For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશભરમાં કાશ્મીરીઓને સુરક્ષા આપવા સુપ્રીમનો કેન્દ્ર અને રાજ્યોને કડક આદેશ

Updated: Feb 22nd, 2019


નવી દિલ્હી, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

પુલવામા હુમલા બાદ દેશભરમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અત્યાચાર મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત ૧૧ રાજ્યને નોટિસ પાઠવી છે. કાશ્મીરીઓને સુરક્ષા પૂરી પાડવા ગૃહ મંત્રાલય તમામ રાજ્ય સરકારને એડવાઈઝરી મોકલે તેવો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ દેશભરમાં કાશ્મીરીઓ પર હુમલો અને તેમના સાથે અત્યાચાર થતો હોવાની ઘટનાઓ સામે આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત ૧૧ રાજ્યોને નોટિસ પાઠવીને કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગૃહ મંત્રાલય કાશ્મીરીઓની સુરક્ષા મુદ્દે તમામ રાજ્ય સરકારને એડવાઈઝરી મોકલે તેવો આદેશ પણ પાઠવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યા મુજબ તમામ રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીએ કાશ્મીરીઓ પર હુમલા અને તેમના સામાજીક બહિષ્કારની ઘટનાઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરવાની રહેશે. 

કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, છત્તીસગઢ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, દિલ્હી-એનસીઆર અને મહારાષ્ટ્ર રાજ્યને નોટિસ પાઠવી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. 

આ હુમલા બાદ દેશભરના લોકોમાં રોષ પ્રગટયો છે અને અનેક રાજ્યોમાં કાશ્મીરીઓ સાથે ખરાબ વ્યવહારની ઘટનાઓ સામે આવી છે. અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓને વિવિધ રાજ્યની કોલેજીસમાંથી સસ્પેન્ડ કરવાના સમાચાર મળી રહ્યા છે અને મકાનમાલિક દ્વારા કાશ્મીરી વિદ્યાર્થીઓને ઘરમાંથી બહાર કાઢી મુકવાના બનાવો પણ બની રહ્યા છે. કોર્ટે કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી નોડલ ઓફિસર્સને સોંપી છે અને કાશ્મીરી વિદ્યાર્થીઓ પોતાની સાથેના અત્યાચારની ફરિયાદ નોડલ ઓફિસર્સને કરી શકશે.

પુલવામા હુમલા બાદ દેશના અનેક શૈક્ષણિક સંસ્થાનોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા થયા હતા જેને રોકવા માટે તથા કાશ્મીરી અને મુસ્લીમ યુવાનોને સુરક્ષા આપવા માટે તારીક અદીબ નામના એક વકીલે અરજી કરી હતી.

આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ૧૧ રાજ્યને નોટિસ પાઠવી હતી અને મોબ લિન્ચિંગની ઘટનાઓ વખતે જે પોલીસ અધિકારીઓની નોડલ ઓફિસર્સ તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેમને કાશ્મીરી યુવાનોની સલામતી માટે નીમવા આદેશ આપ્યો હતો. રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને સુરક્ષા પૂરી પાડવા માટે રાષ્ટ્રવ્યાપી હેલ્પલાઈન નંબર શરુ કરવામાં આવ્યો છે અને તમામ નોડલ ઓફિસર્સના કોન્ટેક નંબર ધરાવતી વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે. 

પિટીશનમાં દર્શાવ્યા મુજબ પુલવામાના આતંકી હુમલા બાદ દેશમાં મુસ્લીમ અને કાશ્મીરીઓ પર અત્યાચારના બનાવોનું પ્રમાણ વધ્યું છે. જાગૃતિના નામે અમુક સંગઠન દ્વારા કાશ્મીરીઓ અને મુસ્લીમો પ્રત્યે ઉશ્કેરણીજનક ભાષણો આપીને લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. હકીકતે તે મુસ્લીમો અને કાશ્મીરીઓ પ્રત્યે નફરત ફેલાવવાનું એક કેમ્પેઈન છે જેનોે લોકોને ભડકાવીને રાજકીય લાભ મેળવવા ઉપયોગ થઈ રહ્યો છે. અમુક નેતાઓ દેશભક્તિના નામે ઉશ્કેરણીજનક ભાષણો આપીને લોકોમાં હિંસા અને નફરત ફેલાવી રહ્યા છે. 

Gujarat