લિવ ઈન રિલેશન દ્વારા જન્મેલું બાળક પણ પૈતૃક સંપત્તિમાં હકદારઃ સુપ્રીમ


- લિવ ઈનમાં લાંબા સમયથી સાથે રહેતા મહિલા અને પુરૂષ વચ્ચેનો સંબંધ લગ્ન સમાન ગણાયઃ સુપ્રીમ

નવી દિલ્હી, તા. 15 જૂન 2022, બુધવાર

સુપ્રીમ કોર્ટ દ્વારા લિવ ઈન રિલેશન મામલે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એક મહિલા અને પુરૂષ લાંબા સમય સુધી સાથે રહે છે તો તેને લગ્ન સમાન માનવામાં આવશે. ઉપરાંત આ પ્રકારના સંબંધો દ્વારા જન્મેલા બાળકને પણ પિતાની સંપત્તિમાં અધિકાર મળશે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના એક નિર્ણયને રદ કરી દીધો હતો. કેરળના એક શખ્સે પોતાના પિતાની સંપત્તિના જે ભાગલા પડ્યા તેમાં હિસ્સો ન મળ્યો એટલે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ પ્રમાણે તેને ગેરકાયદેસર દીકરો ગણાવીને સંપત્તિમાં કોઈ ભાગ નહોતો આપવામાં આવ્યો. આ કેસની સુનાવણી દરમિયાન કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે, અરજીકર્તા જે વ્યક્તિની સંપત્તિ પર પોતાનો અધિકાર ગણાવી રહ્યો છે તેમના સાથે તેની માતાના લગ્ન જ નહોતા થયા. આ સંજોગોમાં તેને પરિવારની સંપત્તિનો વારસદાર ન માની શકાય. 

લિવ ઈન રિલેશન અંગે કાયદો શું કહે છે

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે વર્ષ 2010માં લિવ ઈન રિલેશનશિપને માન્યતા આપી દીધી હતી. ઘરેલુ હિંસા અધિનિયમ 2005ની કલમ 2 (એફ)માં પણ લિવ ઈન રિલેશનને જોડવામાં આવ્યું હતું. મતલબ કે, લિવ ઈનમાં રહેતું કપલ પણ ઘરેલુ હિંસાનો રિપોર્ટ નોંધાવી શકે છે. લિવ ઈન રિલેશન માટે કપલ પતિ-પત્નીની જેમ સાથે રહેતું હોવું જોઈએ પરંતુ તે માટેની કોઈ ટાઈમ લિમિટ નથી.   

કોર્ટના નિર્ણયથી શું અસર પડશે

ભારતમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવું તે ગુનો નથી પરંતુ અત્યાર સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પુરૂષ અને મહિલાના સંતાનોને પૈતૃક સંપત્તિમાં કોઈ અધિકાર નહોતો મળતો. કોર્ટના આ નિર્ણયના કારણે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પુરૂષ અને મહિલાના સંતાનને પણ પૈતૃક સંપત્તિમાં અધિકાર મળશે. 

City News

Sports

RECENT NEWS