For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PMની સુરક્ષામાં આટલી મોટી ચૂક કઈ રીતે થઈ? ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Updated: Jan 5th, 2022


- નિયમ પ્રમાણે રાજ્યએ સુરક્ષાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની જરૂર હતીઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હી, તા. 05 જાન્યુઆરી, 2022, બુધવાર

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ભારે મોટી ચૂકનો બનાવ સામે આવ્યો છે. હકીકતે વડાપ્રધાન મોદી બુધવારે પંજાબની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ રોડ માર્ગે હુસૈનીવાલા જઈ રહ્યા હતા તે સમયે કેટલાક પ્રદર્શનકારીઓએ તેમનો રસ્તો રોકી લીધો હતો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીનો કાફલો ત્યાં 15-20 મિનિટ સુધી રોકાઈ રહ્યો હતો. આ ઘટનાને પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક તરીકે જોવામાં આવી રહી છે અને ગૃહ મંત્રાલયે આ મામલે પંજાબ સરકાર પાસે રિપોર્ટની માગણી કરી છે. 

હકીકતે પીએમ મોદી બઠિંડા પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનું હતું. પરંતુ ખરાબ હવામાન અને વરસાદના કારણે વડાપ્રધાને 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. હવામાનમાં કોઈ સુધારો ન આવતાં આખરે તેમણે રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવાનો નિર્ણય લીધો હતો. તેમાં 2 કલાકનો સમય લાગવાનો હતો અને પંજાબના ડીજીપીએ સુરક્ષા પ્રબંધોની પૃષ્ટિ કરી ત્યાર બાદ વડાપ્રધાન મોદી રોડ માર્ગે આગળ વધ્યા હતા. 

રાષ્ટ્રીય શહીદ સ્મારકથી આશરે 30 કિમી દૂર વડાપ્રધાન મોદીનો કાફલો જ્યારે ફ્લાઈઓવર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી રાખ્યો હતો. આ કારણે પીએમ મોદીના કાફલાએ 15-20 મિનિટ સુધી ફ્લાઈઓવર પર રોકાઈ રહેવું પડ્યું હતું. આ ઘટના પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક તરીકે જોવામાં આવી રહી છે. 

ગૃહ મંત્રાલયે પંજાબ સરકારનો જવાબ માગ્યો

ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે પીએમ મોદીના કાર્યક્રમ અને પ્રવાસ અંગે પંજાબ સરકારને પહેલેથી જણાવી દેવામાં આવ્યું હતું. તેવામાં નિયમ પ્રમાણે રાજ્યએ સુરક્ષાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની જરૂર હતી. આ સાથે જ આકસ્મિક પ્લાનને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે સડક માર્ગે વધારાની સુરક્ષા તૈનાત કરવાની હતી પરંતુ તેમ ન બન્યું. આ સુરક્ષા ચૂક બાદ કાફલાએ બઠિંડા એરપોર્ટ પર પરત ફરવાનો નિર્ણય લીધો. 

ગૃહ મંત્રાલયે સુરક્ષા ચૂક મામલે સંજ્ઞાન લઈને પંજાબ સરકારનો જવાબ માગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ચૂકની જવાબદારી નક્કી કરીને આકરી કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. 

Gujarat