For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડાપ્રધાન ફોટોશૂટમાં વ્યસ્ત ન હોય તો હુમલા પછીના બે કલાક શું કર્યું તે જાહેર કરે : કોંગ્રેસ

- જવાનો શહીદ થયા ત્યારે 'પ્રાઈમ ટાઈમ મિનિસ્ટર' મોદી શૂટિંગમાં વ્યસ્ત હતા : રાહુલ

- હુમલા પછી સાંજે ૫.૧૦ વાગે પીએમ મોદી ઉત્તરાખંડમાં ફોન દ્વારા સભા સંબોધતા હતા

Updated: Feb 22nd, 2019

Article Content Image

દુરદર્શનના દૃશ્યોના આધારે કોંગ્રેસનો દાવો 

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ફોટો શૂટ સરકાર હેશટેગથી વડાપ્રધાન મોદી ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે એક તરફ આતંકવાદી હુમલા પછી શહીદોના ઘરમાં દર્દનો દરિયો ઉમટયો હતો, બીજી તરફ પ્રાઈમ ટાઈમ મિનિસ્ટર મોદી દરિયામાં શૂટિંગ કરી રહ્યા હતા.

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આતંકવાદી હુમલો થયો તે પછી મોદી ફોટોશૂટમાં વ્યસ્ત હતા. સીઆરપીએફના જવાનો શહીદ થયા ત્યારે મોદી ચા-સમોસાની મજા માણી રહ્યા હતા. એ આરોપ પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન ઉપર શાબ્દિક હુમલો કરીને ટોણો મારતા ટ્વિટર ઉપર કહ્યું હતું કે જવાનો ઉપર હુમલો થયો તે પછી ય પ્રાઈમ ટાઈમ મિનિસ્ટર મોદી ફોટોશૂટમાં મગ્ન હતા. રાહુલ ગાંધીએ એ વખતેના પુરાવારૃપે ચાર ફોટોગ્રાફ્ટ પણ ટ્વીટ કર્યા હતા. 

રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે હુમલાની ત્રણ કલાક પછી ય મોદી ફોટોશૂટમાં બિઝી હતા. એક તરફ આખા દેશમાં દર્દનો દરિયો ઉમટયો હતો, ત્યારે બીજી તરફ મોદી હસી હસીને દરિયામાં ફોટોશૂટ કરાવીને પ્રમોશનની સામગ્રી બનાવવામાં સમય આપી રહ્યા હતા.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ દુરદર્શન ન્યૂઝના દૃશ્યોના આધારે દાવો કર્યો હતો કે હુમલો થયો તે પછી સાંજે ૫.૧૦ વાગે પીએમ મોદી ઉત્તરાખંડમાં ફોન દ્વારા ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા અને તેમાં તેમણે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો કોઈ જ ઉલ્લેખ કર્યો ન હતો. કોંગ્રેસના કહેવા પ્રમાણે એ વખતે ૪૦ જવાનો શહીદ થયા હોવાના સમાચારોથી આખો દેશ વ્યથિત હતો પરંતુ પીએમ આખી ઘટનાથી બેખબર હતા.

કોંગ્રેસે માગણી કરી હતી કે જો વડાપ્રધાન મોદી સાચા હોય અને હુમલા પછી શૂટિંગમાં વ્યસ્ત ન રહ્યા હોય તો સીઆરપીએફના જવાનો ઉપર હુમલો થયો તે પછી બે કલાક તેમણે શું કર્યું તેનું ટાઈમ ટેબલ જાહેર કરવું જોઈએ. કોંગ્રેસે મોદીને બેજવાબદાર અને અસંવેદનશીલ કહીને આરોપ લગાવ્યો હતો કે દેશમાં આવડી મોટી દુર્ઘટના બની પછી ય પીએમ ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં વ્યસ્ત હતા.

મોદીએ ફોટોશૂટ સવારે કર્યું હતું : ભાજપનો બચાવ

રાહુલ ગાંધીએ ચાર ફોટોગ્રાફ્સ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે પુલવામા હુમલા પછી મોદી શૂટિંગમાં વ્યસ્ત હતા. તેનો જવાબ આપીને ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ રાહુુલ ગાંધીએ જે ફોટો ટ્વીટ કર્યા છે તે સવારના છે. મોદીએ તે દિવસે સવારે ફોટોશૂટ કર્યું હતું. ભાજપે ટ્વીટ કરીને કહ્યું હતું : 'રાહુલજી, આખો દેશ તમારું જૂઠાણું સાંભળીને થાકી ગયો છે. આવા જૂઠાણાં ચલાવવાનું બંધ કરો અને સાંજના ફોટો ગણાવીને સવારના ફોટો શેર કરવાનું પણ બંધ કરો. આ ફોટોશૂટ સવારે થયું હતું.' ભાજપે કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કરીને ઉમેર્યું હતું કે આખું વિશ્વ ભારતની સાથે છે, પરંતુ કેટલીય રાજકીય પાર્ટીઓ જ દેશની સાથે નથી.

Gujarat