For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેન્સેક્સમાં 2713 પોઇન્ટનો પ્રચંડ કડાકો : નિફ્ટીમાં 758 પોઇન્ટનું ગાબડું

- એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી 7.63 લાખ કરોડનું ધોવાણ

- વિદેશી રોકાણકારો રૂા.3810 કરોડની વેચવાલી : 435 શેરોમાં મંદીની સર્કિટ : 2020 શેરોમાં થયેલી પીછેહઠ

Updated: Mar 16th, 2020

Article Content Image

અમદાવાદ, તા.16 માર્ચ, 2020, સોમવાર

કોરોના વાઇરસ પ્રબળ બનતા વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે મુંબઇ શેરબજાર ખાતે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા બીએસઇ સેન્સેક્સમાં 2713 પોઇન્ટનો પ્રચંડ કડાકો નોંધાતા એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી વધુ રૂા. 7.63 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે. આજે નિફ્ટીમાં પણ 757.80 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું.

કોરોના વાઇરસ આખરે સમગ્ર વિશ્વમાં મહામારી તરીકે પુરવાર થવાની સાથોસાથ વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનવાની ભીતિ પાછળ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા સહિતના અન્ય સંરક્ષણાત્મક પગલા ભરાતા વૈશ્વિક મંદી પ્રબળ બની હોવાની ભીતિ પાછળ આજે સવારે એશિયાઈ બજારોમાં ગાબડા તેમજ વિવિધ રાજ્ય સરકારો દ્વારા કોરોનાના પગલે નિયમનો લદાતા ગભરાટનો માહોલ પ્રબળ બનતા ભારતીય શેરબજારમાં પણ આજે ફરી એકવાર કડાકો નોંધાયો હતો. 

ફેરડલ રિઝર્વ દ્વારા ભરાયેલા પગલાને કારણે આજે સવારે એશિયાઈ શેરબજારોમાં મોટા પાયે ગાબડા નોંધાયા હતા. જેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.

આ ઉપરાંત ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થતાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા અંકુશાત્મક પગલાં ભરાયા હોવાના અહેવાલોની પણ શેરબજાર પર ગંભીર અસર થવા પામી છે. આ અહેવાલો પાછળ આજે સેન્સેક્સ ખુલતાની સાથે જ ફરી એકવાર પટકાયો હતો.

આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે ઇન્ટ્રા-ડે સેન્સેક્સ 31,300ની સપાટી ગુમાવીને 31,276 સુધી ખાબક્યો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 9200ની સપાટી ગુમાવીને 9165ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી ફ્યુચર પણ તૂટીને 22900 અને નિફ્ટી માર્ચ ફ્યુચર 9055ની સપાટીએ ઉતરી આવ્યો હતો.

આમ, ચોમેરથી આવેલ ભારે વેચવાલીના દબાણે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 2837 પોઇન્ટ તૂટયા બાદ કામકાજના અંતે 2713.07 પોઇન્ટ તૂટીને 31,390.07ની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે 790 પોઇન્ટ તૂટયા બાદ કામકાજના અંતે 757.80 પોઇન્ટ તૂટીને 9197.40ની સપાટીએ ઉતરી આવ્યો હતો.

સેન્સેક્સમાં ફરી એકવાર પ્રચંડ કડાકો નોંધાતા આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. 7.63 લાખ કરોડનું ધોવાણ થતાં કામકાજના અંતે 1,21.63 લાખ કરોડ રહ્યું હતું. વેચવાલીના ભારે દબાણે આજે 435 શેરોમાં મંદીની સર્કિટ લાગી હતી વિદેશી રોકાણકારોએ આજે 3,810 કરોડની જંગી વેચવાલી હાથ ધરી હતી.

રૂપિયો 50 પૈસા તુટીને 74.25

અમદાવાદ, તા. 16

યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડો તેમજ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની બીજી તરફ રિઝર્વ બેંક દ્વારા પણ તરલતા જળવાઈ રહેવાના પગલાની જાહેરાત થતા વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ થવાની ભીતિ પાછળ અમેરિકન ડોલર સામે રૂપિયો તુટયો હતો.

