વેંકૈયા નાયડૂએ PM મોદીને આપી સલાહઃ નેતાઓને મળીને ભ્રમો દૂર કરવા જોઈએ


- નાયડૂએ આરોગ્ય, વિદેશ નીતિ અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ માટે PM મોદીના વખાણ કર્યા

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ શુક્રવારના રોજ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોના નેતાઓની મુલાકાત લઈને વિપક્ષની 'ગેર સમજ'ને દૂર કરવી જોઈએ. આ સાથે તેમણે વિપક્ષને પણ સલાહ આપી હતી. નાયડૂએ વડાપ્રધાનના ભાષણો ઉપરના પુસ્તકના વિમોચનનો પ્રસંગમાં હાજરી આપી હતી. નાયડૂએ આરોગ્ય, વિદેશ નીતિ અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ માટે PM મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, વિશ્વમાં હવે ભારતની ઓળખાણ થઈ રહી છે. 

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સ્પીકસ ( મે 2019-મે 2020) પુસ્તકનું વિમોચન કર્યા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે, ભારત હવે એક શક્તિ બની ગયું છે. તેનો અવાજ હવે સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યો છે. આટલા ટૂંકા સમયગાળામાં આ કરી બતાવવું તે કોઈ સામાન્ય બાબત નથી. આ તેમના કાર્યો અને જે માર્ગદર્શન તેઓ લોકોને આપી રહ્યા છે અને ભારતની પ્રગતિના કારણે છે.  


ગેર સમજોને દૂર કરવી પડશે

જો કે નાયડૂએ કહ્યું હતું કે, મોદીની સિદ્ધિઓ હોવા છતા કેટલાક વર્ગોમાં હજુ પણ 'કેટલીક ગેર સમજ છે, કદાચ કેટલીક રાજકીય મજબૂરીઓને  કારણે' અથવા તેમની પદ્ધતિઓ વિશે કેટલાક વાંધાઓ છે. નાયડૂએ કહ્યું હતું કે, 'સમયની સાથે, આ ગેર સમજોને પણ દૂર કરવી જોઈએ. વડાપ્રધાને સત્તાપક્ષ તેમજ વિપક્ષના નેતાઓને મળીને તેમની ગેર સમજોને દૂર કરવી જોઈએ.' 

વિપક્ષને સલાહ

નાયડૂએ આગળ કહ્યું હતું કે, રાજકીય પક્ષોએ પણ મન ખુલ્લુ રાખવું જોઈએ અને જનાદેશનું સમ્માન કરવું જોઈએ. 'તેઓ પણ ખુલ્લા વિચારોના હોવા જોઈએ... તમારે બધાએ એ સમજવું જોઈએ કે તમે દુશ્મન નથી પણ હરીફ છો. બધા પક્ષોએ એક-બીજાનું સમ્માન કરવું જોઈએ'

આરિફ મોહમ્મદ ખાને કર્યા PM મોદીના વખાણ

આ સમારોહમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રા પણ હાજર હતા. આરિફ ખાને મુસલમાનોની 3 તલાકની પ્રથા ઉપર પ્રતિબંધ લગાવવા માટેનો કાયદો બનાવવા માટે વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. 

City News

Sports

RECENT NEWS