For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત દર્શન યોજનાના ટૂર પેકેજમાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નો સમાવેશ કરાશે

- ચંદીગઢથી ઉપડનારી ટ્રેન દ્વારા ચારધામ યાત્રા સહિત

- પ્રવાસીઓ માટે આઠ દિવસ અને સાત રાત્રિની આ પેકેજ ટૂર નોનએસી ટ્રેન દ્વારા થશે

Updated: Feb 22nd, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

ગુજરાતના આકર્ષણ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા લોકો માટે રેલ્વે એક ખાસ ટ્રેન દોડાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટન થયાના પાંચ મહિના બાદ મંત્રાલય દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 

રેલ્વે મંત્રાલયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે એક ખાસ સેવાની જાહેરાત કરી છે. સરકારની ભારત દર્શન યોજના અંતર્ગત આઠ દિવસ અને સાત રાત્રિનું એક ટુર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ પણ કરાવાશે.

આ માટે ચાર માર્ચના રોજ એક સ્પેશિયલ ટ્રેન ચંદીગઢથી ઉપડશે. આ પ્રવાસમાં ઉજૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ,મધ્ય પ્રદેશ, ઈન્દોર પાસેનું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, શિરડી સાંઈ બાબા, નાસિકમાં ત્ર્યંબકેશ્વર, મહારાષ્ટ્ર અને ઔરંગાબાદના ઘુરનેશ્વર જ્યોતિર્લિંગ જેવા યાત્રાધામોની મુલાકાત લેવાશે. 

આ ટુર પેકેજ માટે વ્યક્તિદીઠ ૭,૫૬૦ રુપિયા ટિકિટ પેઠે વસૂલવામાં આવશે અને તેના માટે ચંદીગઢ ઉપરાંત અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત, દિલ્હી કેન્ટ, રેવારી, અલવર અને જયપુર સ્ટેશન બોર્ડિંગ-ડીબોર્ડિંગ પોઈન્ટ તરીકે નક્કી કરવામાં આવ્યા છે. 

દેશના મહાન લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પેકેજ ડિઝાઈન કરવામાં આવ્યું છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે ટ્રેન વડોદરા સ્ટેશને હોલ્ડ કરશે અને ત્યાંથી લોકોને બસમાં બેસાડીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરાવાશે. વડોદરા નજીક નર્મદા ડેમથી ૩.૨ કિમી દૂર આવેલા સાધુ બેટ નામના દ્વીપ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. ૧૮૨ મીટરની ઉંચાઈ ધરાવતી વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે.

રેલ્વેના આ પેકેજમાં નોન એસી સ્લિપર કોચમાં ટ્રેનની મુસાફરી, રાત્રિ રોકાણ માટે હોલ કે ડોરમેટરી, નાહવા-ધોવાની વ્યવસ્થા, શુધ્ધ શાકાહારી ભોજન, ટુર મેનેજર, સાઈટ સીઇંગ માટે નોન એસી વાહન જેવી સુવિધા આપવામાં આવશે.

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્થિત ૧૮૨ મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના લોકાર્પણ બાદ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ માત્ર ત્રણ દિવસમાં મુલાકાતીઓના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રસ્ટ પાસેે ૧.૨૬ કરોડનું ભંડોળ જમા થયુ હતું ત્રણ મહિનામાં કુલ ૧૯,૦૯,૦૦,૪૧૧ રુપિયાની કમાણી થઈ હતી.

Gujarat