For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખુલજા સીમ સીમ : ત્રણ તબક્કામાં દેશને અનલૉક કરાશે

- પહેલા તબક્કામાં સોમવારથી રાજ્યો વચ્ચે લોકોના પરીવહનને મંજૂરી

- બીજા તબક્કામાં 8મીથી ધાર્મિક સ્થળો, રેસ્ટોરાં, શોપિંગ મૉલ ખુલશે

Updated: May 30th, 2020


- કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન ચાલુ રહેશે, લૉકડાઉન અંગે નિર્ણય લેવા રાજ્યોને વધુ સત્તા અપાશે

- ત્રીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો, મેટ્રો રેલ, સ્વીમિંગ પૂલ, થિયેટર, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, બાર ખોલવા વિચારણા કરાશે

નવી દિલ્હી, તા. 30 મે 2020, શનિવાર

કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સમગ્ર દેશમાં લાગુ લૉકડાઉનનો ચોથો તબક્કો રવિવારે પૂરો થવાનો છે ત્યારે ગૃહમંત્રાલયે લૉકડાઉનના પાંચમા તબક્કા અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ સાથે ગૃહમંત્રાલયે દેશમાં અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે ત્રણ તબક્કામાં લૉકડાઉનને અનલોક કરવાની એટલે કે ઉઠાવી લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગૃહમંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ હવે માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં જ સંપૂર્ણ લૉકડાઉન લાગુ રહેશે, જેને ૩૦મી જૂન સુધી લંબાવાયું છે. ગૃહમંત્રાલયે શનિવારે જાહેર કરેલી નવી માર્ગદર્શિક કન્ટેનમેન્ટ ઝોન સહિત સમગ્ર દેશમાં ૩૦મી જૂન સુધી લાગુ રહેશે.  

ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા જાહેર કરતાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અંગે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખી વધારાના નિયંત્રણો લાદવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ સત્તા અપાશે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબમાં ૩૦મી જુન સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાજ્યમાં લૉકડાઉન ૧૫મી જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.    

ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાત્રી કરફ્યુમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. પહેલાં રાત્રી કર્ફ્યુ સાંજે ૭.૦૦થી સવારે ૭.૦૦ વાગ્યા સુધી હતો. તેના બદલે હવે રાત્રી કર્ફ્યુ રાત્રે ૯.૦૦થી સવારે ૫.૦૦ વાગ્યા સુધી રહેશે. દેશમાં લૉકડાઉનમાં છૂટછાટ અપાઈ છે ત્યારે લોકોએ કેટલાક નિર્દેશોનું પાલન કરવું પડશે. ઓફિસ, જાહેર સ્થળો પર લોકોએ માસ્ક પહેરવા પડશે અને સ્વચ્છતા સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

દેશમાં રવિવારે લૉકડાઉનનો ચોથો તબક્કો પૂરો થયા પછી સોમવારથી ત્રણ તબક્કામાં લૉકડાઉન ઉઠાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં એટલે કે ૧લી જૂનથી રાજ્યો વચ્ચે લોકોના પરિવહન પરના નિયંત્રણો દૂર કરવામાં આવશે. લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે તેમજ એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે પણ સ્વતંત્ર હશે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં પરિવહન માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. જોકે, રાજ્યોને જરૂર લાગે તો તેઓ આ અંગે પ્રતિબંધો મૂકી શકે છે. આ માટે તેઓ અગાઉથી જાહેરાત કરશે. આરોગ્ય સેતુ એપથી કોરોનાના જોખમ અંગે જાણી શકાય છે. તેથી સરકારે લોકોને આ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરી છે.  

