For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલા બાદ આર્મીની ભરતીમાં હજારો કાશ્મીરી યુવાનો ઉમટયા

- સેનાની ૧૧૧ પોસ્ટની ભરતી માટે ૩,૫૦૦ જેટલા કાશ્મીરી યુવાનોનો ધસારો

- એક તરફ દેશભરમાં કાશ્મીરીઓ પર હુમલા થઈ રહ્યા છે ત્યારે તેઓ સેનામાં જોડાવવા તત્પર

Updated: Feb 21st, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ દેશભરના લોકોમાં રોષનો જુવાળ પ્રગટયો છે ત્યારે ઉત્તર કાશ્મીરમાં હજારો કાશ્મીરી યુવાનો સેનામાં અને પોલીસમાં ભરતી થવા માટે ભારતીય સેનાના કેમ્પની બહાર ઉમટી પડયા હતા. 

સોમવારથી જ  સેનાના ૧૬૧ ટેરિટોરીયલ આર્મી કેમ્પના બહાર બારામુલ્લા, કુપવારા અને બાંદીપોરા જિલ્લાના યુવાનોએ જોબ એપ્લિકેશન સાથે લાઈન લગાવી છે.

એક તરફ ૧૪મી ફેબુ્રઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં કાશ્મીરીઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સિક્કાની બીજી બાજુ સમાન એવા પણ અનેક કાશ્મીરી યુવાનો છે જે ભારતીય સેનામાં ભરતી થઈને દેશ સેવા કરવાની ઈચ્છા ધરાવી રહ્યા છે.

કમાન્ડિંગ ઓફિસર વેદ બેનિવાલે જણાવ્યા મુજબ ભારતીય સેનાની ૧૧૧ પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે ૩,૫૦૦ જેટલા કાશ્મીરી યુવાનો ઉમટી પડયા છે. ભરતી માટે ઉપસ્થિત અનેક યુવાનોએ પોતાને દેશ સેવા કરવાનો મોકો મળે તેનાથી વિશેષ શું હોઈ શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

આર્મીમાં ભરતી થવા માટે ૧૦મું ધોરણ પાસ કરેલું હોવું તે એક બેઝિક જરુરીયાત છે પરંતુ અનેક ગ્રેજ્યુએટ યુવાનોએ આર્મીમાં જોડાવવા માટે તત્પરતા દાખવી છે અને અમુક પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનોએ પણ ભરતી માટે અરજી મોકલી છે.

કુપવારા વિસ્તારના એક ઉમેદવારે જણાવ્યું કે તેના માટે આ એક સારી નોકરીની તક છે કારણ કે તેની જિંદગીના ૩૦ વર્ષ વીતી ગયા છે અને તે હજુ સુધી આવકનો નિશ્ચિત સ્ત્રોત નથી મેળવી શક્યો. કાશ્મીરી યુવાનોના મતે ઘાટીમાં રહીને નાની ઉંમરે બાંધી આવકની સરકારી નોકરી મળી રહે તે તેમના માટે એક ખૂબ જ સારો વિકલ્પ છે.

Gujarat