પુતિન વિશ્વની નજરે વિલન અને યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કીની વળતી લડત....

Updated: Mar 3rd, 2022


- ''મારે આશ્રય નથી જોઈતો મને શસ્ત્રો પુરા પાડો'' બાઇડેનની ઓફરને યુક્રેનના પ્રમુખ ઝેલંેસ્કીએ ઠૂકરાવી

- અમેરિકા અને યુરોપના દેશોએ સૈન્ય નહીં મોકલી દગો દીધો ત્યારે યુક્રેનના સૈનિકો અને નાગરિકો પણ ખુમારી સાથે યુધ્ધમાં જોડાયા : વિશ્વભરમાંથી  સલામ સાથે સમર્થન અને સહાનુભૂતિનું ઘોડાપુર

યુક્રેન સામે યુધ્ધ ભલે રશિયાના પ્રમુખ પુતિને જાહેર કર્યું પણ અસલી યોધ્ધો અને હીરો તરીકે યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કી અત્યારે વિશ્વભરમાં છવાઈ ગયા છે.

વિશ્વના રાજકીય વિશ્લેષકોને પણ એવો જ અંદાજ હતો કે રશિયા યુક્રેન પર હુમલો નહીં કરે કેમકે આવા સંજોગોમાં યુક્રેનની સેના સાથે અમેરિકા અને યુરોપિય સંઘની બનેલી 'નાટો' સેના જોડાઈ જશે. જો આમ થાય તો રશિયા એકલું ઝીંક ઝીલી ન શકે અને તેઓના બુરા હાલ થાય. જો રશિયા જોડે ચીન સહિતના રાજકીય સમાન સ્વાર્થ ધરાવતા મિત્રો સેના સાથે જોડાય તો વિશ્વ યુધ્ધ જેવો તખ્તો રચાય. કોરોનાના બેથી વધુ વર્ષના કપરા કાળ પછી વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ પર એ હદે ફટકો પહોંચ્યો છે કે વિશ્વ યુધ્ધ કોઈને પરવડે તેમ નથી.

પુતિન સાવ હિટલર જેવા સનકી દિમાગના નથી પણ નોર્થ કોરિયા કીમ જોંગ જેવા ઠંડી ક્રુરતા અને પાશવીતા તો ધરાવે જ છે. તેમનામાં માનવતાવાદી અભિગમ પણ નથી. અમેરિકા અને યુરોપિય દેશો સાથે મળીને યુક્રેનની સેના બનાવશે તો પણ લડી લઈશું. 'પડશે તેવું દેવાશે' તેવો મિજાજ બતાવી યુક્રેન સામે યુધ્ધ જાહેર કરી દીધું. જો કે યુક્રેનના નાગરિકો, સેના અને તેમના પ્રમુખ ઝેલેંસ્કીને કારમો આઘાત તો ત્યારે લાગ્યો કે તેઓ જે વિશ્વાસના આધારે રશિયાને આટલા વર્ષોથી મચક નહોતા આપતા તે જ અમેરિકા અને યુરોપિય દેશોએ તેમની સેના કે શસ્ત્રો યુક્રેનને મોકલ્યા જ નહીં. 

રશિયા અમેરિકા અને ચીન પછી સૈન્ય અને આધુનિક સરંજામની રીતે સૌથી શક્તિશાળી રાષ્ટ્ર છે. તેની તુલનામાં યુક્રેન પાંચમા ભાગની તાકાત પણ નથી ધરાવતું. વળી યુક્રેન તો કિંમત જ તેની ચૂકવી રહ્યું હતું કે અમેરિકા અને યુરોપિય સંઘની નજીક છે. રશિયાના પ્રમુખ પુતિન યુક્રેનને વર્ષોથી એવો મેસેજ આપે છે કે તમે આખરે તો સોવિયેત યુનિયનનો એક જમાનાનો પ્રાંત છો. તમે અમેરિકાના મિત્ર ન બનો. અમેરિકા અને યુરોપિય દેશોના 'નાટો' સૈન્ય તો યુક્રેનની મદદે ન જ આવ્યું અને રશિયાએ યુક્રેન પરનો હૂમલો પ્રતિદિન વધુને વધુ ભીષણ કરવા માંડયો.

