For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાવાઝોડું બુધવારની રાત સુધીમાં ત્રાટકવાની શક્યતા

- ભારે વરસાદ સાથે 90થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

- દમણના દરિયા કિનારે ટકરાતા અગાઉ વાવાઝોડાની તીવ્રતા ઘટે તેવી શક્યતા: હાલ સુરતથી 900 કિ.મી. દૂર

Updated: Jun 1st, 2020

- સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, ભાવનગર અને અમરેલી જિલ્લાનાં અનેક ગામોને સાવધ રહેવા તાકીદ

- ત્રીજી અને ચોથી જૂને લોકોને ઘરની બહાર ન નીકળવા ચેતવણી


Article Content Image

અમદાવાદ, તા.01 જૂન 2020, સોમવારArticle Content Image

કુદરત ગુજરાતની કસોટી કરવા બેઠું હોય તેમ જણાય છે. એક તરફ કોરોના કેર છે ત્યાં હવે 'નિસર્ગ' વાવાઝોડાનું સંકટ ઘેરાઇ ગયું છે. નિસર્ગ વાવાઝોડું ૩ જૂનના સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે. જોકે, એ વખતે નીસર્ગ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો જોવા મળે તેની સંભાવના છે. આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ૩થી ૫ જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'પૂર્વમધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

આ ડિપ્રેશન પણજીના દક્ષિણપશ્ચિમથી ૩૪૦ કિલોમીટર, દક્ષિણ-દક્ષિણપશ્ચિમ મુંબઇથી ૬૩૦ કિલોમીટર જ્યારે સુરતના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી ૯૦૦ કિલોમીટરના અંતરે છે. તે હવે પૂર્વમધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. ' ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે. 

નિસર્ગ વાવાઝોડાને પગલે બુધવારે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલીમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. દરમિયાન આજે સુરેન્દ્રનગરમાં ૪૧.૫ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર અમદાવાદ-રાજકોટમાં ૪૧.૨ડીસામાં ૪૦.૩, ગાંધીનગરમાં ૪૦.૮, આણંદમાં ૪૦.૮, વડોદરામાં ૩૯, સુરતમાં ૩૫.૭, અમરેલીમાં ૪૦.૯, ભાવનગરમાં ૩૮.૩, પોરબંદરમાં ૩૫.૧, દીવમાં ૩૪.૮, ભૂજમાં ૩૯.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. અમદાવાદમાં આગામી ગુરુવાર-શુક્રવારે હળવા જ્યારે શનિવારે ભારે વરસાદની સંભાવના છે.

Article Content Imageગુજરાતના કયા જિલ્લામાં ક્યારે ગાજવીજ સાથે વરસાદની આગાહી?

૩ જૂન: નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, દીવ.

૪ જૂન: દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ.

૫ જૂન: ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા  ઉદેપુર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ. 

વાવાઝોડાને પહોંચી વળવા ગુજરાત સરકાર સક્રિય થઇ: રૂપાણીએ તાકીદની બેઠક યોજી 

7 જિલ્લામાં હાઇએલર્ટ: NDRF-SDRFની 15 ટીમ તૈનાત

ત્રીજી  જૂને દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ  તથા સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના નીચાળવાણા વિસ્તારમાં કલાકના ૯૦ થી ૧૧૦ કિ.મી.ના ઝડપે પવન ફૂંકાવાની  સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વાવાઝોડાને નિસર્ગ નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડું ત્રાટકવાનું હોવાથી આગામી ત્રીજી અને ચોથી જૂને શક્ય હોય તો ઘરમાંથી બહાર ન નીકળવા ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને વિનંતી કરી છે. સંભવિત વાવાઝોડાને કારણે દમણ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાઓ એલર્ટ પર છે. 

બીજી તરફ વાવાઝોડાની અસર હેઠળ આવનારા  વિસ્તારમાં પહોંચી વળવા વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં એનડીઆરએફની ૧૦ અને એસડીઆરએફની ૫ ટીમ તહેનાત કરી દેવાની તૈયારી કરી લીધી છે. વાવાઝોડા દરમિયાન જરૂર પડશે તો વધુ ટીમો પણ નજીકના વિસ્તારમાં અનામત રાખી દેવામાં આવી છે. 

