For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલાનું RDX પાકિસ્તાનથી લવાયેલું, વિસ્ફોટમાં વપરાયેલી કારનું પગેરું મળ્યું

- પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના એનઆઇએને વધુ પુરાવા મળ્યા

- સજ્જાદ જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયો તે પહેલા વિદ્યાર્થી હતો, હાલ શોધખોળ જારી

Updated: Feb 26th, 2019

Article Content Image

૨૦૧૧માં વેચાયેલી કારના માલિકો સાત વખત બદલાયા, અંતે હુમલાના ૧૦ દિવસ પહેલા આતંકી સજ્જાદે ખરીદી હતી

નવી દિલ્હી, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર

કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા પણ હવે સામે આવી ગયા છે. એનઆઇએની તપાસમાં જાણવા મળ્યું છે કે પુલવામા હુમલાને અંજામ આપવા માટે આતંકીએ મારુતી ઇકો નામની કારનો ઉપયોગ કર્યો હતો. આ કારને હુમલાના ૧૦ દિવસ પહેલા જ ખરીદવામાં આવી હતી. જોકે હુમલા બાદ આ કારનો માલીક ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે.

 અધિકારીઓએ જણાવ્યું હતું કે એનઆઇએને તપાસમા જાણવા મળ્યું છે કે જે ઇકો કારનો ઉપયોગ પુલવામા હુમલામાં થયો હતો તેના માલિકનું નામ સજ્જાદ બટ છે અને તે અનંતનાગનો વતની છે. આ કારનો માલિક સજ્જાદ બટ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનમાં સામેલ થયો હતો જે બાદ હાથમાં હથિયારો સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. 

એનઆઇએના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફોરેન્સીક રિપોર્ટમાં સામે આવ્યું છે કે પુલવામા હુમલામાં મારુતી ઇકો ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જેના ચેસીસ નંબર અને એન્જિન નંબર પરથી આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ કારને ૨૦૧૧માં અનંતનાગના વતની મોહમ્મદ જલીલ અહેમદને વેચવામાં આવી હતી. આ કારના માલિકો બાદમાં સાત વખત બદલાયા હતા અને અંતે તે અનંતનાગના વતની જૈશના આતંકી સજ્જાદ બટના હાથમાં આવી હતી.  સજ્જાદે આ કાર હુમલાના ૧૦ દિવસ પહેલા જ ખરીદી હતી.

ચાર ફેબુ્રઆરીએ તેણે આ કાર ખરીદી હતી. સજ્જાદ શોપિયામાં આવેલા સીરાજ ઉલ ઉલુમનો વિદ્યાર્થી હતો, જે બાદ તે આતંકી બની ગયો. આ કારને બાદમાં તેણે આત્મઘાતી હુમલા માટે આતંકીને આપી દીધી હતી, જેમાં અનેક કીલો વિસ્ફોટ ભરીને તેને પુલવામામાં સીઆરપીએફના કાફલા સાથે ટકરાવીને વિસ્ફોટ કર્યો હતો, જેમાં ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા.

આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા પણ મળી આવ્યા છે. આતંકીઓએ જે આરડીએક્સનો ઉપયોગ આ હુમલામાં કર્યો હતો તેને પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું, આ અંગેની તપાસ પુર્ણ થવા આવી છે અને ટુંક સમયમાં એનઆઇએ તેના પુરાવા પણ જાહેર કરશે. 

Gujarat