For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિકાસને સરન્ડર થવા કહ્યું પણ, તાબે ન થતા આત્મરક્ષણ માટે ગોલી મારવી પડી : ADG

Updated: Jul 10th, 2020


- કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહના કહેવા પ્રમાણે તેમને પહેલેથી જ વિકાસ દુબેનું એન્કાઉન્ટર થશે તેવી આશંકા હતી

કાનપુર, તા. 10 જુલાઈ 2020, શુક્રવાર

કાનપુરના બિકરૂ ગામમાં સીઓ સહિત આઠ પોલીસ કર્મચારીની હત્યાનો આરોપી પાંચ લાખનો ઈનામી વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. એસટીએફનો કાફલો તેને ઉજ્જૈનથી કાનપુર લાવી રહ્યો હતો તે સમયે ગાડી પલટી ગઈ હતી અને વિકાસ દુબેએ હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ પોલીસ અથડામણમાં વિકાસ દુબે માર્યો ગયો હતો. 

ઉજ્જૈન ખાતેના મહાકાલ મંદિરના પરિસરમાંથી વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી હતી. આઠ પોલીસ કર્મચારીની હત્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થયેલો વિકાસ યુપી, દિલ્હી, હરિયાણા અને મધ્ય પ્રદેશ પોલીસને ચકમો આપીને દર્શન માટે મંદિરે પહોંચ્યો હતો. ધરપકડ બાદ બે કલાક સુધી પોલીસ ટ્રેઈનિંગ સેન્ટરમાં વિકાસની પુછપરછ કરાઈ હતી અને ત્યાર બાદ મધ્ય પ્રદેશ પોલીસે તેને યુપી એસટીએફને સોંપી દીધો હતો. 

આત્મરક્ષણ માટે વિકાસને ગોળી મારીઃ એડીજી

યુપી એડીજી-લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે, વિકાસને સરેન્ડર કરવા કહેવામાં આવ્યું હતું પરંતુ તે ન માન્યો. તેને અનેક વખત આત્મસમર્પણ માટે કહેવામાં આવેલું પરંતુ તે ન માન્યો એટલે આત્મરક્ષણ માટે પોલીસે તેને ગોળી મારવી પડી. 

ચાર પોલીસ કર્મચારી, બે એસટીએફ કમાન્ડો ઘાયલ

અકસ્માત બાદ પોલીસ અને વિકાસ દુબે વચ્ચે થયેલી અથડામણમાં સિવિલ પોલીસના ચાર કર્મચારી ઘાયલ થયા હતા જે પૈકીના ત્રણ સબ ઈન્સપેક્ટર છે અને એક કોન્સ્ટેબલ છે. તે સિવાય એસટીએફના બે કમાન્ડોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. 

આ તરફ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે પોતાને પહેલેથી જ વિકાસ દુબેનું એન્કાઉન્ટર થશે તેવી આશંકા હતી તેમ જણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે વિકાસ દુબે પાસે અનેક એવા રહસ્યો હતા જેમાં કયા રાજકીય નેતાઓ જોડાયેલા હતા, કઈ પોલીસનો સાથ હતો, કયા અધિકારીઓ સામેલ હતા વગેરે ખુલાસા થાત.

Gujarat