આ ટીમો ત્વરિત બચાવ રાહત માટે જરૂરીયાત મુજબ જે તે વિસ્તારોમાં  પહોચાડી દવાનું આયોજન કરી લેવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

વાવાઝોડાને કારણે જરૂર જણાશે તો વધુ ટીમો તૈયાર રાખવાનું આયોજન પણ કરી લીધું છે. મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના લોકોને ત્રીજી અને ચોથી જૂને જરૂર વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. ગંભીર રોગથી પીડાતા લોકો, વૃદ્ધો અને બાળકોની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો છે. 

તેમણે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ત્રાટકનારા  સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ કરી દેવાયું છે. વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં હાઈપાવર કમિટીની બેઠક યોજીને વાવાઝોડનાને કારણે સર્જાનારી સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેકટરો સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્પરન્સ યોજીની સમગ્ર આયોજનને જડબેસલાક કરી દેવામાં આવ્યું છે 

દક્ષિણ ગુજરાતમાં વલસાડ-સુરત-ભરૂચ-નવસારી અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લાના લોકોને ત્રીજી અને ચોથી જૂને જરૂર વિના બહાર ન નીકળવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે. તેમ જ માછીમારો-ઝીંગા ફાર્મમાં કામ કરતાં લોકો-અગરિયાઓ સહિતના નીચાણવાળા વિસ્તારોમા રહેતાં લોકોને મંગળવારે બપોરે ૧૨ વાગ્યા સુધી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે.

સ્થળાંતર દરમ્યાન કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સીંગ-માસ્કનો ઉપયોગ સહિતના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા તાકીદ પણ કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના અધિકારીઓને તથા આરોગ્ય વિભાગના અધિકારીઓને આ તાકીદ કરવામાં આવી છે. વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઈને *માછીમારી માટે ગયેલા માછીમારો-સાગરખેડૂઓને પરત બોલાવી લેવાયા છે. 

વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં એનડીઆરએફની  ૧૦ અને એસડીઆરએફની ૫ ટીમ તૈનાત કરી દવા ઉપરાંત રાજ્યકક્ષા-જિલ્લાકક્ષાએ ૨૪ટ૭ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ અને મુખ્ય સચિવ અનિલ મુકિમ તથા રાજ્યના વરિ સચિવો સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબંધિત જિલ્લાના કલેકટરો પાસેથી પરિસ્થિતીનો અંદાજ મેળવ્યો હતો.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતુ કે, વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં લોકોનું સ્થળાંતર કરતી વખતે રેસ્ક્યૂ ટીમોએ  માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સ અને ઁઁઈ કિટ્સ જેવાં જરૂરી સાધનોથી પણ સજ્જ થવું પડશે. અત્યારથી જ સંભવિત વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન તેમજ કોવિડ હોસ્પિટલોમાં રહેલાં દરદીઓની યાદી તૈયાર રાખવી પડશે જેથી આગળની વ્યવસ્થા સુચારુ રીતે થઈ શકે. જે તે વિસ્તારમાં શાળા-કોલેજમાં શેલ્ટર હોમની વ્યવસ્થા પણ અત્યારથી જ કરી દેવાની રહેશે. કલેક્ટરોને આ માટે તૈયાર રહેવા જણાવી દેવાયું છે. 

વાવાઝોડાની અસર હેઠળના વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાનો સ્ટેટ કન્ટ્રોલ રૂમ તેમજ તમામ જિલ્લાઓમાં જિલ્લા કન્ટ્રોલ રૂમ પણ ૨૪ કલાક સાતેય દિવસ માટે શરૂ કરી દેવામાં આવ્યા છે જે સતત માહિતીનું આદાન-પ્રદાન કરતા રહેશે. 

વાવાઝોડાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર ગુજરાતને  પૂરતી સહાય આપશે: અમિત શાહ

ગુજરાત પર ત્રાટકનારા નિસર્ગ વાવાઝોડાની અસરને ઓછી કરવા માટે રાજ્ય સરકારે કરેલી તૈયારીને મુદ્દે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે આજે વિડિયો કોન્ફરન્સના માધ્મયથી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા વિચારણા કરીને પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તરફથી પૂરતી સહાય આપવાની ખાતરી આપવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત સરકારની તૈયારી કેવી છે તે અંગે ચર્ચા કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ચીફ સેક્રેટરી અનિલ મુકીમે આ વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

Gujarat