For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એરો ઇન્ડિયા શોના એક દિવસ પહેલા જ એરફોર્સના બે વિમાન ક્રેશ : એક પાયલોટનું મોત, બે ઘાયલ

બેંગાલુરુ પાસેના યેલાહાંકા એરબેઝની પાસે સર્જાયેલી કરુણાતિંકા

ઇન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ સૂર્ય કિરણના બે વિમાન એકબીજા સાથે અથડાતા સર્જાયેલી ઘટના

Updated: Feb 19th, 2019


(પીટીઆઇ) બેંગાલુરુ, તા. ૧૯Article Content Image

એરો ઇન્ડિયા શોના રિહર્સલ દરમિયાન યેલાહાંકા એરબેઝની પાસે ઇન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ સૂર્ય કિરણના બે વિમાન એકબીજા સાથે અથડાતા એક પાયલોટનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે. 

એર શો શરૃ થવાના એક દિવસ પહેલા જ આ ઘટના સર્જાઇ છે. આવતીકાલથી શરૃ થનાર એર શો પાંચ દિવસ સુધી ચાલશે. આ ઘટનાની વીડિયો ક્લિપ પરથી જાણવા મળ્યું છે કે આકાશમાં બંને વિમાનો એકબીજા સાથે ટકરાયા પછી બંને વિમાનોમાં આગ લાગી ગઇ હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર આ બંને વિમાન અથડાઇને રહેણાંક વિસ્તારમાં પડયા હતાં પણ સદનસીબે કોઇ પણ નાગરિકને ઇજા થઇ ન હતી.

ડીજીપી ફાયર સર્વિસ એમ એન રેડ્ડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ત્રણ પાયલોટો પૈકી એક પાયલોટનું મોત થયું છે અને બે પાયલોટો ઘાયલ થયા છે. ઘાયલ પાયલોટોને બેંગાલુરુની એરફોર્સ કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ડિફેેન્સ પીઆરઓ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું છે કે એર શોની પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના સવારે ૧૧.૫૦ વાગ્યે બની હતી.

આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે. 

જ્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણને આ ઘટના અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે મને આ ઘટનાની જાણ છે. જો કે તેમણે આ ઘટના અંગે વધુ માહિતી આપી ન હતી.

આ ઘટના પછી બેંગાલુરુના પોલીસ કમિશનર ટી સુનિલકુમારે જણાવ્યું હતું કે ઇસરો પાસેના રહેણાંક વિસ્તારમાં આ બંને વિમાનો તૂટીને પડયા હતાં. 

ઇન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ સૂર્ય કિરણની રચના ૧૯૯૬માં કરવામાં આવી હતી. 

Gujarat