For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

16મીએ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા, કેટલાક રાજ્યો એલર્ટ કરાયા

- મહારાષ્ટ્રમાં પવન સાથે કરા અને વરસાદની આગાહી

- 70 કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફુંકાશે, વરસાદ પડવાની આગાહી : 16મીથી અંદામાનમાં ચોમાસાની શરૂઆત

Updated: May 13th, 2020

- કેરળમાં પહેલી જ્યારે દિલ્હીમાં ૨૭મી જુને ચોમાસાનું આગમન, ગુજરાતમાં ૩થી ૭ દિવસ મોડુ થવાની શક્યતા


Article Content Image

નવી દિલ્હી, તા.13 મે 2020, બુધવાર

હવામાનમાં અચાનક પલટો થવા જઇ રહ્યો છે, હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી ૧૬મી મેની આસપાસ અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન થઇ જશે, એટલે સામાન્ય તારીખ કરતા છ દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થવા જઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંદામાન નિકોબાર પર સામાન્ય રીતે ૨૦મી મેએ ચોમાસાની શરૂઆત થતી હોય છે, જોકે આ વખતે છ દિવસ વહેલા વરસાદ પડવાની શક્યતાઓ છે. અંદામાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત થાય તેના ૧૦-૧૧ દિવસ બાદ કેરળમાં પણ ચોમાસાની શરૂઆત થતી હોય છે. સાથે જ ૧૬મી તારીખે અનેક રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. 

બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૧૬મી મેએ અંદામાન નિકોબારમાં જ્યારે વરસાદ પડવાની શરૂઆત થશે ત્યારે તેની સાથે અતી ઝડપે પવન પણ ફુંકાશે અને વાવાઝોડુ આવશે. સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ પવન ફુંકાઇ શકે છે જેને પગલે ધુળ અને માટીની પણ હવામાં ભળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)નું અનુમાન છે કે ઉત્તર ભારતના અનેક શહેરોમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળશે. પ્રતિ કલાક ૭૦ કિમીની ઝડપે હવા ફુંકાઇ શકે છે સાથે જ સામાન્ય વરસાદ પડવાની પણ આગાહી છે. જોકે આ વરસાદ વાવાઝોડાને કારણે આવશે ચોમાસાની શરૂઆત થવામાં હજુ સમય લાગશે. 

વાવાઝોડાને પગલે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ઓરેંજ એલર્ટ પણ જારી કરી દીધુ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હાલ હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે. જેને પગલે આવા વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ આપ્યું છે અને લોકોને બહાર નીકળતી વેળાએ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અગાઉ ગત રવિવારે પણ વાદળ છવાયું વાતાવરણ હતું તેવંુ જ વાતાવરણ બુધવાર અને ગુરુવારે પણ જોવા મળી શકે છે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. જે રાજ્યોમાં આ વાવાઝોડાની અસર હશે ત્યાં તાપમાન ૨૬થી ૩૪ ડીગ્રી વચ્ચે રહેવાનુ અનુમાન છે. 

પશ્ચિમ બંગાળમાં સાતમી જૂને ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે નિશ્ચિત તારીખ કરતા બે દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થશે. જોકે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થવામાં ત્રણથી સાત દિવસ મોડુ થઇ શકે છે. દિલ્હીમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત ૨૩મી જૂને થતી હોય છે આ વખતે આ તારીખ ૨૮મી જુન હોવાનંુ અનુમાન છે. એટલે કે કેટલાક રાજ્યોમાં ચોમાસાની વહેલા શરૂઆત થશે જ્યારે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં સાત દિવસ મોડુ ચોમાસુ શરૂ થવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં કરા અને વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. 

Gujarat