આતંકીઓ બાબરીનો બદલો લેવા કાશી, અયોધ્યામાં વિસ્ફોટની ફિરાકમાં હતા

- વ્હાઈટ કોલર ટેરર : પ્રોફેસર, કાર્ડિયોલોજિસ્ટ વિદ્યાર્થીની ધરપકડ
- આરોપીઓએ હુમલા માટે 2600 કિલો ખાતર ખરીદ્યું હતું, જેને અન્ય કેમિકલ્સમાં ભેળવી આઈઈડી બનાવવાની યોજના હતી
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટને આતંકી ઘટના જાહેર કરી છે ત્યારે દિલ્હી વિસ્ફોટની તપાસમાં દરરોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસકારોએ ઉત્તર પ્રદેશમાંથી જમ્મુ-કાશ્મીરના એક મેડિકલ કોલેજના પ્રોફેસર અને એક કાર્ડિયોલોજિસ્ટની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આંતરરાજ્ય વ્હાઈટ કોલર ટેરર મોડયુલ દ્વારા ૬ ડિસેમ્બરે બાબરી મસ્જિદ વિધ્વંસનો બદલો લેવા માટે અયોધ્યામાં રામ મંદિર, કાશી સહિત ચાર શહેરોમાં હુમલાનું કાવતરું ઘડયું હતું. આ માટે ૨૬ ક્વિન્ટલ ખાતર ખરીદ્યું હતું અને રૂ. ૨૬ લાખ પણ એકત્ર કર્યા હતા.
દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં તપાસકારોએ કહ્યું કે, સોમવારે લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા ડો. ઉમર ગની અને અન્ય એક મુખ્ય શકમંદ ડો. મુઝમ્મિલ ગનઈ ૨૦૨૧માં તૂર્કીના પ્રવાસ સમયે પ્રતિબંધિત આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને મળ્યા હતા. ઉમર નબીએ છ ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસની વરસીની આજુબાજુ એક શક્તિશાળી વિસ્ફોટનું કાવતરું ઘડયું હતું. ધરપકડ કરાયેલા આઠ લોકોની પૂછપરછમંથી આ કાવતરાંનો પર્દાફાશ થયો હતો.
તપાસકારોએ જણાવ્યું કે, આતંકીઓએ અયોધ્યા, કાશી સહિત અન્ય શહેરોમાં હુમલા માટે રૂ. ૨૬ લાખથી વધુની રોકડ એકત્ર કરી હતી. આ નાણાં ડો. ઉમરને સોંપાયા હતા. આ નાણાં મારફત આરોપીઓએ કથિત રીતે ૨૬૦૦ કિલો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા રસાયણો ધરાવતું એનપીકે ખાતર ખરીદ્યું હતું. આ ખાતરને અન્ય કેમિકલ્સમાં ભેળવીને ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) બનાવવાની તેમની યોજના હતી.
તેમણે ઉમેર્યું કે, ડો. ઉમરે બે-બેની ટૂકડીમાં આઠ લોકોના જૂથ દ્વારા ચાર શહેરોમાં ૬ ડિસેમ્બરની આજુબાજુ મોટો વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડયું હતું. આ માટે તેમણે ૩૨ વાહનો તૈયાર કરવાની પણ તૈયારી કરી હતી, જેમાંથી ચાર વાહનોને પોલીસે ઝડપી લીધા છે. અલ-ફલાહ યુનિવર્સિટીના કેમ્પસમાં ડો. મુઝમ્મિલ અને ડો. ઉમરના રૂમમાંથી જપ્ત કરાયેલી નોટબૂક્સ અને ડાયરીઓમાં ૮થી ૧૨ નવેમ્બર વચ્ચે કેટલીક કોડેડ એન્ટ્રીઓ, નામો અને આંકડાઓની વિગતો પરથી આ કાવતરાંનો ઘટસ્ફોટ થયો હતો.
તપાસકારોને જણાયું હતું કે, આઈ-૨૦ કાર ચલાવનાર ડો. ઉમર, ડો. મુઝમ્મિલ અહેમદ ગની અને ડો. શાહીન શાહિદ તેમનું કાવતરાં સંબંધિત પ્રવૃત્તિઓ માટે સંકલન કરવા સ્વીટ્ઝર્લેન્ડ સ્થિત એન્ક્રીપ્ટેડ મેસેજિંગ એપ થ્રીમાનો ઉપયોગ કરતા હતા. ઉમર તેમના ઓપરેશનના સંકલન માટે બેથી ચાર સભ્યોના ગૂ્રપ માટે સેશન એપનો ઉપયોગ કરતો હતો.
દરમિયન દિલ્હી પોલીસે હાપુરની જીએસ મેડિકલ કોલેજના મદદનીશ પ્રોફેસર ડો. ફારુક અને ઉત્તર પ્રદેશ પોલીસે કાનપુરમાં લક્ષ્મિપત સિંઘાનિયા ઈન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજીના પહેલા વર્ષના ૩૨ વર્ષના વિદ્યાર્થી મોહમ્મદ આરિફ મિરની ધરપકડ કરી હતી. બીજીબાજુ કાશ્મીર પોલીસે કાશ્મીરના વિવિધ ભાગોમાંથી વ્હાઈટ કોલર ટેરર મોડયુલ સાથે સંકળાયેલા ત્રણ સરકારી કર્મચારી સહિત ૧૦ લોકોની અટકાયત કરી હતી.
દિલ્હી વિસ્ફોટમાં યુનિ.ની સંડોવણી સામે આવતા તવાઈ
અલ-ફલાહ યુનિ.નું સભ્યપદ રદ, ઈડી ફન્ડિંગની તપાસ કરશે
નવી દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં હરિયાણાના ફરિદાબાદમાં સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવતા યુનિવર્સિટી સામે આકરાં પગલાં લેવાઈ રહ્યા છે. સરકારે યુનિવર્સિટીને મળતા નાણાકીય ભંડોળની તપાસ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આદેશ આપ્યો છે જ્યારે એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીએ અલ-ફલાહ યુનિવર્સિટીની માન્યતા રદ કરી દીધી છે. એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટી (એઆઈયુ)એ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે, એઆઈયુના પેટા નિયમો મુજબ બધી જ યુનિવર્સિટીઓને ત્યાં સુધી સભ્ય માનવામાં આવે છે જ્યાં સુધી તેઓ સારી સ્થિતિમાં રહેતી હોય. ફરિદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સારી સ્થિતિમાં જણાતી નથી. તેથી તાત્કાલિક અસરથી તેનું સભ્યપદ રદ કરવામાં આવે છે. આ પહેલાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિશન કાઉન્સિલે તેની વેબસાઈટ પર ખોટા પ્રમાણપત્રો દર્શાવવા બદલ અલ-ફલાહ યુનિવર્સિટીને કારણદર્શક નોટિસ પાઠવી હતી. દરમિયાન દિલ્હી વિસ્ફોટમાં આઈ-૨૦ સિવાય ચાર કારની સંડોવણી સામે આવી હતી, જેમાંથી એક મારૂતિ બ્રેઝા ગુરુવારે અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી મળી આવી હતી.

