For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રૂઝ પર રેવ પાર્ટી : 'બાદશાહ' શાહરૂખના પુત્ર આર્યનની ધરપકડ

Updated: Oct 3rd, 2021


મુંબઈ નજીક સમુદ્રમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટી પર એનસીબીની મોટી કાર્યવાહી

આર્યન ખાન, અરબાઝ  મર્ચન્ટ, મુનમુન ધમેચાને એક દિવસની એનસીબી કસ્ટડી : કોકેન, ચરસ, મેફેડ્રોન સહિતના માદક પદાર્થો જપ્ત

'દીદી'ના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકેલા શાહરૂખની મુશ્કેલી વધે તેવી અટકળો

એનસીબીના અધિકારીઓએ પ્રવાસીના સ્વાંગમાં રેવપાર્ટી પર છાપો માર્યો

પાર્ટીમાં એન્ટ્રી માટેની ફી રૂ.પાંચ લાખ સુધીની હતી

આયોજક સાથે વોટસએપ ચેટ દ્વારા સંપર્ક કર્યો હોવાનો એજન્સીનો દાવો

મુંબઈ : મુંબઈ નજીક ક્રૂઝશિપમાં યોજાયેલી ડ્રગ્સ પાર્ટીમાં  રેડ પાડીને નાર્કોટિક્સ કન્ટ્રોસ બ્યુરો (એનસીબી)એ બોલીવુડમાં કિંગ ખાન તરીકે પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે.

એનસીબીએ આર્યન ઉપરાંત અન્ય બે જણની પણ ધરપકડ કરી છે. તેમની સામે એનડીપીએસ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીએ ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર  આર્યન ખાન ,અરબાઝ  મર્ચન્ટ, મુનમુન ધમેચાને આજે સાંજે કિલ્લા કોર્ટમાં હાજર કર્યા હતા.

કોર્ટે તેમને એક દિવસની એનસીબીની કસ્ટડી આપી હતી.એનસીબી દ્વારા આરોપીઓને પાંચ ઓક્ટોબર સુધીની કસ્ટડી આપવાની માગણી કરાઈ હતી. ડ્રગ પેડલર સાથે વ્હોટસએપ પર ચેટ્સ કરવામાં આવી છે એમ તપાસમાં ખબર પડી હોવાનો એનસીબીએ દાવો કર્યો હતો.

એનસીબીએ છાપા દરમિયાન કોકેન, ચરસ, મેફેડ્રોન અને અન્ય નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. આમ મુંબઈમાં નશીલો પદાર્થનું સેવન કરનારા સામે એનસીબીની કાર્યવાહી સતત શરૂ જ છે.

'ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી બાબતે એનસીબીને 15 દિવસ અગાઉ માહિતી મળી હોવાનું કહેવાય છે. જેના આધારે આ પાર્ટીના આયોજન પર બાજનજર રાખવામાં આવી હતી. ત્યારબાદ એનસીબીના મુંબઈના ઝોનલ ડાયરેક્ટર અમીર વાનખેડેના નેતૃત્વમાં પ્રવાસીના સ્વાંગમાં 22 અધિકારી ક્રૂઝ પર પહોંચ્યા હતા.

ક્રૂઝ સમુદ્રના મધ્ય ભાગમાં પહોંચી ત્યારબાદ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ હતી. પાર્ટીમાં નશીલા પદાર્થનું સેવન કરવામાં આવી રહ્યું હતું. આ પાર્ટીમાં પ્રવેશ કરવા માટે આરટીપીસીઆર કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એનસીબીની ટીમે આઠથી દસ જણને તાબામાં લીધા હતા. એમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, ઉપરાંત આર્યનના મિત્ર અરબાઝ  મર્ચન્ટ, અન્ય મુનમુન ધમેચા, નુપૂર સારિકા, ઈસ્મીતસિંગ, મોહક જયસ્વાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપ્રાનો સમાવેશ છે. રેવ પાર્ટીમાં આર્યન પકડાતા બોલીવુડમાં ચકચાર જાગી હતી.

