For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પહેલી જ સફરમાં વંદે ભારત ટ્રેન દોઢ કલાક મોડી પહોંચી

- દેશની પહેલી સેમિ હાઇ સ્પિડ ટ્રેનને દિલ્હીથી વારાણસી પહોંચતા એક કલાક, ૨૫ મિનિટ જેટલો વધારે સમય લાગ્યો

Updated: Feb 18th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર

દેશની પ્રથમ સેમિ હાઇ સ્પિડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને પોતાની પહેલી જ સફરમાં વારાણસી પહોંચતા દોઢ કલાક જેટલું મોડું થયુ હતું. જો કે નિર્ધારીત સમય કરતા મોડું થયુ હોવા છતા પણ મુસાફરોના ઉત્સાહમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહોતો નોંધાયો. 

વંદે ભારત એક્સપ્રેસ રવિવારે તેના નિર્ધારીત સમય છ વાગ્યે નવી દિલ્હી સ્ટેશન જવા માટે રવાના થઈ હતી. પંરતુ રસ્તામાં ધુમ્મસ હોવાના કારણે તેનેે પોતાના પહેલા પડાવ કાનપુર પહોંચતા ૧:૧૪ કલાક જેટલો વધારે સમય લાગ્યો હતો અને તે સવારે ૧૧:૩૨ કલાકે કાનપુર પહોંચી હતી. ટ્રેન કાનપુર સ્ટેશન પહોંચતા જ તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યાર બાદ રસ્તામાં વધુ ચાર અડચણો આવતા ટ્રેનને ૧૫ મિનિટ મોડું થયુ હતું.

આખરે બપોરે ૩:૨૫ કલાકે ટ્રેન પોતાના અંતિમ પડાવ વારાણસી જંક્શન પહોંચી હતી જે તેના નિર્ધારીત સમય કરતા એક કલાક ૨૫ મિનિટ જેટલું મોડું હતુ. ત્યાંથી પરત ફરવામાં પણ ટ્રેનને ૧:૧૯ કલાકનો સમય લાગ્યો હતો અને તે સાંજે ૪:૧૯ કલાકે દિલ્હી જવા રવાના થઈ હતી. 

વંદે ભારત એક્સપ્રેસ માટે અલાહાબાદ-વારાણસી રુટ પરના રેલ્વે ક્રોસિંગને અનેક કલાક સુધી બંધ રાખવા પડયા હતા. લોહતા સ્ટેશન પર લખનૌ ઇંટરસિટીને લાંબા સમય સુધી રોકી રાખવામાં આવતા તેમાં રહેલા યાત્રિકો ઉશ્કેરાયા હતા. આ ઉપરાંત રવિવારની રજા હોવા છતા અનેક અધિકારીઓએ પણ કામમાં રોકાઈ રહેવું પડયુ હતું.

ટ્રેનમાં સફર કરનારા યાત્રિકોએ એકંદરે આ સેવાને વખાણી છે પરંતુ તેમણે ફુડ સર્વિસમાં સુધારો કરવાની જરુર હોવાની સલાહ આપી હતી. રવિવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને શનિવાર એમ સપ્તાહમાં પાંચ દિવસ આ ટ્રેનને દોડાવવામાં આવશે અને નવી દિલ્હીથી વારાણસી સુધીના ૮૦૦ કિમીના અંતરને કાપતા આ ટ્રેનને આઠ કલાકનો સમય લાગશે.

Gujarat