For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેરબજાર ઐતિહાસિક ટોચે : સોના-ચાંદીમાં ગાબડાં

- વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની ટ્રાયલમાં મળેલી સફળતાના પગલે

- સેન્સેક્સે 44600, નિફટીએ 13000ની સપાટી કુદાવી રોકાણકારોની સંપતિમાં રૂા. 1.35 લાખ કરોડનો વધારો

Updated: Nov 24th, 2020

Article Content Image

અમદાવાદ સોનું રૂા. 1200, મુંબઇ સોનામાં રૂા. 1300નું ગાબડું : ચાંદીમાં રૂા. 2000નો કડાકો

કામકાજના અંતે સેન્સેક્સ 446 પોઇન્ટ ઊછળી 44523 અને નિફટી 129 પોઇન્ટ વધી 13055ની ટોચે

વિદેશી રોકાણકારોની ધૂમ લેવાલી

અમદાવાદ, તા. 24 નવેમ્બર, 2020, મંગળવાર

માત્ર ભારતમાં જ નહીં બલ્કે બીજી તરફ વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની સફળતા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલોની આજે ભારતીય શેરબજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી. તો બીજી તરફ બુલીયન બજારમાં કડાકો બોલી ગયો હતો.

આ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સે પ્રથમ વખત 44600ની સપાટી કૂદાવી હતી. જ્યારે નિફટીએ પણ પ્રથમ વખત 13000ની સપાટી કૂદાવી હતી. બીજી તરફ આ અહેવાલો પાછળ અમદાવાદ તેમજ મુંબઇ બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં પ્રચંડ કડાકા બોલી જવા પામ્યા હતા.

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો થવાની બીજી તરફ વિશ્વની આગેવાન ફાર્મા કંપનીઓને કોરોના વેક્સિનમાં સફળતા મળી રહ્યાના દાવા વચ્ચે ચાલુ વર્ષના અંતિમ તબક્કામાં અથવા તો નવા વર્ષના પ્રારંભે બજારમાં રજૂ કરાશે તેવા અહેવાલોની આજે શેરબજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.

આ ઉપરાંત અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ઊદભવેલ પ્રતિકૂળતાનો અંત નજીકમાં હોવાના તેમજ ટ્રમ્પ બાઇડનને સહકાર આપવા તૈયાર હોવાના અહેવાલો પાછળ ક્રૂડ-ઓઇલમાં તેજીનો પવન ફૂંકાતા તેની શેરબજાર પર સાનુકૂળ અસર જોવાઇ હતી. ઘરઆંગણે પણ સરકાર દ્વારા કોરોના વેક્સિનના વિતરણ માટે તમામ રાજ્યોને તૈયારી કરવાના અપાયેલ આદેશોએ બજારની તેજીને વેગ સાંપડયો હતો.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલીએ મુંબઇ શેરબજારમાં ઓલરાઉન્ડ તેજીનો માહોલ સર્જાયો હતો. એકધારી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઈન્ટ્રાડે ઊછળીને પ્રથમ વખત 44600ની સપાટી કૂદાવી 44601.63ની નવી ઊંચાઇએ વિક્રમ રચીને કામકાજના અંતે 445.87 પોઇન્ટ ઊછળીને 44523.02ની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ આ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ નિફટી ઈન્ટ્રાડે પ્રથમ વખત જ 13000ની સપાટી કુદાવીને 13079.10ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી કામકાજના અંતે 128.70 પોઇન્ટ વધીને 13055.15ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ.) રૂા. 1.35 લાખ કરોડનો વધારો થતા અંતે તે રૂા. 174.81 લાખ કરોડ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા આજે ભારતીય શેરબજારમાં રૂા. 4563 કરોડની નવી લેવાલી હાથ ધરાઇ હતી.

વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની સફળતાના અહેવાલોથી વિશ્વભરના બુલીયન બજારોમાં કડાકો બોલી ગયો હતો. આ અહેવાલો પાછળ વિશ્વ બજારમાં સોનું 1868 ડોલરથી તૂટી 1812 ડોલર અને ચાંદી તૂટીને 23.26 ડોલર મુકાતી હતી.

આ અહેવાલો પાછળ અમદાવાદ સોના ચાંદી બજારમાં સોનાના ભાવમાં રૂા. 1200નું ગાબડું બોલાતા 99.50ના રૂા. 51000 અને 99.90ના રૂા. 51200 પર ઊતરી આવ્યા હતા. જ્યારે ચાંદી રૂા. 2000 તૂટીને રૂા. 60,500ના તળીયે પટકાઇ હતી. મુંબઇ 99.50 સોનામાં રૂા. 1300નું ગાબડું પડતાતે રૂા. 48779 ઊતરી આવ્યું હતું. જ્યારે ચાંદી રૂા. 1800 તૂટીને રૂા. 59704ની સપાટીએ નરમ રહી હતી.

અમેરિકી શેરબજારમાં તેજીનો પવન

કોરોના વેક્સિનની ટ્રાયલમાં સફળતા તેમજ સ્થાનિક ચૂંટણીનું કોકડું ઊકેલાયાના અહેવાલોની આજે અમેરિકી શેરબજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી. છેલ્લા સમાચાર મુજબ ડાઉજોન્સ ઈન્ડેક્સ 484 પોઇન્ટ ઊછળી 30075ની સપાટીએ કાર્યરત હતો. જ્યારે નાસ્ડેક 113 પોઇન્ટ વધીને 11994ની સપાટીએ હતો.

Gujarat