બીજી તરફ એનસીબીની પૂછપરછ દરમિયાન આર્યને દાવો કર્યો હતો કે 'ક્રૂઝમાં વિશેષ અતિથી તરીકે તેને બોલાવવામાં આવ્યો હતો. એનસીબીને મળેલા એક વિડીયોમાં આર્યન સફેદ ટી- શર્ટ લાલ ઓપન શર્ટ, બ્લુ જીન્સ, ટોપી પહેરીને આર્યન પાર્ટીમાં જોવા મળ્યો હતો. એનસીબીની ટીમે આર્યન અને અન્યને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

એનસીબીએ ઝીણવટભરી પૂછપરછ બાદ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચાની આજે ધરપકડ કરી હતી. આ મામલામાં વધુ ધરપકડની શક્યતા છે. આર્યન અને અન્ય વ્યક્તિના મોબાઈલ ફોન જપ્ત કરી તેની ચેટસ, મેસેજ અને અન્ય રેકોર્ડની તપાસ થઈ રહી છે.

પાર્ટીમાં સામેલ થવા માટે પેન્ટ, આંતરવસ્ત્રની, કોલરના અંદરના ભાગની સિલાઈના તથા મહિલાએ પર્સના હેન્ડલમાં ડ્રગ્સ સંતાડીને લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આર્યન તેના લેન્સની કીટમાં ડ્રગ્સ લાવ્યો હોવાનું કહેવાય છે.

પાર્ટીની પ્રવેશ માટે ફી 80 હજાર રૂપિયાથી પાંચ લાખ રૂપિયા હતી. આ  ક્રૂઝની ક્ષમતા અંદાજે બે હજાર લોકોની છે. પણ ક્રૂઝમાં એક હજારથી પણ ઓછા લોકો હાજર હતા. આ  પાર્ટી આમંત્રણ માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરાયો હતો. પાર્ટીમાં આવવા માટે આકર્ષક કિટ પણ ગિફટ તરીકે આપવામાં આવી હતી.

દિલ્હીથી એક જાણીતા ઉદ્યોગપતિની પુત્રી સહિત અન્ય યુવતી પાર્ટીમાં આવી હતી. પાર્ટીનું આયોજન કરનારની પણ એનસીબી તપાસ કરી રહી છે.

કોર્ડેલિયા ક્રૂઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 'એક ખાનગી કાર્યક્રમ માટે શિપ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને ભાડા પર આપી હતી. આ ઘટનાનો નિષેધ કરીએ છીએ, ફરી આવો બનાવ ન બને એની કાળજી રાખવામાં આવશે. આ કેસનીતપાસ માટે અમે સંપૂર્ણ સહકાર આપીશું.

એનસીબી પાર્ટીના આયોજકને પૂછપરછ માટે સમન્સ આપ્યા છે. આસિવાય એફટીવી ઈન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર કાશિફ ખાન પણ એનસીબીના રડાર પર છે. તેમની દેખરેખ હેઠળ આ પાર્ટી રાખવામાં આવી હોવાનું કહેવાય છે. પાર્ટીમાં નશીલો પદાર્થ પૂરો પાડનારાને પકડવા  ચક્રો ગતિમાન કરાયા છે.

એનસીબીની ટીમ ગોપાલ આનંદ નામના શખશની શોધખોળ કરી રહી છે. તે પાર્ટી રાખવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટીમાં બોલીવુડ, ફેશન અને બિઝનેશ સાથે સંકળાયેલા લોકો આવ્યા હતા.  પાર્ટી ત્રણ દિવસ માટે હતી. પાર્ટીને ક્રે'અર્ક નામ આપવામાં આવ્યું હતું. અહીં ત્રણ દિવસ દરમિયાન મ્યુઝિક ડીજે પર ડાન્સ, એફટીવી પૂલ પાર્ટી કરવાના હતા. 