હૂંડિયામણ બજારમાં આજે રૂપિયો 74.10ના મથાળે ખુલી ઈન્ટ્રાડે 74.09 અને 74.35 વચ્ચે અથડાયા બાદ કામકાજના અંતે 50 પૈસા તુટીને 74.25ની સપાટીએ નરમ રહ્યો હતો.

અમેરિકી શેરબજારમાં છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત મંદીની સર્કિટ

અમદાવાદ, તા. 16

વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસનો કહેર પ્રબળ બનવા સાથે મૃત્યુઆંક તેમજ અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થતા તે મહામારી પુરવાર થવાની સાથોસાથ આગામી સમયમાં વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ થવાની ભીતિ પાછળ ફેડરલ રિઝર્વ દ્વારા ભરાયેલા સંરક્ષણાત્મક પગલા બાદ આજે ન્યૂયોર્ક શેરબજારમાં કામકાજના પ્રારંભે જ ડાઉજોન્સમાં ફરી એકવાર કડાકો બોલી જતાં મંદીની સર્કિટ અમલી બનતા બજાર બંધ કરાયું હતું. બીજી તરફ યુરોપના બજારોમાં પણ મોટા પાયે કડાકા નોંધાયા હતા.

કોરોનાના હાઉના પગલે વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનતાં અમેરિકા દ્વારા ભરાયેલા સંરક્ષણાત્મક પગલામાં ફેડરલ રિઝર્વે દાયકાઓ બાદ વધારેલો વ્યાજ દર ફરી એકવાર ઘટાડયો છે. તેની સાથોસાથ સ્ટિમ્યુલસ પેકેજ પણ જાહેર કરાયું છે.

ફેડરલના આ પગલાથી વૈશ્વિક મંદી પ્રબળ બનવાની ભીતિ પાછળ ન્યૂયોર્ક શેરબજાર ખાતે આજે કામકાજના પ્રારંભમાં જ ડાઉજોન્સ ઇન્ડેક્સ 2500 પોઇન્ટનો કડાકો બોલતાં બજાર 15 મિનિટ માટે બંધ કરવું પડયું હતું. છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી વખત અમેરિકી શેરબજાર બંધ કરવાનો વારો આવ્યો છે.

અમેરિકી શેરબજારમાં આજે કામકાજના પ્રારંભે જ ડાઉ.માં 2500 પોઇન્ટનું ગાબડું નોંધાતા સર્કિટ અમલી બની હતી. સર્કિટ બાદ ન્યૂયોર્ક શેરબજારમાં પુન:કામકાજ શરૂ થતાં પણ ડાઉજોન્સમાં પીછેહઠ જારી રહી હતી. જેના પગલે આ લખાય છે ત્યારે મોડી સાંજે ડાઉજોન્સ ઇન્ડેક્સ 1493 પોઇન્ટ તૂટીને 21,691.76ની સપાટીએ ઉતરી આવ્યો હતો. તો બીજી તરફ નાસ્ડેક પણ 582 તૂટીને 7,292ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો.

યુરોપના શેરબજારોમાં પણ આજે ગાબડા નોંધાયા હતા. જેમાં લંડન શેરબજારમાં 4.40 %, ફ્રાન્સ શેરબજારમાં 4.37% અને જર્મન શેરબજારમાં 3%ની પીછેહઠ થવા પામી હતી.જ્યારે બ્રાઝિલ શેરબજારનો બોવાસ્પા ઇન્ડેક્સ 12.5% તૂટયો હતો. આ ઉપરાંત ઇટાલી અને સ્પેનના બજારોમાં પણ મોટા પાયે ધોવાણ થવાના અહેવાલો હતા. એશિયાઈ બજારોમાં પણ આજે 7 ટકા સુધીના ગાબડા નોંધાયા હતા.

Gujarat