લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક

Delhi Blast: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ધમાકામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક અંગે સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ તેમાં સૈન્ય ગ્રેડના વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. જોકે, અંતિમ રિપોર્ટ આવવાનો બાકી છે. ધમાકો ફરીદાબાદથી મળેલા મટિરિયલથી કરાયો હોવાની વાત પણ સત્તાવાર પુષ્ટિ વિના ચર્ચાઈ રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, તપાસકર્તાઓએ ફોરેન્સિક ટીમને PETN, સેમટેક્સ કે RDXનો ઉપયોગ થયો છે કે કેમ તે જાણવા અભિપ્રાય માંગ્યો છે. જોકે, શરૂઆતનું આંકલન એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઇલ અને ડેટોનેટર્સ તરફ ઈશારો કરી રહ્યું છે. એમોનિયમ નાઇટ્રેટ સસ્તું અને સરળતાથી મળતું હોવાથી તેનો ઉપયોગ IEDમાં પણ થાય છે.
લેબ તપાસ માટે સેમ્પલ મોકલાયા
ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી 42 વસ્તુઓ એકઠી કરી છે અને તેને લેબમાં તપાસ માટે મોકલી છે. તેમાં કારના ટાયર, ચેસિસ, સીએનજી સિલિન્ડર અને બોનેટના ટુકડાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમને અન્ય અવશેષો અને પાવડર પણ સ્થળ પરથી મળ્યા છે.
PETN શું છે?
PETNનું પૂરું નામ પેન્ટાએરીથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ (Pentaerythritol Tetranitrate) છે. તે સેમટેક્સમાં સામેલ મુખ્ય તત્વ છે. રિપોર્ટ મુજબ, તેને સૌથી શક્તિશાળી વિસ્ફોટકોમાંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે તેના રંગહીન ક્રિસ્ટલ હોવાને કારણે અને ઓળખવામાં મુશ્કેલી પડતી હોવાથી આતંકવાદીઓ તેનો ઉપયોગ કરે છે. અન્ય રસાયણોની સરખામણીમાં ધમાકા માટે તેના ઓછા જથ્થાની જરૂર પડે છે.
રિપોર્ટમાં એક અધિકારીના હવાલાથી જણાવાયું છે કે, 'PETN સ્થિર હોય છે અને તેને ગરમી કે શોક વેવ દ્વારા ધમાકા માટે ટ્રિગર કરી શકાય છે. એક કાર 100 ગ્રામમાં તબાહ થઈ શકે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે PETN અથવા સેમટેક્સને વિસ્ફોટક તરીકે અસરકારક બનવા માટે કોઈ વધારાના ટુકડાઓ (જેમ કે ખીલા કે બોલ્ટ)ની જરૂર પડતી નથી. તે પોતે જ વિસ્ફોટ કરીને મોટું નુકસાન પહોંચાડવા સક્ષમ છે.'
એવા સમાચાર છે કે એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઇલ સબસૉનિક બર્નને બદલે સુપરસૉનિક શૉક વેવ બનાવે છે. સરળ ભાષામાં કહીએ તો, તે ખૂબ જ ઝડપથી ઊર્જા મુક્ત કરે છે, જેના કારણે મોટો ધમાકો થાય છે. વર્ષ 2011માં દિલ્હી હાઈકોર્ટમાં થયેલા ધમાકામાં કહેવાયું હતું કે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ PETN સાથે કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં સરકારે જણાવ્યું હતું કે તેમાં આરડીએક્સનો ઉપયોગ થયો હતો.