બીજી તરફ આર્યન ખાન વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું હતું કે 'પાર્ટીના આયોજક દ્વારા આર્યનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની પાસેથી નશીલો પદાર્થ મળ્યો નથી. આથી બે દિવસની કસ્ટડી આપવામાં ન આવે. એનસીબીની ટીમે પાર્ટીમાં છાપા દરમિયાન 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ચરસ, એમડીએમએની 22 ગોળી જપ્ત કરી હતી.

બોલીવુડના વધુ એક ડ્રગ કનેકશનથી ખળભળાટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન બોલીવુડના ડ્રગ કનેકશનની જાણ થઈ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને અન્યની  ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રધ્ધા કપૂર, અન્ય અભિનેત્રી તથા અભિનેતા અર્જુન રાજપાલ સહિત અન્યની પુછપરછ કરવામાં આવી હતી.

નશીલા પદાર્થના મામલામાં કોમેડિયન ભારતી અને તેના પતિને પકડવામાં આવ્યા હતા. આસિવાય થોડા સમય અગાઉ અભિનેતા અરમાન કોહલી, ટેલિવિઝન સિરિયલના અભિનેતાની પણ ડ્રગ કેસમાં ધરપકડ કરાઈ હતી. હવે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ પાર્ટીમાં પકડાતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

કલાકાર કે નેતાનો પુત્ર હોય કાયદો બધા માટે સમાન: નાયબ મુખ્યમંત્રી

આર્યનની ધરપકડ પર પ્રતિક્રિયા આપી

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની ડ્રગ પાર્ટીમાં સહભાગી થવા અને ડ્રગ્સ લઈ જવા બદલ એન.સી.બી.એ ધરપકડ કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જો નેતાનો બાળકો હોય તો પણ કાયદો દરેક માટે સમાન છે.

એટલે કે કલાકારનો હોય કે નેતાનો પુત્ર કાયદો બધાને માટે સમાન છે. એન.સી.બી. પાસે આરોપી વિરૂધ્ધ પુરાવા અધિકારી હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. આથી તેઓ આરોપીની કસ્ટડી માગી છે. જો એન.ડી.પી.એસ.ના અંતર્ગત ગુનો સિધ્ધ થાય તો તેને 1 વર્ષની સખત મજૂરી અને 25 હજાર રૂપિયાની  શિક્ષાની જોગવાઈ છે.

એનસીબીના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેથી બોલીવુડમાં ફફડાટ કેમ?

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનું નામ સતત ચર્ચા રહ્યું છે. વર્ષ 2008ની બેચનો ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ (આઈઆરએસ) અધિકારી વાનખેડે મૂળ મહારાષ્ટ્રના વતની છે.

એર ઈન્ટેલિજન્સ  યુનિટ (એઆઈયુ)માં ડેપ્યુટી કમિશનર અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)માં પણ વાનખેડેએ અગાઉ ફરજ બજાવી છે.તેઓ જોઈન્ટ મકિશનર ઓફ ડીઆરઆઈ પણ હતા.

વર્ષ 2013માં વાનખેડેએ મુંબઈ એરપોર્ટ પર સિંગર મિકા સિંહને વિદેશી ચલણ સાથે પકડયો હતો. આ સિવાય અનુરાગ કશ્યપ, વિવેક ઓબેરોય, રામગોપાલ વર્મા સહિત અન્ય સેલિબ્રિટીની પ્રોપર્ટી પર પણ તેમણે છાપો માર્યો છે.

વિવિધ કાર્યવાહી દરમિયાન વાનખેડે અને તેમની ટીમે અંદાજે 17 હજાર કરોડ રૂપિયાનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. વર્ષ 2017માં સમીર વાનખેડેએ મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા. બોલીવુડના ડ્રગ્સ રેકેટમાં તેમણે અનેક અભિનેતા અભિનેત્રીની પૂછપરછ અને ધરપકડ કરી છે.

આંતરરાષ્ટ્રીય જળસીમામાં ક્રૂઝશીપ પર ચાલતી ડ્રગ- રેવ પાર્ટી એજન્સીઓથી બચવાની તરકીબ છે?

