For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જે આગ તમારા દિલમાં છે, તે મારા દિલમાં પણ છે : વડાપ્રધાન મોદી

- બિહારમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરતી વખતે મંચ પરથી પુલવામા હુમલાનો આક્રોશ વ્યકત કર્યો

Updated: Feb 17th, 2019

Article Content Image

બિહાર, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારને ૩૩ હજાર કરોડથી પણ વધારે રુપિયાની પરિયોજનાઓ ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં NDAના સાથીદાર નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને પુલવામા હુમલામાં ૪૦ જવાન શહીદ થયા તેનો બદલો લેવા માટે સરકાર પર દબાણ કર્યુ હતું. 

કાર્યક્રમમાં આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી અને અયોધ્યામાં રામ મંદિર જેવા મુદ્દાઓને બાજુએ રાખીને પુલવામા હુમલાને કારણે લોકોમાં છવાયેલી દુખની લાગણીને ધ્યાને રાખીને આ હુમલાનો આકરો જવાબ આપવાની માંગ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ પરિયોજનાઓ લોન્ચ કરવા માટે ગયા હતા પરંતુ મંચ પર ગુરુવારે જમ્મુ કાશ્મીરના પુલવામા સેક્ટરમાં થયેલા હુમલાની ઘટનાને જ પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું. બિહારની રાજધાની પટનાથી ૧૧૦ કિમી દૂર આવેલા બરૌની ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્રને વિનંતીના સૂરમાં કહ્યું કે આ હુમલા બાદ દેશભરમાં ભારે રોષ વ્યાપ્યો છે માટે ગુનેગારોને છોડતા નહીં.

લોકજન શક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને નિવેદન આપ્યું છે કે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના લોહીના એક એક ટીપાનો અમે બદલો લઈશું અને સંસદમાં બહુમતીની સરકાર હોવાથી તે કોઈ પણ કાર્યવાહી કરી શકે છે.

પુલવામા હુમલામાં શહીદ થયેલા બિહારના બે જવાનને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ઉપસ્થિત જનમેદનીને કહ્યું કે જે આગ તમારા દિલમાં ભડકી રહી છે તે જ આગ મારા દિલમાં પણ ભડકી રહી છે. ગુરુવારની આ ઘટના બાદ દેશના અનેક ખૂણેથી બદલો લેવા માટેના ફોન આવી રહ્યા છે અને કાશ્મીરીઓને લક્ષ્યાંક બનાવાઈ રહ્યા છે. 

આસામમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે CRPFના જવાનોની આ શહાદત નિરર્થક નહીં જાય કારણ કે આ વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર નહીં પણ ભાજપની સરકાર છે.

આ મોદીની સરકાર છે જે દેશની સુરક્ષા મામલે કોઈ પણ બાંધછોડ નહીં કરે અને ભાજપ સરકારે આતંકવાદનો સામો જવાબ આપેલો છે. આ હુમલા બાદ સરકારે પાકિસ્તાનની આર્થિક રીતે કમર તોડવા માટે પાકિસ્તાનની વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત ડયુટી નાખી છે. આ કારણે પાકિસ્તાનની વસ્તુઓ પર એક રીતે પ્રતિબંધ મુકાશે અને પાકિસ્તાનને વાર્ષિક ૩૫૦૦ કરોડનો ફટકો પડશે.

Gujarat