 બીજા તબક્કામાં ૮મી જૂનથી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરાં અને શોપિંગ મૉલ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ બે તબક્કામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને ત્રીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો, મેટ્રો રેલ, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ, થિયેટર્સ, બાર, ઓડિટોરિયમ્સ વગેરેને ખોલવાનો નિર્ણય લેવાશે. ઉપરાંત સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારંભો માટે મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવાની મંજૂરી અંગે પણ ત્રીજા તબક્કામાં નિર્ણય લેવાશે. જોકે, આ સંદર્ભમાં સ્થિતિની સમિક્ષા કર્યા પછી તારીખ નક્કી કરવામાં આવશે.

વધુમાં જુલાઈ મહિનાથી દેશભરમાં શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે રાજ્યો અને અન્ય સ્થાનિક ઓથોરિટી સાથે ચર્ચા મસલત કર્યા પછી નિર્ણય લેવાશે. આ બાબતમાં વાલીઓ અને અન્ય હિસ્સેદારો સાથે પણ ચર્ચા કરાશે. લૉકડાઉનના પાંચમા તબક્કામાં રાજ્ય સરકારોને વધુ સત્તા અપાઈ છે. હવે રાજ્ય સરકારો જ નક્કી કરશે કે તેમના વિસ્તારોમાં બસ અને મેટ્રો સેવાઓ કેવી રીતે શરૂ કરવી. કેન્દ્ર સરકારે તો પ્રતિબંધો હટાવી લીધા છે, પરંતુ કોરોના અંગે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો તેમના સ્તરે પ્રતિબંધો મૂકી શકશે.

કોરોના રોકવા કેન્દ્ર સરકારે સૂચવી પદ્ધતિ

લૉકડાઉન ખુલશે, પણ લોકોએ નિયમોનું પાલન કરવું પડશે

નવી દિલ્હી, તા.૩૦ 

દેશભરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારોમાં સોમવારથી લૉકડાઉન ખૂલી રહ્યું છે. પરીણામે, લોકોના પરિવહન તેમજ ઓફિસ-દુકાનો ખોલવા પરના નિયંત્રણો દૂર કરાશે. જોકે, ગૃહમંત્રાલયે આ સમયમાં લોકો માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી બનાવ્યું છે. 

* જાહેર સ્થળો, ઓફિસ અને પ્રવાસ કરતી વખતે ચહેરો માસ્ક અથવા અન્ય કોઈ વસ્તુથી ઢાંકવો અનિવાર્ય છે. 

* જાહેર સ્થળો પર બધા લોકોએ ઓછામાં ઓછું છ ફૂટનું અંતર રાખવું પડશે.

* જાહેર સ્થળો પર થૂંકતા સજા થઈ શકે છે. સજા રાજ્યોના નિયમો અને કાયદા મુજબ અપાશે.

* જાહેર સ્થળો પર દારૂ, પાન, મસાલા, ગુટખા, તમાકુ વગેરેનું સેવન કરી શકાશે નહીં.

* ઓફિસ, કામના સ્થળ, દુકાન, બજાર, ઔદ્યોગિક અને કોમર્શિયલ સંસ્થાનોમાં બે શીફ્ટ વચ્ચે અંતર રાખવાનું રહેશે.

* શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અપનાવવા કંપનીઓને સૂચન કરાયું છે.

* બધા જ ઔદ્યોગિક અને કોમર્શિયલ સંસ્થાનો, ઓફિસોમાં પ્રવેશ અને બહાર નિકળવાના સમયે થર્મલ સ્ક્રિનિંગ, હેન્ડ વોશ, સેનિટાઈઝર્સની વ્યવસ્થા કરવાની રહેશે.

* તમામ કામના સ્થળો પર નિયમિત રીતે સેનિટાઈઝેશનનો આદેશ અપાયો છે. દરવાજા, હેન્ડલ વગેરે માનવીય સંપર્કમાં આવતી વસ્તુઓને સેનિટાઈઝ કરવાની રહેશે.

* કામના તમામ સ્થળો પર કર્મચારીઓ વચ્ચે પર્યાપ્ત અંતર રાખવાનું રહેશે. શિફ્ટમાં ફેરફાર અને લંચ બ્રેકમાં અંતર રાખવું પડશે.

Gujarat