For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉ.પ્રદેશમાંથી જૈશના બે ત્રાસવાદી ઝડપાયા : કાશ્મીરમાં તોયબાના બે આતંકી ઠાર

- એટીએસ અને સેનાના જવાનોને મળેલી સફળતા

- દેવબંદમાં કોઇ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લીધા વિના બંને વિદ્યાર્થીના સ્વાંગમાં રહેતા હતા

Updated: Feb 22nd, 2019


ઉ. પ્રદેશના દેવબંદમાંથી પકડાયેલા બે કાશ્મીરી જૈશમાં આતંકીની ભરતીનું કામ કરતા હતા: બંને પાસેથી .૩૨ બોરની પિસ્તોલ જપ્ત 

લખનઉ,શ્રીનગર, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

ઉત્તરપ્રદેશના દેવબંદમાંથી એટીએસે જૈશે મોહમંદના બે આતંકીની ધરપકડ કરી હતી. આ બંને વિદ્યાર્થીઓના સ્વાંગમાં જૈશ માટે આતંકીઓની ભરતી કરવામાં સંડોવાયેલા હતા. જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકી સાથેના સંઘર્ષમાં લશ્કરે તોયબાના બે આતંકી ઠાર થયા હતા.

ઉત્તરપ્રદેશ એટીએસે મોટી કાર્યવાહી કરીને સહારનપુર જિલ્લાના દેવબંદમાંથી કાશ્મીરના કુલગામના રહેવાસી શાહનવાઝ અહેમદ તેલી અને પુલવામાના રહીશ અકીબ એહમદ મલિકની ધરપકડ કરી હતી. બંને પાસેથી ૩૨ બોરની પિસ્તોલ અને કાર્ટિજ જપ્ત કર્યા હતા. બંને આરોપી ૨૦ થી ૨૫ વર્ષના છે અને દેવબંદમાં વિદ્યાર્થીના સ્વાંગમાં રહેતા હતા.

જોકે બંનેએ કોઇ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો નહોતો તેમ ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે જણાવ્યું હતું. બંને આરોપીઓ પાસેથી જૈહાદી ઓડિયો-વિડીયો અને અન્ય સાહિત્ય પણ કબજે કરાયું હતું. તેમના હજી વધુ સાથીઓની શોધખોળ ચાલુ છે આ બંને આરોપી લાંબા સમયથી આતંકીઓની ભરતી કરવાના કામમાં સામેલ હતા. કેટલાની ભરતી કરી તે સ્પષ્ટ થયું નથી.

દરમિયાન કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં તોયબાના બે આતંકી ઠાર થયા હતા. બંને પાસેથી ભારે માત્રામાં હથિયાર જપ્ત કરાયા હતાં. આ આતંકીની ઓળખ થઈ શકી નથી. ગુરુવારે સોપોરમાં ગોળીબાર થયા બાદ એનકાઉન્ટર શરૃ થયું હતું.

કાશ્મીર ખીણમાં લગભગ ૬૦ આતંકી સક્રિય છે તેમાંના ૩૫ પાકિસ્તાન હોવાનું મનાય છે આ આતંકી વિરુદ્ધ સેનાએ ઓપરેશન ૬૦ શરૃ કર્યું છે. અગાઉ શોપિયાંમાં સેનાના કેમ્પ નજીક શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી અને સેનાએ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાના શસ્ત્રવિરામ ભંગ વચ્ચે જવાનો પાકિસ્તાનને પણ જવાબ આપી રહ્યા છે.

સાત પાકિસ્તાની આતંકીઓને તિહારમાં ખસેડવા સુપ્રીમમાં અરજી

જમ્મુ જેલમાં બંધ પાકિસ્તાનના સાત આતંકવાદીઓને દિલ્હીની તિહાર જેલમાં ખસેડવા જમ્મુ અને કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.  જમ્મુ-કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે જમ્મુ જેલમાં બંધ પાકિસ્તાની આતંકીઓ સ્થાનિક કેદીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાથી આ સાત પાકિસ્તાની કેદીઓને તિહાર જેલમાં ખસેડવામાં આવે. આ અરજીના સંદર્ભમાં ન્યાયમૂર્તિ એલ એન રાવ અને ન્યાયમૂર્તિ એમ આર શાહની ખંડપીઠે કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે જવાબ માગ્યો છે.

Gujarat