For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુપ્રીમ જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી પર વિચાર કરશે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠનું નિવેદન

કલમ ૩૭૦ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે જે હેઠળ સંસદ પાસે તેના માટે કાયદો બનાવવાની મર્યાદિત સત્તા હોય છે

Updated: Feb 18th, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓની તાત્કાલિક સુનાવણી કરવા અંગે વિચાર કરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. આ કલમને કારણે સંસદ પાસે જમ્મુ-કાશ્મીર માટે કાયદો બનાવવાની મર્યાદિત સત્તા હોય છે. 

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે તે આ અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવા પર વિચાર કરશે. વરિષ્ઠ વકીલ અને ભાજપ નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ અંગેની અરજીઓ રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોવાથી તેની તાત્કાલિક સુનાવણી થવી જોઇએ. 

ખંડપીઠે ઉપાધ્યાયને જણાવ્યું હતું કે રજિસ્ટ્રારને તમારો મેમો આપી દો. અમે આ અંગે વિચાર કરીશું. ઉપાધ્યાયે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે બંધારણ ઘડતી વખતે આ વિશેષ જોગવાઇ અસ્થાયી સ્વરૃપની હતી અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૭ના રોજ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ થયા પછી કલમ ૩૭૦(૩) સમાપ્ત થઇ ગઇ હતી. 

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં સુપ્રીમ કોર્ટને જમ્મુ-કાશ્મીર માટે અલગ બંધારણને વિવિધ આધારો પર મનસ્વી અને ગેરબંધારણીયને જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે. 

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ એક રાષ્ટ્ર, એક બંધારણ, એક રાષ્ટ્રગાન અને એક ધ્વજના સિદ્વાંતની વિરુદ્ધ છે. 

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે બંધારણની કલમ ૩૭૦નો મહત્તમ કાર્યકાળ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ સુધી હતો.


Gujarat