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની એનસીબીએ કોર્ડેલીયા ક્રૂઝશીપ પર છાપો મારી ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. અત્યાર સુધી એનસીબીએ વિવિધ હોટલ, પબ, કેફેટેરીયા જેવા સ્થળોએ છાપો મારી ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરી છે.

જોકે, આ પહેલી વાર છે કે એનસીબીએ ક્રૂઝશીપ પર છાપો મારી કાર્યવાહી કરી છે. એનસીબીની આ કાર્યવાહી બાદ એવી વાતો વહેતી થઈ છે કે મુંબઈ- ગોવા વચ્ચે ક્રૂઝશીપ પર એનસીબીએ કાર્યવાહી કરી એ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય જળસીમામાં કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં દેશના કાયદા લાગૂ થતા નથી.

આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ક્રૂઝશીપ પર ચાલતી ડ્રગ- રેવ પાર્ટીનો મુદ્દો ગરમાયો છે. એવી થિયરી પણ વહેતી થઈ છે કે વિવિધ સરકારી એજન્સીઓથી બચવા જાણી જોઈને આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ પ્રકારની ડ્રગ- રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.

સિમી ગરેવાલને આપેલો એક ઈન્ટરવ્યૂ વાયરલ

શાહરૂખે કહ્યું હતું કે 'ટીનેજમાં હું જે કરી શક્યો નહોતો તે તમામ કામ આર્યનને કરવાની છૂટ'

ધૂમ્રપાન, ડ્રગ્સ અને સેક્સનો પણ છોછ નહીં

મુંબઈ : નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મધદરિયે એક દિલધડક ઓપરેશન પાર પાડી મુંબઈથી ગોવા જતી એક ક્રૂઝ પર દરોડા પાડી મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

એનસીબીએ આ કાર્યવાહીમાં બોલીવુડના 'કિંગ ખાન' તરીકે ઓળખાતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરી . આ પ્રકરણે આર્યન ખાનની ધરપકડ થતા ચકચાર મચી ગઈ હતી. દરમ્યાન આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાને 1997માં  સિમી ગરેવાલને આપેલા એક ઈન્ટરવ્યુનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થયો હતો.

આ વીડિયોમાં શાહરૂખ ખાન સ્પષ્ટપણે કહે છે કે તેનો દિકરો ધૂમ્રપાન કરે, ડ્રગ્સ લે, છોકરીઓ ફેરવે કે પછી સેક્સ માણે તેને તમામ છૂટ રહેશે.' શાહરૂખ ખાને હજી માંડ સુપરસ્ટાર બન્યો પણ નહોતો ત્યારે તેણે 1997માં સિમી ગરેવાલને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ સમયે શાહરૂખ સાથે તેની પત્ની ગૌરી ખાન પણ હાજર હતી. સિમીએ આ સમયે શાહરૂખને તેના પુત્ર આર્યન ખાનના ઉછેરને લઈ એક પ્રશ્ન પૂછ્યો હતો.

આ સમયે શાહરૂખ ખાને આ પ્રશ્નનો જવાબ થોડો વિચિત્ર રીતે આપતા કહ્યું હતું કે 'ટીનેજમાં હુંં જે કરી શક્યો નહોતો તે તમામ કામ કરવાની હું આર્યનને છૂટ આપીશ જેમાં છોકરીઓ ફેરવવી, ધૂમ્રપાન કરવું, ડ્રગ્સ લેવું કે પછી સેક્સ કરવાની પણ છૂટ રહેશે. શાહરૂખ ખાને જ્યારે આ મુલાકાત આપી તેના થોડા મહિનાઓ પહેલા જ તેની પત્ની ગૌરીએ આર્યનને જન્મ આપ્યો હતો. શાહરૂખે તે સમયે જ જાહેર કરી દીધું હતું કે જો તેનો દિકરો કાંઈ પણ કરે તેનો કોઈ વાંધો નથી. આજે લગભગ બે દાયકા બાદ શાહરૂખની આ વાત લગભગ સત્ય બનતી જોવા મળી રહી છે.

Gujarat