For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

H-1બી વિઝા હોલ્ડર્સના જીવનસાથીની વર્ક પરમિશન રદ કરવાનો પ્રસ્તાવ વ્હાઇટ હાઉસને સુપ્રત

પ્રસ્તાવ મંજૂર થશે તો એચ-૧બી વિઝા હોલ્ડર્સના ૯૦,૦૦૦ જીવનસાથી નોકરી કરી શકશે નહીં

વ્હાઇટ હાઉસ વિવિધ એજન્સીઓ અને નિષ્ણાતોના મત લઇને અંતિમ નિર્ણય લેશે

Updated: Feb 22nd, 2019


(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૨૨Article Content Image

એચ-૧બી વિઝા હોલ્ડર્સના જીવનસાથીને અપાયેલી વર્ક પરમિશન રદ કરવા માટેનો પ્રસ્તાવ વ્હાઇટ હાઉસને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય આઇટી પ્રોફેશનલોમાં એચ-૧ બી વિઝા ખૂબ જ લોકપ્રિય છે. 

જો આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લેવામાં આવશે તો એચ-૧બી વિઝા હોલ્ડર્સના ૯૦,૦૦૦ જીવનસાથી નોકરી કરી શકશે નહીં. એચ-૧બી વિઝાધારકોમાં ભારતીય આઇટી પ્રોફેશનલોની સંખ્યા વધારે હોવાથી અમેરિકામાં વસતા ભારતીય પરિવારોને આ નિર્ણયની સૌથી વધુ અસર જોવા મળશે. 

ભારતીય આઇટી પ્રોફેશનલોમાં સૌૈથી વધુ લોકપ્રિય એચ-૧બી વિઝા નોમ ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની પરવાનગી આપે છે. 

અમેરિકામાં કાર્યરત આઇટી કંપનીઓ મોટે ભાગે ભારતીય અને ચાઇનિઝ આઇટી પ્રોફેશનલોની વધુ પસંદગી કરે છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ વ્હાઇટ હાઉસને પ્રસ્તાવ સુપ્રત કર્યા પછી હવે આ અંગે વ્હાઇટ હાઉસને અંતિમ નિર્ણય લેવાનો છે. 

વ્હાઇટ હાઉસ વિવિધ એજન્સીઓના મત લઇને અંતિમ નિર્ણય લેશે. આ નિર્ણય લેવામાં વ્હાઇટ હાઉસને કેટલાક સપ્તાહનો સમય લાગી શકે છે. 

આ દરમિયાન યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(યુએસસીઆઇએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે સમીક્ષા અંગેની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે નહીં. 

જો વ્હાઇટ હાઉસ મંજૂરી આપશે તો આ રેગ્યુલેશન ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવશે જ્યાં ૩૦ દિવસનો કોમેન્ટ પિરિયડ આપવામાં આવશે.


Gujarat