PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી
CM Yogi on PM Narendra Modi : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (12 મે, 2025) દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર યોગીએ વડાપ્રધાનના સંબોધન પર કહ્યું કે, 'આ નવા ભારતની નીતિનું એલાન છે...'
વડાપ્રધાનના સંબોધન પર યોગીએ શું કહ્યું?
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'વડાપ્રધાનનું આજનું સંબોધન આતંકીઓ વિરુદ્ધમાં 'નવા ભારત'ની નીતિનું સ્પષ્ટ એલાન છે. ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ દેશની બહેન-દીકરીના સન્માનની રક્ષાનો સંકલ્પ છે. જે આપણી માતા-બહેનોના માથાના સિંદૂર મિટાવી દેવાની હિંમત કરશે, તેને ધૂળમાં મળવું નિશ્ચિત છે. ભારત હવે ચૂપ નહીં બેસે, દરેક વારનો જવાબ કરશે. સેનાને નમન અને વડાપ્રધાનનું રાષ્ટ્રવાદી નેતૃત્વ માટે અભિનંદન. તમામ ભારતીયવાસીઓ માટે રાષ્ટ્ર જ સર્વોપરિ છે. જય હિંદ!'
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા
જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પણ વડાપ્રધાનના સંબોધન પર પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્ર પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, 'વડાપ્રધાનનું રાષ્ટ્રનું સંબોધન માત્ર સંદેશ નહીં, પરંતુ રાષ્ટ્રની ચેતના અને મજબૂત ભારતની ગર્જના હતી. સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને દૃઢતાથી ભરેલા તેમના મજબૂત સંદેશે સાબિત કર્યું કે, આજે ભારત દુશ્મનોને તેમની જ ભાષામાં જવાબ આપવાની ક્ષમતા પણ ધરાવે છે. ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે. આતંકવાદને આશ્રય આપનારાઓને હવે તેમની જ ધરતી પર શોધીને ખતમ કરવામાં આવી રહ્યા છે.'
આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી
ધામીએ વધુમાં કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, પણ ભારતની માતાઓ-બહેનોના સિંદૂરની રક્ષા કરવાનો દ્રઢ સંકલ્પ છે. આપણી સેનાએ અપ્રતિમ બહાદુરી બતાવી. આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ અને નિર્ણાયક હુમલાએ આખી દુનિયાને બતાવી દીધું કે ભારત હવે ફક્ત સહન કરતું નથી, પરંતુ પોતાના અંદાજમાં જવાબ આપે છે. ઉત્તરાખંડની બહાદુર ભૂમિના લોકો રાષ્ટ્રની સુરક્ષા અને સમૃદ્ધિ માટે હંમેશા તૈયાર રહેશે.'