For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2024ની લોકસભા ચૂંટણી પહેલા મોટી કવાયત, ભાજપે ચાર રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષ બદલ્યા

બિહાર, દિલ્હી, રાજસ્થાન અને ઓરિસ્સામાં પ્રદેશ અધ્યક્ષ બદલ્યા

નીતીશ કુમાર અને લાલુની પાર્ટી વચ્ચેના ગઠબંધનને ધ્યાનમાં રાખી બિહારમાં પણ અધ્યક્ષ બદલ્યાની ચર્ચા

Updated: Mar 23rd, 2023

image : Twitter


ભાજપે આજે ​​કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેતા બિહાર, દિલ્હી, રાજસ્થાન અને ઓરિસ્સામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષો બદલ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સમ્રાટ ચૌધરીને બિહાર ભાજપના અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે રાજસ્થાન માટે સીપી જોશીને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે, મનમોહન સામલને ઓડિશા માટે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને વીરેન્દ્ર સચદેવાને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે.

બિહાર ભાજપના નવા અધ્યક્ષ સમ્રાટ ચૌધરી

બિહાર ભાજપના નવા બોસ હવે સમ્રાટ ચૌધરી છે. હાઈકમાને તેમને બિહાર ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. સમ્રાટ ચૌધરી હાલમાં વિધાન પરિષદમાં વિપક્ષના નેતાની ભૂમિકામાં છે. બિહારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસ્વાલ બાદ હવે પાર્ટીની કમાન સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદની જવાબદારી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવી છે. બિહારમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ભાજપ હવે રાજ્યમાં વિપક્ષમાં બેઠું છે. બીજી તરફ, જેડીયુ જે ગઈકાલ સુધી સાથે હતી તે હવે આરજેડી સાથે છે અને ભાજપ અને મહાગઠબંધન વચ્ચે સીધી લડાઈ છે. સમ્રાટ ચૌધરીની પસંદગી આગામી ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કોણ છે સમ્રાટ ચૌધરી

સમ્રાટ ચૌધરી કુશવાહા સમુદાયના છે અને દિગ્ગજ નેતા શકુની ચૌધરીના પુત્ર છે. તેઓ પાર્ટીમાં ઉપાધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. લગભગ ત્રણ દાયકાના રાજકીય અનુભવ સાથે, સમ્રાટ ચૌધરીએ આરજેડીમાંથી રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેઓ ઘણા મોટા વિભાગોમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં બિહારમાં ભાજપ 40માંથી 40 બેઠકો જીતશે અને 2025માં બિહારમાં પહેલીવાર ભાજપની સરકાર બનશે.

Gujarat