આવા સંજોગોમાં બીજો કોઈપણ યુક્રેનના કદનો કે તુલનાત્મક રીતે ઓછો તાકાતવર દેશ હોત તો તરત જ શરણાગતિ સ્વીકારી લેત પણ રશિયાના પ્રમુખ પુતિન અને રશિયાની સેનાનું પણ માથું શરમથી ઝૂકી જાય તેમ યુક્રેનના ૪૪ વર્ષીય પ્રમુખ ઝેલેંસ્કીએ લશ્કરી યુનિફોર્મ પહેરી લીધો. તેણે રશિયાને પડકાર ફેંક્યો કે અમે તમારી સેના સામે કદાચ ટકી ના જ શકીએ પણ અમે શહાદત વહોરીશું. આ સાથે જ તેણે અમેરિકા અને યુરોપિય દેશોની લગભગ દગાખોરી જ કહી શકાય તેવી મિત્રતા પામી લીધા પણ નાસીપાસ જરાપણ ના થયા.

અમેરિકાના ટ્રમ્પ અને બાઇડને જે રીતે અફઘાનિસ્તાનના નાગરિકોને તાલિબાનના પાશવી નેતાગીરી સામે રાતોરાત છોડી દીધા તેવું જ તેઓએ યુક્રેન માટે કર્યું. ફર્ક એટલો કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્ય પરત ખેંચી લઈને તાલિબાનોને છૂટ્ટો દોર આપી દીધો જ્યારે યુક્રેનમાં સૈન્ય ન મોકલીને રશિયાને નરસંહાર માટેનું મોકળું મેદાન આપી દીધું.

અમેરિકા અને વિશ્વના આશ્ચર્ય વચ્ચે હજુ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચાયું અને તાલિબાનોએ બે જ દિવસમાં અફઘાનિસ્તાનની સંસદ પર કબ્જો કરી લીધો. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાની પાછલા દરવાજેથી યુએઈ નાસી ગયા. અફઘાનિસ્તાનની સેના લડવા માટે તૈયાર હતી પણ દેશના નેતા જ કાયર નીવડયા.

રશિયાએ યુક્રેન સામે યુધ્ધ જાહેર કર્યું તે પછી બીજા જ દિવસે અમેરિકાના પ્રમુખ બાઇડેને યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કીને મેસેજ પાઠવ્યો કે ''અમે તમને સલામત રીતે યુક્રેનની બહાર લાવી અને આશ્રય માટેની વ્યવસ્થા કરી ચૂક્યા છીએ. તમે આવી જાવ.''

બાઇડેન અને યુરોપના નેતાઓનું માથું શરમથી ઝૂકી જાય તેમ ઝેલેંસ્કીએ સણસણતો જવાબ આપ્યો કે ''મારે તમારી 'રાઇડ' (સવારી) નથી જોઈતી. મારે દારૂગોળા અને શસ્ત્રોની જરૂર છે તે મોકલો.''

અમેરિકા અને યુરોપે સેના તો ન મોકલી પણ શસ્ત્રો મોકલવાની લુખ્ખી ખાતરી આપી.

અમેરિકા જગતનું કાજી માત્ર તેના સ્વાર્થ ખાતર બને છે બાકી તેને માનવતાના પૂજારી કે નિર્બળોને રક્ષણ આપનારા તરીકે જોવાની વિશ્વએ ભૂલ ન કરવી તે રીતે તેઓ ખુલ્લા પડી ગયા.

યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કીની મર્દાનગી અને ખુમારીથી તેમના જ દેશની સેનાનું જોમ બેવડાયું એટલું જ નહીં દેશના નાગરિકો પણ સૈનિક બનીને પ્રતિકાર કરવા માંડયા, શહાદત વહોરવા માંડયા.

