પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહની પત્નીનું માર્ગ અકસ્માતમાં નિધન
નવી દિલ્હી,તા. 12 સપ્ટેમ્બર 2022, સોમવાર
પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહની પત્ની સુખપ્રીત કૌરનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. રવિવારે સુખપ્રીત કૌર તેની પુત્રી સ્વપ્નદીપને મળવા મોટરસાઈકલ પર તેના પાડોશી સાથે જલંધર જવા માટે અમૃતસર જઈ રહી હતી. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, જ્યારે સુખપ્રીત કૌર અમૃતસરના ખઝાના ચોક પર પહોંચી ત્યારે તે મોટરસાઈકલની પાછળ પડી ગઈ, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ. તેને તાત્કાલિક અમૃતસરની મહાજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હવે સુખપ્રીત કૌરના અંતિમ સંસ્કાર મંગળવારે સવારે 1:00 વાગ્યે ભીખીવિંડના સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.
સરબજીતને પાકિસ્તાનની એક અદાલતે આતંકવાદ અને જાસૂસી માટે દોષિત ઠેરવ્યો હતો અને 1991માં મૃત્યુદંડની સજા ફટકારી હતી. જોકે, 2008માં સરકારે સરબજીતની ફાંસી પર અનિશ્ચિત સમય માટે રોક લગાવી દીધી હતી. આ પછી એપ્રિલ 2013માં લાહોરમાં કેદીઓના હુમલા બાદ સરબજીતની હત્યા કરવામાં આવી હતી.
સરબજીતે પાકિસ્તાનમાં પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું, કે તે એક ખેડૂત છે અને તેનું બોર્ડર પાસે ઘર છે. તે ભટકીને પાકિસ્તાનની સરહદે ગયો છે. પરંતુ પાકિસ્તાને તેમની વાત ન સાંભળી.
સરબજીત સિંહના જીવન પર બોલિવૂડ ફિલ્મ પણ બની હતી. આ ફિલ્મમાં સરબજીત સિંહનું પાત્ર રણદીપ હુડાએ ભજવ્યું હતું જ્યારે તેની બહેન દલબીર કૌરનું પાત્ર ઐશ્વર્યા રાયે ભજવ્યું હતું.