For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.84 લાખ નવા કેસ, 1000થી વધુ મોત

Updated: Apr 14th, 2021

Article Content Image

- કુલ કેસ 1.38 કરોડ, 13 લાખ એક્ટિવ કેસ

નવી દિલ્હી : ભારતમાં કોરોનાના દૈનિક કેસોના બધા જ રેકોર્ડ તુટી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧.૮૪ લાખ નવા કેસો સામે આવ્યા છે. જેને પગલે હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧.૩૮ કરોડનો આંકડો વટાવી ચુકી છે. દિવસે ને દિવસે કેસો ઝડપથી વધી રહ્યા હોવાથી હવે દેશમાં એક્ટિવ કેસો ૧૩ લાખે પહોંચી ગયા છે. બીજી તરફ ૨૪ કલાકમાં ૧૦૨૭ લોકોના મોત નિપજતા મૃત્યુઆંક પણ વધીને હવે ૧.૭૨ લાખે પહોંચ્યો છે. 

બીજી તરફ કોરોનાની અસર ફરી મોટા નેતાઓમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓેએ ટેસ્ટનું પરીણામ આવે તે પહેલા જ પોતાને હોમ આઇસોલેટ કરી લીધા હતા. આ પહેલા ઉત્તર પ્રદેશ મુખ્ય મંત્રી કાર્યાલયમાં અનેક સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ યોગીએ પણ ખુદને આઇસોલેટ કરાવી ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અખિલેશે ટ્વીટ કરીને કહ્યું હતું કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મે ખુદને આઇસોલેટ કરી લીધો છે. પૂર્વ અને વર્તમાન બન્ને મુખ્ય મંત્રીઓ ઉપરાંત ઉત્તર પ્રદેશના મંત્રી અષુતોશ ટંડનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

આ નેતાઓએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને રિપોર્ટ કરાવી લેવાની અપીલ કરી છે. હાલ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં સ્થિતિ વધુ કથળવા લાગી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૬૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે ૧૭૯૬૩  કેસો સાથે ઉત્તર પ્રદેશ બીજા અને ૧૫૧૨૧ કેસો સાથે છત્તીસગઢ ત્રીજા ક્રમે છે. 

જ્યારે દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસો રેકોર્ડ તોડી રહ્યા છે તેની સાથે અહીં વેન્ટિલેટર ધરાવતી સરકારી હોસ્પિટલોમાં બથારીઓ ફુલ થવા લાગી છે. હાલના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં હાલ ૯૪ એવી સરકારી હોસ્પિટલ છે કે જ્યાં વેન્ટિલેટરની સુવિધા સાથે આઇસીયુ હોય અને તેમાંથી ૬૯ હોસ્પિટલના આઇસીયુ ફુલ થઇ ગયા છે જ્યાં હવે નવા દર્દી માટે કોઇ જગ્યા ખાલી નથી રહી પરીણામે હવે અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ ખાનગી હોસ્પિટલોની સરકાર મદદ લેવા લાગી છે. હાલ દિલ્હીમાં સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટર ધરાવતા આઇસીયુના માત્ર ૭૯ બેડ જ ખાલી છે. 

Gujarat