યુદ્ધ જેમ જેમ એક પછી એક દિવસ આગળ ચાલતું ગયું તેમ સ્વાભાવિકપણે યુક્રેનને મૃત્યુઆંક અને સંપદાની રીતેે પારાવાર નુકશાન થયું પણ પુતિન માટે આ પ્રતિકાર અણધાર્યો હતો. ગુજરાત કરતા પણ ઓછી વસ્તી ધરાવતું યુક્રેન કોઈની પણ મદદ વગર એકલા હાથે આ લખાય છે ત્યાં સુધી યુદ્ધમાં અઠવાડિયા સુધી રશિયા સામે ઝીંક ઝીલતું જ રહે તે પુતિન માટે નીચા જોવાપણું તો થઈ જ ગયું છે આથી જ જેમ બને તેમ ઓછી આબરૂ જાય તેથી બેબાકળા બનેલા પુતિને યુક્રેન જાણે યુદ્ધે ચઢેલ અમેરિકા, ચીન કે નોર્થ કોરિયા જેવી મહાસત્તા હોય તેમ પરમાણું હૂમલાની ધમકી આપી દીધી.

પુતિનને એમ કે કોઈની મદદ નહીં મળે તો યુક્રેનનો એક બે દિવસમાં જ ખેલ પાડી દઈશું પણ ઝેલેંસ્કીએ પુતિનની ગણતરી તો ઉંધી વાળી જ નાંખી પણ જેમ જેમ રશિયાની સૈન્યની ક્રૂરતા, નિર્દોષ નાગરિકોના મૃત્યુ નીપજાવવાની તસવીરો તેમજ પાશવી ખુવારી સર્જતા વીડિયો વિશ્વવ્યાપી વાઇરલ બન્યા તેમ પુતિનને હિટલર તરીકે ચિતરવામાં આવ્યા. પુતિન યુક્રેનને તેના તાબે કરી લેશે તો પણ તેની છબિ વિશ્વના શક્તિશાળી કરતા નિર્દય કે જૂલમી સરમુખત્યાર જેવા નેતા તરીકેની થઈ ચૂકી છે, આમ પણ રશિયામાં જનમત પુતિન માટે નથી તો પણ તેઓ જિનપિંગની જેમ પ્રમુખ તરીકે વિરોધીઓને કચડીને બેઠા છે. હવે ઘરઆંગણે જ તેની સામે આંદોલન છેડાય તેવી પૂરી શક્યતા છે.

તો બીજી તરફ અમેરિકામાં બાઈડેનનો ગ્રાફ પણ ઉતરી ચૂક્યો છે અને ક્રોએશિયાની કાખઘોડી પર ટ્રમ્પ હવે ફરી ૨૦૨૪માં સત્તાનું સૂકાન સંભાળવાના સ્વપ્ન જોવા માંડયા છે. તેમણે નિવેદન કર્યું છે કે 'જો હું પ્રમુખ હોત તો રશિયા યુક્રેન સામે યુદ્ધ જાહેર કરવાની હિંમત ન કરી શક્યું હોત.'

અમેરિકાના નાગરિકો પણ માને છે કે બાઈડેનના નેતૃત્વ હેઠળ તેઓ વિશ્વની મહાસત્તાનું ગૌરવ ગુમાવતા જાય છે.

એક જમાનામાં બંને વિશ્વયુદ્ધમાં જે દેશોની પ્રભાવી તાકાત કેન્દ્ર સ્થાને હતી તેવા બ્રિટન, ફ્રાંસ અને જર્મની તો સાવ નમાલા બની ચૂક્યા છે. ઝેલેંસ્કીએ પુતિન, બાઇડેન, બ્રિટનના જોન્સન અને ફ્રાંસના માક્રોન તેમજ જર્મનીના નેતાઓની મતલબી રાજનીતિ અને કાયરતાને ખુલ્લી પાડી દીધી છે.

વિશ્વભરના રમતજગત સંગઠનો, આઈઓસી, ફીફા બધા જ યુક્રેન તરફી છે. રશિયાનો બહિષ્કાર જાહેર થતો જાય છે.

