For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મ.પ્રદેશના સતનામાં જોડિયા બાળકોની હત્યા બાદ તંગદિલી, કલમ 144 લાગુ

- બાળકોની હત્યાથી ઉશ્કેરાયેલા લોકોએ હિંસક દેખાવો કર્યા

- બાળકોની હત્યા મુદ્દે ભાજપે મુખ્યમંત્રી કમલનાથનું રાજીનામુ માંગ્યુ

Updated: Feb 24th, 2019

Article Content Image

સતના, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં તેલના વેપારીના બે જુડવા બાળકની હત્યા બાદ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ ઘટના બાદ લોકોએ રસ્તા પર ઉતરી આવીને ઉગ્ર દેખાવો કરી તોડ-ફોડ આદરતા સમગ્ર પંથકમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. 

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં તેલના વેપારીના બે જુડવા બાળકની અપહરણ બાદ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સતના જિલ્લામાં આવેલા ચિત્રકૂટ ખાતે ૧૨ ફેબુ્રઆરીના રોજ સદગુરુ સેવા ટ્રસ્ટ એસપીએસની સ્કુલ બસમાંથી તેલના વેપારી બ્રજેશ રાવતના બે માસૂમ જુડવા દીકરા દેવાંશ અને પ્રિયાંશનું અપહરણ કરવામાં આવ્યુ હતું. અપહરણ બાદ બદમાશોએ બ્રજેશ રાવત પાસેથી એક કરોડ રુપિયા ખંડણી પેટે માંગ્યા હતા.

વેપારીએ અપહરણકારોને ૨૦ લાખ રુપિયા ખંડણી પેટે આપ્યા હોવા છતા રવિવારે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં યમુના નદીના અવાવરુ ઘાટ પરથી બંને બાળકોના શબ મળી આવ્યા હતા. નિર્મમ હત્યાના આ બનાવને લઈને સતનામાં રાજકારણનો ખેલ શરુ થઈ ગયો છે.

આ ઘટનાનો હવાલો આપીને ભાજપે મુખ્યમંત્રી કમલનાથ રાજીનામુ આપે તેવી માંગ કરી છે. જ્યારે કોંગ્રેસે યુપીના બાંદા ખાતેથી બાળકોના શબ મળી આવ્યા હોવાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજીનામુ આપે તેવી માંગ કરી છે. જુડવા બાળકોની હત્યાના આ કેસમાં પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટનાક્રમને લઈ ખંડણી ચુકવ્યા બાદ પણ શા માટે પોલીસ તે બંને બાળકને ના બચાવી શકી તેવા સવાલો પોલીસ પ્રશાસન સામે થઈ રહ્યા છે. પૂર્વ મુખ્યંમત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટના અંગે દુખ વ્યક્ત કરીને કમલનાથ સરકાર સામે સવાલો કર્યા છે.

મુખ્યમંત્રી કમલનાથે બાળકોના પિતા બ્રજેશ રાવતને ફોન કરીને સાંત્વના પાઠવી છે અને અપરાધીઓને આકરી સજા કરવાની ખાતરી આપી છે. મધ્ય પ્રદેશના કાયદા મંત્રી પીસી શર્માએ આ ઘટના માટે યુપી સરકારને દોષી ગણાવતા કહ્યું કે બાળકોની હત્યા યુપીમાં થઈ છે અને આ પ્રકારની ગેંગ યુપીથી સંચાલિત થાય છે માટે યુપીના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવું જોઈએ.

માસૂમ બાળકોની હત્યાને લઈ આરોપ-પ્રત્યારોપના રાજકારણ વચ્ચે ચિત્રકૂટમાં તોડફોડ શરુ થઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો અને પ્રશાસન પોલીસ મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા. 

સદગુરુ સેવા કેન્દ્રમાં ઉશ્કેરાયેલુ ટોળું ઘૂસી જતા તેમને હટાવવા પોલીસે ટીયર ગેસ છોડવો પડયો હતો. પોલીસે આરોપીઓના ઘરોને સીલ કરીને સમગ્ર પંથકમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. 

Gujarat