For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજદ્રોહના કાયદાના અમલ પર સુપ્રીમનો સ્ટે

Updated: May 12th, 2022


- હાલ રાજ્યો-કેન્દ્ર કલમ 124એનો ઉપયોગ ન કરે : સુપ્રીમ

- જુલાઇ મહિનામાં સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય લેશે, ત્યાં સુધી આ કાયદા હેઠળ દેશમાં ક્યાંય પણ ગુનો દાખલ નહીં થાય જે લોકો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે તેઓ કોર્ટમાં જઇ શકે છે : સુપ્રીમની આરોપીઓને સલાહ

- દેશભરમાં રાજદ્રોહના કાયદા હેઠળ 13000થી પણ વધુ લોકો જેલમાં છે : સુપ્રીમ કોર્ટમાં વકીલ સિબ્બલનો દાવો

નવી દિલ્હી : દેશભરમાં રાજદ્રોહના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને આ કાયદાને લઇને ભારે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર હાલ પુરતા રોક લગાવી દીધી છે. સાથે જ રાજ્યોને આદેશ આપ્યો છે કે રાજદ્રોહના કાયદા હેઠળ કોઇની પણ સામે ગુનો દાખલ કરવામાં ન આવે.  

આ સાથે જ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા રાજદ્રોહના કાયદાના અમલને અટકાવવાનો નિર્ણય લીધો છે. હવે આ મામલાની વધુ સુનાવણી જુલાઇ મહિનાના ત્રીજા સપ્તાહે ફરી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી કોઇ પણ રાજ્ય દ્વારા રાજદ્રોહનો કેસ દાખલ નહીં કરવામાં આવે. જેને પગલે હાલ દેશભરમાં રાજદ્રોહના કાયદાનો અમલ નહીં કરી શકાય. 

દરમિયાન જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જેમના પર પણ રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે અને જેઓ જેલમાં છે તેઓ કોર્ટ પાસે જઇ શકે છે. સુપ્રીમ કોર્ટે દેશમાં ક્યાંય પણ રાજદ્રોહની કલમ ૧૨૪એ હેઠળ ગુનો દાખલ કરવાની મનાઇ ફરમાની છે અને આ આદેશ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બન્નેને લાગુ રહેશે. 

જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે મુખ્ય ન્યાયાધીશે સવાલ કર્યો હતો કે કેટલા લોકો હાલ રાજદ્રોહના કેસમાં જેલમાં છે. જેના જવાબમાં વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ૧૩ હજાર લોકો જેલમાં છે.  જેથી બાદમાં મુખ્ય ન્યાયાધીશ રમન્નાએ કહ્યું હતું કે જ્યાં સુધી પુનર્વિચાર ન થાય ત્યાં સુધી રાજદ્રોહનો કાયદો અમલમાં રાખવો યોગ્ય નહીં રહે. જેને પગલે હાલ દેશમાં આ કાયદાનો અમલ નહીં થાય. અને કલમ ૧૨૪એ હેઠળ દેશમાં હાલ કોઇ જ ગુનો દાખલ નહીં થાય. આ અંગે હવે અંતિમ નિર્ણય જુલાઇ મહિનામાં થઇ શકે છે. 

દુરુપયોગને અટકાવવા કેન્દ્ર રાજ્યોને કહી શકે છે: સુપ્રીમ 

નવી દિલ્હી : રાજદ્રોહના કાયદા પર રોક લગાવતી વખતે સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ કહ્યું હતું કે આ કાયદાનો દુરુપયોગ થઇ રહ્યાની ફરિયાદો સામે આવી રહી છે. માટે કાયદાના દુરુપયોગને અટકાવવા માટે ગાઇડલાઇન ઘડવા કેન્દ્ર સરકાર રાજ્યોને કહી શકે છે. જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર સરકારે ખાતરી આપી હતી કે આ કાયદાનો દુરુપયોગ ન થાય તે માટે ગમે તે પોલીસ અધિકારી ફરિયાદ દાખલ નહીં કરે પણ ૧૨૪એ હેઠળનો ગુનો બન્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે  અને આ તપાસ પોલીસ કમિશનર કે તેમના ઉપરના  અધિકારીઓ જ કરશે જે બાદ જ એફઆઇઆર દાખલ કરવામાં આવશે. અગાઉ કેન્દ્ર સરકાર વારંવાર રાજદ્રોહના કાયદાનો બચાવ કરતી જોવા મળી હતી. સાથે આ કાયદાના દુરુપયોગને અટકાવવાની પણ ખાતરી આપી હતી.  

સરકાર-સુપ્રીમે લક્ષ્મણ રેખા પાર ન કરવી જોઇએ : રિજિજૂ

સત્ય બોલવું દેશભક્તિ અને સત્યને સાંભળવું રાજધર્મ છે : રાહુલે આદેશનું સ્વાગત કર્યું 

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશભરમાં રાજદ્રોહના કાયદા પર હાલ પુરતા રોક લગાવી દીધી છે. જોકે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સરકાર ખુશ ન હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે દરેકે એકબીજાનો આદર કરવો જરુરી છે. દરેક માટે એક લક્ષ્મણ રેખા છે જેને ક્રોસ ન કરવી જોઇએ. 

પત્રકારોએ જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ અંગે પૂછ્યું ત્યારે જવાબમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સરકારનો આદર કરવો જોઇએ કેમ કે સરકાર પણ સુપ્રીમ કોર્ટનો આદર કરી રહી છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર બન્ને વચ્ચે સ્પષ્ટ બાઉન્ડરી છે જેને આપણે લક્ષ્મણ રેખા કહીએ છીએ. 

સુપ્રીમ કોર્ટને સલાહ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે કોઇએ પણ આ લક્ષ્મણ રેખાને પાર ન કરવી જોઇએ. 

બીજી તરફ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ આદેશનું સ્વાગત કર્યું હતું અને રાજદ્રોહની કલમના અમલનો ઉપયોગ કરવા પર રોક લગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્યને દબાવી ન શકાય. 

સત્ય બોલવું જ દેશભક્તિ છે ગદ્દારી નથી. અને આ સત્યને સાંભળવું રાજધર્મ છે. જ્યારે સત્યને દબાવી દેવું ઘમંડ છે.  

Gujarat