હોલિવુડ અને ફિલ્મ, મનોરંજનની દુનિયા પણ રશિયાને વખોડતી ટ્વિટ કરે છે.

યુક્રેનની મોડેલ ગર્લ પણ હાથમાં બંદૂક ઉપાડીને ઈન્સ્ટાગ્રામમાં ફોટા પોસ્ટ કરે છે. યુક્રેનનો એક સામાન્ય નાગરિક હાથમાં એક પણ શસ્ત્ર વગર રશિયાની ટેન્ક આગળ ઉભો રહી તેને આગળ જતા અટકાવે છે તેવી તસવીર પણ વાઈરલ બની છે.

ઝેલેંસ્કીની પત્ની ઓલેના (યેલેના)એ પણ કહી દીધું છે કે 'આપણે કોઈ દેશમાં નાસી જઈ આશ્રય નથી લેવું. દેશ માટે શહાદત વહોરીશું. હું પણ તમારી સાથે જ રહીશ.'

યુદ્ધના હીરો ઇતિહાસમાં યુદ્ધ જીતે તે દેશના જ હોય તેવું નથી. હારેલા દેશના નેતા, સૈન્ય અને નાગરિકોની ખુમારી અને દેશભક્તિ પણ અમરગાથા બનતી હોય છે.

આજની નવી જોક

લીલી : તમે ક્યારેય રશિયા કે યુક્રેન ગયા છો?

છગન : ના.

લીલી : શું આપણે ત્યાં રહેવા જવાનું છે?

છગન : ના.

લીલી : તમારા ઓળખીતા માસા-માસિના સગા કોઈ ત્યાં રહે છે?

છગન : ના.

લીલી : તો ટીવીનું રીમોટ મને આપી દો. છ દિવસથી ઉપાડો લીધો છે.

ઝેલેંસ્કી 'સર્વન્ટ ઓફ ધ પિપલ' ટીવી શ્રેણીનાં નાયક હતા અને આ જ નામથી રાજકીય પક્ષ સ્થાપી ચૂંટાયા

યુક્રેનના પ્રમુખ ૪૪ વર્ષીય વોલોડિમીર ઝેલેંસ્કી આમ તો કાયદા શાસ્ત્રની ડીગ્રી ધરાવે છે પણ કિશોરવયથી જ તેને કોમેડી અને એક્ટિંગમાં રસ હતો. તેણે 'ક્વાર્ટસ ૯૫' નામની ટીવી અને ફિલ્મ નિર્માણ કંપનીની સ્થાપના કરી હતી. તેનો કોમેડી અને રાજકીય કટાક્ષથી ભરપૂર 'સર્વન્ટ ઓફ ધ પિપલ' નામનો શૉ ખુબ જ લોકપ્રિય બન્યો હતો. તેમાં ઝેલેંસ્કીએ યુક્રેનના પ્રમુખ તરીકેનો જ રોલ ભજવ્યો હતો. ૨૦૧૫ થી ૨૦૧૯ એમ ચાર વર્ષ તે શ્રેણી ચાલી અને 'નાયક' ફિલ્મમાં જેમ અનિલ કપુર એક દિવસનો મુખ્ય પ્રધાન બને છે તેમ નાગરિકોએ તેને સાચૂકલો પ્રમુખ ચૂંટી કાઢી કહ્યું કે 'શ્રેણીની જેમ જ દેશનું રાજ ચલાવી બતાવો.' મજાની વાત એ છે કે 'સર્વન્ટ ઓફ ધ પિપલ' નામની જ પાર્ટી તેણે સ્થાપી અને પક્ષનો વિજય થયો. ઝેલેંસ્કી વિશ્વનો સૌથી પ્રભાવી અને લોકપ્રિય રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નેતા છે. ચાલુ યુધ્ધે પણ તે કોમેન્ટ, ટ્વીટ, તસવીરો પોસ્ટ કરે છે.

    Sports

    RECENT NEWS