For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આતંકવાદનો સફાયો કરતા અમને આવડે છે : મોદી

પાક.માં આતંકવાદની ફેક્ટરીઓને તાળા લગાવવામાં આવશે, આ નવી રીત અને નીતિનું ભારત છે : વડા પ્રધાન

અમારી લડાઇ કાશ્મીરીઓ નહીં પણ આતંકવાદ સામે છે, કાશ્મીરી મુસ્લિમોએ હિંદુ યાત્રીકોને બચાવવા પોતાનું લોહી આપ્યું છે

Updated: Feb 23rd, 2019

 નવી દિલ્હી, તા. ૨૩

કાશ્મીરના પુલવામામાં આતંકીઓના હુમલામાં ૪૦થી વધુ જવાનોની શહીદીની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ સ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણી આ લડાઇ કાશ્મીરીઓ સામે નહીં પણ આતંકવાદ સામે છે. માટે સૈન્ય અને મોદી સરકાર પર વિશ્વાસ રાખો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિવેદન રાજસ્થાનના ટોંકમાં કર્યું હતું, પુલવામા હુમલા બાદ કાશ્મીરીઓ પર કેટલાક રાજ્યોમાં હુમલા થવા લાગ્યા હતા. જેને પગલે નરેન્દ્ર મોદીએ આ નિવેદન કર્યું હતું.

દરમિયાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને પણ આડેહાથ લીધા હતા અને જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા તે સમયે ઇમરાન ખાને જે પ્રમાણે સરકાર ચલાવવાના દાવા કર્યા હતા તે પ્રમાણે હાલ નથી ચલાવી રહ્યા. સાથે મોદીએ દાવો કર્યો હતો કે ૨૦૦૮માં મુંબઇ હુમલા બાદ તત્કાલીન કોંગ્રેસ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કોઇ જ કાર્યવાહી નહોતી કરી. જોકે મોદીએ જણાવ્યું હતું કે આ વખતે પાકિસ્તાન સાથે હિસાબ બરાબર કરવામાં આવશે અને પુરો હિશાબ લેવામાં આવશે. મા ભવાની અને મોદી સરકાર પર વિશ્વાસ રાખવાની મોદીએ અપીલ કરી હતી.

પુલવામા હુમલા બાદ કાશ્મીરીઓ પર કેટલાક રાજ્યોમાં હુમલાની ઘટના સામે આવી રહી છે ત્યારે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદી એક આતંકવાદી જ હોય છે અને કાશ્મીરી નાગરીકો પણ આ આતંકવાદને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમારી લડાઇ આતંકવાદ સામે છે કાશ્મીરીઓ સામે નહીં. મોદીએ કાશ્મીરમાં મુસ્લિમો કેવી રીતે હિંદુઓને મદદરુપ થાય છે તે પણ યાદ અપાવ્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રીકો પર જ્યારે હુમલો થયો હતો ત્યારે ઘાયલ હિંદુઓને કાશ્મીરના મુસ્લિમોએ પોતાનુ લોહી આપીને બચાવ્યા છે અને એકબીજાને મદદરુપ થયા છે. અનેક મુસ્લિમોએ ત્યારે હિંદુ યાત્રીકોને પોતાના લોહીનું દાન કરવા માટે લાંબી લાઇનો લગાવી હતી. સાથે મોદીએ એમ પણ કહ્યું હતું કે જે પણ વ્યક્તિ અલગાવવાદીઓને સાથ આપશે તેની વિરુદ્ધ આક્રામક પગલા લેવામાં આવ્યા છે અને આવતા રહેશે. અમે જાણીએ છીએ કે આતંકવાદનો ખાતમો કેવી રીતે કરી શકાય.

 

Gujarat