ જુદો જુદો છે. તેમની એક આંખ બ્લૂ અને બીજી ગ્રીન છે.

- વર્ષ ૧૯૯૮માં પિચની જાણકારી આપવા બદલ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે વૉર્નને દંડ ફટકાર્યો હતો. 

- વૉર્ન ઉપર ફેબુ્રઆરી ૨૦૦૩માં દક્ષિણ આફ્રિકામાં રમાઇ રહેલા વર્લ્ડ કપ દરમિયાન એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

- વર્લ્ડ કપ ૧૯૯૯માં પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલમાં તેઓ ચાર પાકિસ્તાની બેટ્સમેનોને આઉટ કરીને મેન ઓફ ધ મેચ બન્યાં હતાં. 

- વર્લ્ડ કપની ફાઇનલ અને સેમીફાઇનલમાં ત્રણ વખત મેન ઓફ ધ મેચ બનનારા વૉર્ન દુનિયાના એક માત્ર ક્રિકેટર છે.

- વૉર્નને વર્ષ ૨૦૦૦માં પાંચ વિઝડન ક્રિકેટરોમાં પસંદ કરવામાં આવ્યાં હતાં એ ઉપરાંત ૨૦૦૬માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને ૧૯૯૪માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પણ પસંદ કરવામાં આવ્યાં હતાં.

- શેન વૉર્નના નામે મુથૈયા મુરલીધરન બાદ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ છે.

- વૉર્નના નામે ટેસ્ટમાં સદી ફટકાર્યા વિના સૌથી વધારે રન (૩૧૫૪) બનાવવાનો રેકોર્ડ છે.

- વૉર્ન અને મુરલીધરનને સન્માન આપવા માટે ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સીરીઝને વૉર્ન-મુરલીધરન ટ્રોફી નામ આપવામાં આવ્યું હતું.

- વર્ષ ૨૦૧૩માં વૉર્નને આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

- વૉર્નના સિમોન કેલ્હાન સાથે ૧૯૯૫માં લગ્ન થયા હતાં પરંતુ વૉર્નના અફેર્સના કારણે ૨૦૦૫માં બંને જુદાં પડયાં હતાં. તેમને ત્રણ બાળકો પણ છે.

- રિટાયરમેન્ટ બાદ વૉર્ને એક ફાઉન્ડેશન શરૂ કર્યું હતું જે ગંભીર રીતે બીમાર અને નબળા બાળકોની સારવાર માટે કામ કરે છે.

    Sports

    RECENT NEWS