2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપનારા 3 દોષિતોની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
CJIએ કહ્યું આ ગંભીર મામલો છે, અમે પહેલા કહી ચૂક્યા છીકે કે જેમની ફાંસીની સજા આજીવન કારાવાસમાં ફેરવાઈ છે તેમને જામીન નહીં મળે
કહ્યું - જેમણે સળગતી ટ્રેનમાં પેટ્રોલ છાંટવામાં ચોક્કસ ભૂમિકા ભજવી હતી તેમને પણ જામીન આપવામાં આવશે નહીં
image : Wikipedia |
2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડવાના દોષિતોને જામીન આપવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ત્રણેય દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ત્રણેય દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, આ ઘટના ખૂબ જ ગંભીર ઘટના છે. આ એકલા વ્યક્તિના મૃત્યુનો મામલો નથી. અમે દોષિતોની અપીલ પર સુનાવણી માટે બેન્ચની રચના કરીશું.
CJIએ સુનાવણી દરમિયાન કરી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
સુનાવણી દરમિયાન CJIએ કહ્યું કે અમે પહેલાથી જ કહ્યું હતું કે જેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી છે તેમને જામીન આપવામાં આવશે નહીં. જેમણે સળગતી ટ્રેનમાં પેટ્રોલ છાંટવામાં ચોક્કસ ભૂમિકા ભજવી હતી તેમને પણ જામીન આપવામાં આવશે નહીં. ત્રણેય સામે ચોક્કસ આક્ષેપો છે અને આ બાબત પણ ગંભીર છે. આ કોઈ એક વ્યક્તિના મૃત્યુની વાત નથી. સુપ્રીમ કોર્ટે ગત વખતે 12માંથી 8ને જામીન આપ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે એક આરોપીની પત્નીને કેન્સરના કારણે વચગાળાના જામીનની મુદત વધારી દીધી હતી.
આ લોકોની અરજી ફગાવાઈ
સુપ્રીમ કોર્ટ 2002માં ગોધરા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવામાં 59 લોકોને જીવતા મારી નાખવા મામલે આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા અબ્દુલ રહેમાન ધંતિયા, અબ્દુલ સત્તાર ઈબ્રાહીમ ગદ્દી અને શૌકત વતી દાખલ જામીન અરજી પર સુનાવણી દાખલ કરી હતી. ગુજરાત સરકાર વતી સોલસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ ફક્ત પથ્થરમારાનો મામલો નહોતો. દોષિતોએ સાબરમતી એક્સપ્રેસના એક ડબાને બંધ કરી દીધો હતો જેમાં 59 લોકોના મોત નીપજ્યા હતા અને સેંકડો ઘવાયા હતા.