Get The App

યુપીમાં કરુણ ઘટના, એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, દરવાજો તોડતાં જ ગ્રામજનો ચોંક્યા

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
યુપીમાં કરુણ ઘટના, એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, દરવાજો તોડતાં જ ગ્રામજનો ચોંક્યા 1 - image


Uttar Pradesh Crime News: ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં શુક્રવારે સવારે એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. શ્રાવસ્તીના લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના પાંચ લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પતિનો મૃતદેહ ફાંસીના માંચડે લટકતો મળી આવ્યો હતો, જ્યારે તેની પત્ની અને ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ ઘરની અંદર ખાટલા પર પડ્યા હતા.

મળતી માહિતી મુજબ મૃતકોનો રૂમ અંદરથી બંધ હતો, જેના કારણે ઘટના વધુ રહસ્યમય બની છે. શુક્રવારે સવારે જ્યારે પરિવારજનો અને ગ્રામજનોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને સૌ ચોંકી ઉઠ્યા હતા.

મૃતકોમાં કોનો સમાવેશ?

મૃતકોની ઓળખ લિયાકત પુરવા ગામના નિવાસી રોઝ અલી (32), તેની પત્ની શહનાઝ (30), પુત્રી તબસ્સુમ (6), પુત્રી ગુલનાઝ (4) અને દોઢ વર્ષીય પુત્ર મુઇન અલી તરીકે થઈ છે. રોઝ અલીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે બાકીના ચાર સભ્યોના મૃતદેહ ખાટલા પર હતા. દરવાજો અંદરથી બંધ હોવાથી શંકા જતાં દરવાજો તોડ્યો તો પરિવારની લાશો પડી હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા

પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે જ ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે.

જિલ્લાના એસપી રાહુલ ભાટી અને એએસપી મુકેશ ચંદ્ર ઉત્તમ સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. રૂમ અંદરથી બંધ હોવાથી આ ઘટના આત્મહત્યા છે કે હત્યા, તે અંગે અનેક શંકાઓ સેવાઈ રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.


Tags :