કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના, જાણો તેને 'વન્ડર વુમન' તરીકે કેમ ઓળખાય છે
Colonel Sofiya Qureshi Sister Shyna Sunsara: દેશને ઓપરેશન સિંદૂર વિશે જણાવનાર કર્નલ સોફિયા કુરેશીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ભારતીય સેનાના 'સિગ્નલ કોર્પ્સ' સાથે સંકળાયેલી સોફિયા એ બે મહિલા અધિકારીઓમાંના એક હતા જેમણે 7 મેના રોજ ભારતના સફળ લશ્કરી કાર્યવાહી વિશે વિશ્વને માહિતી આપી હતી. ઓપરેશન સિંદૂર બાદ લોકો સોફિયાની બહાદૂરીના વખાણ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સોફિયા કુરેશીને એક જોડિયા બહેન પણ છે, જેને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. શાયના સુનસારા કોણ છે?
શાયના સુનસારા, સોફિયા કુરેશીના જોડિયા બહેન છે. શાયનાના નામે પણ ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ છે. ડૉ. શાયના એક અર્થશાસ્ત્રી, ભૂતપૂર્વ આર્મી કેડેટ, ફેશન ડિઝાઇનર અને પર્યાવરણવાદી છે. ડૉ. શાયના સુનસારાને વડોદરાના 'વન્ડર વુમન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
શાયનાએ મિસ ગુજરાત, મિસ ઈન્ડિયા અર્થ 2017 અને મિસ યુનાઈટેડ નેશન્સ 2018નો તાજ જીત્યો છે. આ ઉપરાંત, શાયના રાઈફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ પણ છે. ભારતીય ફેશન ઇન્ડસ્ટ્રીમાં તેના યોગદાન બદલ વર્ષ 2018માં તેણે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ જીત્યો હતો.
શાયના સુનસારાને કહેવામાં આવે છે 'વન્ડર વુમન'
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાયના સુનસારા એક મોડલ પણ છે અને ગુજરાતમાં 100,000 વૃક્ષો વાવવાની તેમની પહેલ માટે જાણીતા છે. જયારે શાયનાને સોફિયાના ઓપરેશન સિંદૂરના પ્રેસ બ્રીફિંગ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, 'મને આ વાતની જાણ ત્યારે જ થઇ એક સંબંધીએ મને ફોન કરીને ટીવી ચાલુ કરવાનું કહ્યું. આ ફક્ત અમારા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ હતી. આપણી સરકારે અને પીએમ મોદીએ આતંકવાદ સામે ખૂબ જ સારો જવાબ આપ્યો.'
સૈન્ય ટીમનું કમાન્ડિંગ કરી રહ્યા હોય તેવા એકમાત્ર મહિલા કર્નલ સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં એક એવું નામ છે, જે જુસ્સા, મહેનત અને નેતૃત્વનું ઉદાહરણ બની ગયું છે. એક્સરસાઇઝ ફોર્સ 18 હેઠળ 18 દેશોની મલ્ટીનેશનલ આર્મી ડ્રીલમાં ભારતનું કમાન્ડિંગ કરવાની તક મળતાં તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમજ તે એકમાત્ર મહિલા હતા જે કોઈપણ દેશના સૈન્ય ટીમનું કમાન્ડિંગ કરી રહ્યા હોય. તેમણે 40 સૈનિકોની ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું.
કર્નલ સોફિયાની અત્યાર સુધીની સફર
ગુજરાતના વડોદરામાં જન્મેલા સોફિયાએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ વર્ષ 1999માં તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાયા. તેઓ સિગ્નલ કોર્પ્સમાંથી છે, જે સેનાના સંદેશાવ્યવહાર અને માહિતી પ્રણાલી માટે જવાબદાર છે.
વર્ષ 2006 માં, તેમને યુએન પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા અને 6 વર્ષથી વધુ સમયથી શાંતિ મિશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને પીસ કીપિંગ ટ્રેનિંગ ગ્રૂપમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય મિશન માટે શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડે છે. તેમનો સેના સાથે જૂનો સંબંધ છે. તેમના દાદા સેનામાં હતા અને તેના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ઓફિસર છે.